વોરેન બફેટને પાછળ છોડીને દુનિયાના સાતમા ધનાઢ્ય વ્યક્તિ બન્યા મુકેશ અંબાણી

વોરેન બફેટને પાછળ છોડીને દુનિયાના સાતમા ધનાઢ્ય વ્યક્તિ બન્યા મુકેશ અંબાણી

નવી દિલ્હી, તા. 10 : ભારતના સૌથી અમીર વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી હવે દુનિયાના સાતમા સૌથી ધનાઢ્ય વ્યક્તિ બની ગયા છે. મુકેશ અંબાણીએ બર્કશાયર હેથવેના વોરેન બફેટ, ગૂગલના લેરી પેજ અને સર્જ બ્રિનને પાછળ છોડી દીધા છે. વિશ્વના ટોપ-10 અમીરોની યાદીમાં પૂરા એશિયામાંથી એકમાત્ર મુકેશ અંબાણી સામેલ છે. ફોર્બ્સ મુજબ તેમની કુલ સંપત્તિ 70 અબજ ડોલરને પાર પહોંચી ગઈ છે. આ અગાઉ 20મી જૂનના રોજ મુકેશ અંબાણી ફોર્બ્સની યાદીમાં નવમા ક્રમે હતા. તે સમયે કુલ સંપત્તિ 64.5 અબજ ડોલર હતી. આ હિસાબે 20 દિવસમાં સંપત્તિમાં 5.4 અબજ ડોલરનો વધારો થયો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની બજાર કિંમત થોડા સમય પહેલા જ 12 લાખ કરોડને પાર પહોંચી હતી. આ સાથે 12 લાખ કરોડની બજાર કિંમત પાર કરનારી પહેલી ભારતીય કંપની બની હતી. ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનેર રેન્કિંગમાં સંપત્તિની ગણતરી શેરની કિંમતના આધારે કરવામાં આવે છે. જે દર પાંચ મિનિટે અપડેટ થાય છે. રિલાયન્સમાં મુકેશ અંબાણીના શેર 42 ટકા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer