વોટ્સએપ, ઈમેઈલ દ્વારા પણ સમન્સ માન્ય

વોટ્સએપ, ઈમેઈલ  દ્વારા પણ સમન્સ માન્ય

        સુપ્રીમની મંજૂરી : બ્લૂ ટિક થતા રિસીવરે નોટિસ જોઈ લીધી છે તેમ મનાશે

નવી દિલ્હી, તા. 10 : કોરોના વાયરસના કારણે લાગુ થયેલા લોકડાઉનના કારણે હવે મોટાભાગના કામો ડિજિટલ બન્યા છે. સુપ્રીમ કોર્ટે પણ આ દરમિયાન વીડિયો કોન્ફરન્સીંગ મારફતે ઘણા મામલાની સુનાવણી કરી છે. હવે સર્વોચ્ચ અદાલતે વધુ એક નિર્ણય સંભળાવ્યો છે. જેના મુજબ કોઈપણ સમન કે નોટિસ વોટ્સએપ મારફતે પણ મોકલી શકાશે. જેમાં બ્લૂ ટીક થતા રિસીવરે નોટિસ જોઈ લીધી છે તેમ ગણાશે.

સુપ્રીમ કોર્ટે શુક્રવારના રોજ વોટ્સએપ મારફતે સમન બજાવવાની કામગીરી કરવાને મંજૂરી આપી હતી. જેના મુજબ વોટ્સએપ ઉપરાંત ટેલિગ્રાફ અને ઈમેઈલ મારફતે પણ સંબંધિત વ્યક્તિને સમન કે નોટિસ મોકલી શકાશે. જો વોટ્સએપ ઉપર બ્લૂ ટિક આવે તો માની લેવામાં આવશે કે રિસિવરે નોટિસ જોઈ લીધી છે. અગાઉ ફિઝિકલી રીતે જ નોટિસ અને સમન મોકલવામા આવતા હતા. તેવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.

 કોરોના સંકટ બાદથી જ સુપ્રીમ કોર્ટ સહિત અન્ય અદાલતોમાં ઓનલાઈન સુનાવણી થઈ રહી છે. શરૂઆતમાં માત્ર સુપ્રીમ કોર્ટમાં જ વીડિયો કોન્ફરન્સીંગ મારફતે સુનાવણી થઈ રહી હતી. બાદમાં હાઈકોર્ટ અને સેશન કોર્ટે પણ તેની મંજૂરી આપી દેવાઈ હતી. માર્ચથી લઈને અત્યારસુધીમાં સુપ્રીમ કોર્ટે ઘણા મહત્ત્વના કેસની સનાવણી અને ઉકેલ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કર્યો છે. જેમાં કોરોના સંકટના કેસથી લઈને પ્રવાસી શ્રમિકો અંગે દાખલ અરજીનો પણ સમાવેશ થાય છે.

 

ઈ-કોમર્સ કંપનીઓ સામાન ઉપર નિર્માતા દેશનું નામ ન દર્શાવે તો દંડ

એક લાખ સુધીના દંડ ઉપરાંત જેલની સજા  સામાન નિર્માતા, માર્કેટિંગ કંપની સંબંધિત લોકો  પણ સજાના ભાગીદાર ગણાશે

 નવી દિલ્હી, તા. 10 : ઈ કોમર્સ કંપનીઓએ જો કોઈપણ સામાન અંગે પોતાની વેબસાઈટ ઉપર જાણકારી ન આપી કે તે ક્યા દેશથી આવ્યો છે તો તેના ઉપર એક લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે અને જવાબદાર વ્યક્તિને જેલની સજા પણ થઈ શકે છે. આટલું જ નહી સામાનના નિર્માતા, માર્કેટિંગ કંપની સંબંધિત લોકો પણ સજાના ભાગીદાર રહેશે.

સરકારે તમામ ઈ કોમર્સ કંપનીઓને આદેશ આપ્યો છે કે તેઓ પોતાના ઉત્પાદનો ઉપર ઉલ્લેખ કરે છે તેનું ‘કન્ટ્રી ઓફ ઓરિજિન’ શું છે. જેથી દેશી સામાનનો ઉપયોગ કરવો કે આયાત કરેલા સામાનનો ઉપયોગ કરવો તે નિર્ણય કરવામાં ગ્રાહકોને મદદ મળી રહે. ઉલ્લેખનિય છે કે ચીન સરહદે ભીષણ ઘર્ષણ બાદ દેશમાં ચીની સામાનના બહિષ્કારનું અભિયાન ચાલી રહ્યું છે. તેવામાં તમામ લોકો જાણવા માગે છે કે તેઓ જે સામાનનો ઉપયોગ કરી રહ્યા છે તે ક્યા દેશનો છે. ઈ કોમર્સ કંપનીઓ દ્વારા આવી ઘણી વસ્તુઓ વેંચવામાં આવતી હોય છે જેના ઉપર નિર્માતા દેશના નામ હોતા નથી. એક અહેવાલ મુજબ ઉપભોક્તા મામલાના સચિવ લીના નંદને કહ્યું હતું કે, મેન્યૂફેક્ચરર કે  માર્કેટિંગ કંપની આદેશનું પાલન કરવામાં નાકામ રહે તો તેના ઉપર 25,000 રૂપિયા, બીજી વખત 50,000 રૂપિયા અને તેનાથી વધુ વખત ભૂલ બદલ એક લાખ રૂપિયા દંડ અથવા જવાબદાર વ્યક્તિને જેલ અથવા બન્ને સજા આપવામાં આવશે. આ સજા દુકાનો ઉપર સામાન વેંચવાના મામલામાં પણ લાગુ પડશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer