ધરપકડના 24 કલાકમાં જ દુબે ઢેર

ધરપકડના 24 કલાકમાં જ દુબે ઢેર

ઉજ્જૈનથી વિકાસ દુબેને લઈને નીકળેલી પોલીસનું વાહન કાનપુર પાસે પલટયું ઈં દુબેએ પોલીસનું હથિયાર છીનવી ભાગવાનો પ્રયાસ કરતાં ઠાર મરાયો
 
નવીદિલ્હી,તા.10: કાનપુરકાંડનો મુખ્ય આરોપી ખૂંખાર ગુંડો વિકાસ દુબે ગુરુવારે મધ્યપ્રદેશનાં ઉજ્જૈનમાંથી નાટકીય ઢબે પકડાઈ ગયા બાદ આજે વહેલી સવારે ઉજ્જૈનથી પોલીસ તેને કાનપૂર લાવતી હતી ત્યારે કાનપૂરથી એકાદ કલાકનાં અંતરે પોલીસની કાર પલટી ખાઈ ગઈ અને વિકાસ દુબેએ એક પોલીસકર્મીની બંદૂક આંચકીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તેને શરણાગતિ સ્વીકારી લેવા કહ્યાં છતાં તે માન્યો નહીં અને પોલીસે તેને ચાર ગોળી ધરબીને ઢાળી દીધો હતો. આમ 8 પોલીસકર્મીનો હત્યારો આઠમા દિવસે જ એનકાઉન્ટરમાં મરાયો છે.
ઉત્તરપ્રદેશ પોલીસનાં કહેવા અનુસાર શહેરથી એકાદ કલાકનાં અંતરે વિકાસ દુબેને લાવી રહેલા પોલીસ કાફલાનાં ત્રણ વાહનોમાંથી એક ઓચિંતા ઢોરનું ઝુંડ વચ્ચે આવવાથી અનિયંત્રિત થઈને વરસાદમાં લપસણા થઈ ગયેલા રોડ ઉપર પલટી ગયું હતું. મોકો મળતા દુબેએ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. તેણે એક પોલીસકર્મીની બંદૂક ઝૂંટવી લીધી અને ભાગવા લાગ્યો. પોલીસે તેને પકડીને તાબે થવા કહ્યું પણ તે ગોળી ફોડવા લાગ્યો. જેને પગલે સ્વબચાવમાં પોલીસને પણ ગોળીબાર કરવાં પડયા અને આમાં તેને ઈજાઓ થતાં હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યો. જ્યાં તેનું મૃત્યુ થયું હતું. તેને કુલ ચાર ગોળી લાગી હતી. જેમાંથી ત્રણ છાતીમાં અને એક પગમાં ઘૂસી ગઈ હતી.
કારનાં અકસ્માતમાં ઈન્સ્પેક્ટર રમાકાંત ચૌધરી, સબ ઈન્સ્પેક્ટર પંકજસિંહ, ઉપનિરિક્ષક અનૂપ સિંહ, સિપાહી સત્યવીર અને પ્રદીપકુમારને ગંભીર ઈજાઓ આવી હોવાનું પણ પોલીસ જણાવ્યું હતું. વિકાસે રમાકાંતની સરકારી પિસ્તોલ ઝુંટવી હોવાનું પણ પોલીસે કહ્યું છે. તે ભાગીને કાચા રસ્તે દોડયો હતો. પોલીસની બીજી કારમાં ધસી આવેલા એસટીએફનાં સીઓ તેજબહાદુર સિહં તેનો પીછો કર્યો ત્યારે વિકાસે પોલીસની ટીમ ઉપર ગોળીઓ વરસાવી હતી. દુબેનાં ફાયરિંગમાં પણ બે પોલીસકર્મી શિવેન્દ્ર સિંહ સેંગર અને વિમલ યાદવ ઘવાયા હતાં. આ તમામ અત્યારે સારવારમાં છે.
આજની આ સનસનીખેજ ઘટના પછી પણ વિપક્ષી દળોએ રાજકીય આક્રમણ પણ શરૂ કરી દીધું હતું અને જે પ્રકારે દુબેને ઠાર કરવામાં આવ્યો તેની સામે સવાલો ઉઠવા લાગ્યા હતાં. આ પહેલા ગુરુવારે તેની ધરપકડ વખતથી સોશિયલ મીડિયામાં લોકો દુબેને વહેલીતકે એનકાઉન્ટરમાં મારી નાખવામાં આવશે તેવી આશંકાઓ પણ વ્યક્ત કરતાં હતાં. યોગાનુયોગ આ આશંકાઓ આજે સાચી પુરવાર થઈ હતી.
મીડિયાનાં અહેવાલ અનુસાર એક રાહદારીએ પણ દાવો કયો હતો કે પોલીસે બધાને દૂર ભગાડી દીધા હતાં અને પોલીસનાં વાહનનો કોઈ જ અકસ્માત થયો ન હતો. આ રાહદારી આશીષ પાસવાનનાં કહેવા અનુસાર તેણે ગોળી ફૂટવાનાં અવાજ સાંભળ્યા હતાં. અન્ય એક અહેવાલ અનુસાર દુબેને સફારી કારમાં કાનપૂર લવાઈ રહ્યો હતો પણ જે કાર ગોથું ખાઈ ગઈ તે અન્ય ટીયુવી300 એસયુવી હતી. આ ઉપરાંત મીડિયાનાં વાહનો પણ પોલીસનાં કાફલાની પાછળ હતાં તેને પણ કાનપૂરનાં સચેંડી પાસે અટકાવી દેવામાં આવ્યા હતાં. આ ઉપરાંત આવો રીઢો ગુનેગાર હોવા છતાં વિકાસને હાથકડી કેમ પહેરાવવામાં નહોતી આવી તેની સામે પણ સવાલો ઉઠાવાઈ રહ્યા છે.
ગુરુવારે સાંજે લખનઉનાં કૃષ્ણાનગરમાંથી એસટીએફે દુબેની પત્ની રિચા અને પુત્રને પણ પકડી લીધા હતાં. આજે દુબેના એનકાઉન્ટરનાં ખબર મળતાં જ તે પોક મૂકીને રડવા લાગી હતી અને પોલીસને અજીજી કરતી રહી હતી કે એકવાર ચહેરો દેખાડી દો.
પોલીસકર્મીઓનાં હત્યાકાંડ પછીનાં આઠ દિવસમાં આજે વિકાસ મરાયો તે પહેલા યુપી પોલીસ તેનાં પાંચ સાગરિતોને પણ એનકાઉન્ટરમાં ઠાર કરી ચૂકી છે. હજી પણ 12 અપરાધી ફરાર હોવાનું કહેવામાં આવે છે.
 
માનવ અધિકાર પંચમાં નકલી એન્કાઉન્ટરની ફરિયાદ
નવીદિલ્હી,તા.10: ઉત્તરપ્રદેશનાં કાનપૂરમાં ગેંગસ્ટર વિકાસ દુબેનાં એનકાઉન્ટર સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારે હવે આ મામલો રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગમાં પણ પહોંચી ગયો છે. તહસીન પુનાવાલા તરફથી માનવ અધિકાર આયોગમાં એક ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદમાં વિકાસ દુબે ઉપરાંત તેનાં પાંચ મળતિયાના એનકાઉન્ટરનો મુદ્દો પણ સામેલ કરાયો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, દુબેએ બધાની સામે પોલીસમાં સરન્ડર થયો હતો. આ ઉપરાંત જે કારમાં દુબેને લઈ જવાતો હતો અને જે વાહન પલટી ગયું તે બન્ને અલગ હોવા મુદ્દે પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે દુબેની રાજકીય સાઠગાંઠ બહાર ન આવે એટલે જ તેને નકલી એનકાઉન્ટરમાં મારી નાખવામાં આવ્યો છે.
 
દુબે હણાયા પૂર્વે સુપ્રીમમાં પાંચના એન્કાઉન્ટરની તપાસની માગ
નવી દિલ્હી, તા.10: વિકાસ દુબેના પાંચ સાગરિતો-જેઓ કદાચ તા.ત્રીજીએ 8 પોલીસકર્મીઓની હત્યામાં સંડોવાયેલા હોઈ શકે-ના કથિત એન્કાઉન્ટરની તલસ્પર્શી તપાસ હાથ ધરવા યુપી સરકારને દોરવણી અપાય તેવી માગણી કરતી અરજી સર્વોચ્ચ અદાલતમાં થઈ છે. દુબે હણાયો તેના થોડા કલાક પહેલાં થયેલી આ અરજીમાં દુબેનું પણ એન્કાઉન્ટર થવાની ભીતિ વ્યક્ત કરી સીબીઆઈ તપાસ મગાઈ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer