ઇતિહાસમાં પ્રથમ વખત રાજકોટ જિલ્લા બેંકની તમામ બેઠકો બિનહરીફ

ઇતિહાસમાં પ્રથમ વખત રાજકોટ જિલ્લા બેંકની તમામ બેઠકો બિનહરીફ

તમામ 17 બેઠકો રાદડિયા જૂથને મળી, ચૂંટણી હવે નહીં યોજાય: ચેરમેન જયેશ રાદડિયાની સત્તાવાર જાહેરાત

(ફૂલછાબ ન્યૂઝ)

રાજકોટ, તા.10: રાજકોટ જિલ્લા સહકારી બેંકની ચૂંટણી આખરે ટળી છે. જોકે એ સાથે બેંકની સ્થાપનાકાળથી અત્યાર સુધીના ઇતિહાસમાં સૌપ્રથમ વખત તમામ બેઠકો બિનહરીફ થવાનો નવો કિર્તીમાન પણ બેંકમાં સ્થપાયો છે.

ગઇકાલે બે બેઠકો પર વિજય સખિયા અને યજ્ઞેશ જોશીએ ફોર્મ ભરતા ચૂંટણી દેખાતી હતી. જોકે ફોર્મ ભરવાના છેલ્લાં દિવસે ચેરમેન જયેશ રાદડિયાની સમજાવટથી બન્ને બેઠકો પર રાદડિયા જૂથ સિવાયના ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લેવાની જાહેરાત કરતા તમામ 17 બેઠકો બિનહરીફ થઇ છે. આ અંગેની સત્તાવાર જાહેરાત જયેશ રાદડિયાએ પત્રકાર પરિષદમાં કરી હતી.

શહેર શરાફી મંડળીમાં રાડદિયા પેનલના અરાવિંદ તાળા સામે સ્વતંત્ર ઉમેદવાર યજ્ઞેશ જોશીએ ફોર્મ ભર્યું હતુ. એ જ રીતે રાજકોટ તાલુકાની બેઠકમાં શૈલેષ ગઢીયાની સામે વિજય સખિયાએ ફોર્મ ભર્યું હતુ. બન્ને બેઠકો ઉપર ગઇકાલ સુધી ચૂંટણી થાય એવા સંકેતો હતા. જોકે મોડી રાત્રે અને આજે સવારથી બન્નેને સમજાવવાના પ્રયત્નો રાદડિયા જૂથે ચાલુ રાખ્યા હતા. અંતે આજે જયેશ રાદડિયાએ સત્તાવાર રીતે 17 બેઠકો બિનહરિફ રહેશે અને તેમાં અમારા જૂથના ઉમેદવારો વિજેતા         

થશે તેવી જાહેરાત કરી દીધી હતી. તેમણે જણાવ્યું હતુ કે,બે ઉમેદવારોએ ચૂંટણી લડવા માટે ફોર્મ ભર્યા હતા. પરંતુ તે પરિવારજન જેવા જ હોવાનું કહીને મનાવી લેવાયા હોવાનું કહ્યું હતુ.

બેંકમાં રાદડિયા જૂથનું વર્ચસ્વ એ રીતે જળવાઇ રહ્યું છે. 26 જુલાઇએ ચૂંટણી માટે મતદાન થવાનું હતુ. જોકે હવે ફોર્મ પાછા ખેંચવાના છેલ્લાં દિવસે આપોઆપ ચૂંટણી બિનહરિફ થઇ જશે.

આમ ચૂંટણી ન થતા હવે કંડોરાણાની બેઠક પર લલિત રાદડિયા, ઉપલેટામાં હરિભાઇ ઠુંમર, ધોરાજીમાં વિનુભાઇ વૈષ્ણવ, રાજકોટમાં શૈલેષ ગઢીયા, જેતપુરમાં ગોરધન ધામેલિયા, ગોંડલમાં પ્રવિણ રૈયાણી, જસદણમાં અરાવિંદ તાગડિયા, લોધીકામાં વિરભદ્રાસિંહ જાડેજા, પડધરીમાં ડાયાભાઇ પીપળિયા, મોરબીમાં મગનભાઇ વડાવીયા, માળિયામાં અમૃત વિડજા, ટંકારામાં દલુભાઇ બોડા, વાંકાનેરમાં જાવેદ પીરજાદા, રાજકોટ શહેર શરાફીમાં અરાવિંદ તાળા, ગ્રામ્ય શરાફીમાં ધનજી કુંડલીયા, રુપાંતર બેઠકમાં જયેશ રાદડિયા અને ઇત્તર બઠકમાં મગન ઘોણિયા આવશે.

 

સોમાની ચૂંટણી 21 સપ્ટેમ્બરે થશે

ચેરિટી કમિશનર દ્વારા જાહેર કરાયો ચૂંટણી

(ફૂલછાબ ન્યૂઝ)

રાજકોટ.તા.10 : દિર્ઘકાળની તપશ્ચર્યાભરી વાટ જોયા પછી આખરે સૌરાષ્ટ્ર ઓઇલ મિલ્સ એસોસીએશનની ચૂંટણીની જાહેરાત  આવી છે. સોમાના 23 કારોબારી સભ્યો માટેની ચૂંટણીનો સમગ્ર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે એ પ્રમાણે પોસ્ટલ બેલેટને આધારે ચૂંટણી થશે. 21મી સપ્ટેમ્બરના દિવસે ગણતરી બાદ પરિણામ જાહેર થશે. એ સાથે સોમામાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવશે.

સોમાના પ્રવર્તમાન પ્રમુખ સમીર શાહે અનેક કાવાદાવા અને વાંધાવચકા કાઢીને ચૂંટણી વિલંબમાં નાંખવાના પ્રયાસો કર્યા હતા. જોકે તે અસફળ રહ્યા છે. ચેરિટી કમિશ્નરે આ બાબતની ગંભીર નોંધ લઇને દંડ પણ કર્યો છે. જોકે હવે આખરે ઘીના ઠામમાં ઘી પડી જતા ચૂંટણી આવી છે.જાહેરનામા પ્રમાણે મતદાર યાદી 10મી જુલાઇના રોજ પ્રાથમિક મતદાર યાદી જાહેર થઇ છે.

પ્રાતમિક મતદાર યાદી સામે વાંધા સ્વીકાર માટે 21થી 22 જુલાઇનો સમય રાખવામાં આવ્યો છે. 23ના રોજ વાંધા ચકાસણી થશે. વાંધાની સુનાવણી તા. 24ના 11 કલાકે થશે. આખરી મતદાર યાદીની પ્રસિધ્ધિ 25 જુલાઇએ કરવામાં આવશે. ચૂંટણી અંગે સામાન્ય સૂચનાઓ, ઉમેદવારી પત્ર અને આખરી મતદાર યાદીની નકલ મોકલવા માટે તા. 28થી 31 જુલાઇનો સમય અપાયો છે. ઉમેદવારોના ફોર્મ 1 ઓગસ્ટથી 1% ઓગસ્ટ સુધી સ્વીકારાશે. 18 ઓગસ્ટના રોજ ફોર્મ ચકાસીને માન્ય ઉમેદવારોની યાદી 19 ઓગસ્ટના દિવસે જાહેર કરાશે. ઉમેદવારીપત્રો 20થી27 ઓગસ્ટ દરમિયાન પાછા ખેંચી શકાશે. આખરી યાદી 28 ઓગસ્ટના જાહેર થશે.

માન્ય ઉમેદવારોની હાજરીમાં મતપેટી સીલ કરવાની કામગીરી 28 ઓગસ્ટે 12 કલાકે થશે. પોસ્ટલ બેલેટ સભ્યોને 29 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર સુધી મોકલાશે. પરત મોકલવાની છેલ્લી તારીખ 21 સપ્ટેમ્બર સવારે 11 કલાક સુધી રાખવામાં આવી છે. મત ગણતરી 21 સપ્ટેમ્બર સવારે 11 વાગ્યે થાય ત્યારે પરિણામ પણ જાહેર કરાશે. તમામ કામગીરી સોમાની જામનગર ખાતેની કચેરીએ થશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer