વડોદરામાં ચોરીની આશંકાએ પિતાએ પુત્રનું ઢીમ ઢાળી દીધુ

વડોદરા, તા.10 : અંકલેશ્વરના નવીનગરી વિસ્તારમાં રૂપિયા ચોરી લીધા હોવાની આશંકાએ પિતાએ પરાઇના ઘા મારીને પુત્રની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. અંકલેશ્વર શહેર પોલીસે ગણતરીના કલાકમાં જ હત્યા કરનાર પિતાની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે. પુત્રની સારવાર માટે પરિવાર 3 હોસ્પિટલ  રખડયો હતો. જો કે અંતે ખાનગી હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
અંકલેશ્વરના નવીનગરી વિસ્તારમાં રહેતા નગીન વસાવા અને પુત્ર દિનેશ વસાવા વચ્ચે અવાર નવાર ઝઘડા થતાં હતા. દરમિયાન ગુરૂવારના રોજ ફરી એકવાર ઝઘડો થયો હતો. પિતા નગીન વસાવાએ સુતેલા પુત્ર દિનેશને તે કેમ મારા ખિસ્સામાંથી રૂપિયા ચોર્યા છે. તેમ કહી પોતાની પાસે રહેલી પરાઇ વડે મોઢાના ભાગે ગંભીર માર માર્યો હતો જે જોઇને દોહિત્રી સંધ્યા જોતા જ તેમની મમ્મી સુશીલાબેન પવારને ઉપરના માળેથી બોલાવી લાવી હતી અને મામાને માર મારતા બચાવા જતા નગીન વસાવાએ દોહિત્રીને પણ મારવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યાર બાદ તેની માતા સુશીલાએ વચ્ચે પડીને છોડાવ્યા હતા અને ત્યાર બાદ અન્ય સંબંધીને બોલાવીને ઇજાગ્રસ્ત યુવાનને પ્રથમ એ.કે.પટેલ હોસ્પિટલ, ત્યાર બાદ સરદાર પટેલ હોસ્પિટલ અને ત્યાંથી અંતે ઓરેન્જ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer