વિકાસ દૂબેના એન્કાઉન્ટર ઉપર વિપક્ષના સવાલ

વિકાસ દૂબેના એન્કાઉન્ટર ઉપર વિપક્ષના સવાલ
નવા ધડાકા થવાની બીકે એન્કાઉન્ટર થયાનો આરોપ  : ન્યાયીક તપાસની માગ
નવી દિલ્હી, તા. 10 : કાનપુરમાં આઠ પોલીસ કર્મચારીની હત્યાના માસ્ટર માઈન્ડ ગેંગસ્ટર વિકાસ દૂબેનું એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું છે. જો કે વિપક્ષ દ્વારા એન્કાઉન્ટર ઉપર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે અને રાજનેતાઓના દૂબે સાથેના કનેક્શન સામે ન આવે તે માટે ષડયંત્ર રચીને ફેક એકાઉન્ટરને અંજામ આપવામાં આવ્યો હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે. બો બીજી તરફ દૂબેના હુમલામાં શહીદ પોલીસના પરિજનોએ ઉત્તર પ્રદેશ પોલીસની કાર્યવાહીને આવકારી હતી.
 
ઘણા બધા જવાબો કરતા શાંતિ સારી. ખબર નહી કેટલા પ્રશ્નો બચાવી લેવામાં આવ્યા છે.
- રાહુલ ગાંધી (કોંગ્રેસ નેતા)
અપરાધીને મદદ કરનારાઓનું શું ? કોણ કોણ અપરાધીને સહાય આપતા હતા તે સત્ય સામે આવવું જોઈએ. સુપ્રીમ કોર્ટમાં પૂરા કાંડની ન્યાયીક તપાસ થવી જોઈએ.
- પ્રિયંકા ગાંધી વાડ્રા (કોંગ્રેસ મહાસચિવ)
હકીકતમાં કાર પલટી મારી નહોતી પણ ગુપ્ત માહિતી બહાર આવતા સરકારને પલટવાથી બચાવવામાં આવી છે.
- અખિલ યાદવ (સપા)
જો આંખના બદલામાં આંખ જવાબ હોય તો કોર્ટની જરૂર શું છે ?દુબે સાથે રહસ્યોને પણ દબાવી દેનારા લોકો કોણ હતા ?
- જીતીન પ્રસાદ (યુપી કોંગ્રેસ નેતા)
એન્કાઉન્ટરની ઘણાએ શક્યતા વ્યક્ત કરી હતી.  તો શું આ વિકાસના અમુક વ્યક્તિઓ અને પક્ષ સાથેના સંપર્કના પુરાવાનો નાશ કરવા માટેનું ષડયંત્ર છે ?
- કપિલ સિબલ (કોંગ્રેસ નેતા)
કાનપુર પોલીસ હત્યાકાંડની, વિકાસ દુબેને મધ્યપ્રદેશથી કાનપુર લાવતા સમયે પોલીસની ગાડી પલટવાની અને પોલીસ દ્વારા તેને ઠાર કરવા સહિતના તમામ મામલાની સુપ્રીમ કોર્ટની દેખરેખમાં નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.
- માયાવતી (બસપા પ્રમુખ)
વિકાસ દૂબેના એન્કાઉન્ટર બાદ દેશના તમામ ન્યાયાધિશોએ રાજીનામું આપી દેવું જોઈએ. ભાજપના રાજમાં અદાલતની જરૂર જ નથી. આઠ પોલીસ કર્મચારીઓની હત્યાના અસલી આરોપીઓને બચાવવા માટે તમામ નાટક રચવામાં આવ્યું છે.
- જયંત ચૌધરી (રાષ્ટ્રીય લોક દળ)
એન્કાઉન્ટરથી  શાંતિ મળી છે. કાર્યવાહીથી લોકોનો સરકાર અને પોલીસ ઉપર ભરોસો ફરી સ્થાપિત થશે.
- કોન્સ્ટેબલ અજય કશ્યપ (દૂબેના હુમલામાં ઈજાગ્રસ્ત)
ઉત્તર પ્રદેશ પોલીસ ઉપર ગર્વ છે. તેઓએ જે કંઈ કર્યું છે તેનાથી શાંતિ મળી છે. આ માટે પ્રશાસન અને યોગી સરકારનો આભાર.
- તિર્થ પાલ (શહીદ જીતેન્દ્ર પાલના પિતા)
સંતોષ થયો છે પણ દૂબેને કોનો  ટેકો હતો તે કેમ સામે આવશે ?
- ઉર્મિલા વર્મા (શહીદ સુલ્તાન સિંહના પત્ની)

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer