ચીનને ઘેરશે ભારત, અમેરિકા, જાપાન, ઓસી

ચીનને ઘેરશે ભારત, અમેરિકા, જાપાન, ઓસી
બંગાળની ખાડીના યુદ્ધાભ્યાસમાં આ વખતે ઓસ્ટ્રેલિયાને પણ જોડવા ભારતની તૈયારી
નવી દિલ્હી, તા. 10 : વિશ્વાસઘાતી ચીનને હવે સમુદ્રમાં પણ ઘેરવાની તૈયારી ભારતે કરી લીધી છે. ભારતે માલાબાર ડ્રિલના નૌકાદળોના યુદ્ધાભ્યાસમાં ઓસ્ટ્રેલિયાને પણ સામેલ કરવાની યોજના ઘડી છે. અત્યાર સુધી આ અભ્યાસમાં ભારતીય નૌકા દળ સાથે અમેરિકા અને જાપાનની નૌસેનાઓ ભાગ લેતી રહી છે, પણ છેલ્લા કેટલાક સમયથી ભારતની જેમ ઓસીના સંબંધો પણ ચીન સાથે વણસેલા હોવાથી નવી દિલ્હીએ આ વખતે તેને પણ અભ્યાસમાં જોડવા તૈયારી કરી લીધી છે.
ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી જારી સીમાવિવાદ વચ્ચે ભારતે હવે પહેલીવાર ઓસ્ટ્રેલિયાને પણ માલાબાર ડ્રિલમાં સામેલ કરીને ચીનને સ્પષ્ટ સંદેશ આપવાની યોજના બનાવી લીધી છે. વર્ષના અંતમાં બંગાળની ખાડીમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના નૌકાદળ યુદ્ધનો અભ્યાસ કરશે ત્યારે સમુદ્રી વિસ્તારમાં ચીન માટે ડરવા જેવી પરિસ્થિતિ સર્જાશે.
બ્લુમબર્ગના અહેવાલ મુજબ આગામી સપ્તાહે ઓસ્ટ્રેલિયાને ઔપચારિક નિમંત્રણ મોકલવામાં આવશે. હાલમાં જાપાન અને અમેરિકા સાથે આ સંદર્ભમાં વાતચીત થઈ રહી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer