ભારતમાં કોરોનાના કુલ કેસ આઠ લાખને પાર

ભારતમાં કોરોનાના કુલ કેસ આઠ લાખને પાર
મૃતકોમાં સૌથી વધુ 45 વર્ષથી ઉપરની વયના દર્દી: પાંચ લાખથી વધારે લોકો થયા કોરોનાથી રિકવર
નવી દિલ્હી, તા. 10 : દેશમાં કોરોના વાયરસને રોકવાના પ્રયાસો વચ્ચે કુલ કેસની સંખ્યા 8.20 લાખને પાર પહોંચી ગઈ છે. જો કે તેમાંથી 503746 લોકો રિકવર થઈ ચૂક્યા છે. જ્યારે  21776 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે. આ દેશમાં સક્રિય કેસ 2.80 લાખ જેટલા છે. દેશમાં હજી પણ સૌથી ગંભીર સ્થિતિ મહારાષ્ટ્રની છે. જ્યાં 2.31 લાખથી વધુ કેસ અને 9667 મૃત્યુ નોંધાયા છે. જ્યારે તમિલનાડુમાં 1.30 લાખ, દિલ્હીમાં 1.07 લાખ અને ગુજરાતમાં 39280 કેસ સામે આવ્યા છે. દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓના નવા કેસ કરતા રિકવર થનારા દર્દીઓની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. જો કે 45 મૃતકોમાં મોટી સંખ્યામાં 45 વર્ષથી વધુ ઉમરના દર્દી છે તે વાત ચિંતાજનક છે.  કોરોનાના મૃત્યુઆંકમાં 85 ટકા દર્દી 45 વર્ષથી વધુ વયના હતા. આ દરમિયાન સરકારે ફરી એક વખત કોરોનાનું કોમ્યુનિટિ ટ્રાન્સમિશન નકાર્યુ હતું.
સ્વાસ્થ્ય મંત્રાલયના કહેવા પ્રમાણે વે રીતે કોરોના સંક્રમણને રોકવા માટે પ્રારંભિક સ્તરે ઝડપથી પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા અને વ્યાપક પગલા ભર્યા હતા. તેના પરિણામે જ ભારત જેવા સઘન જનસંખ્યા ધરાવતા દેશમાં પણ મહામારી ઝડપથી ફેલાઈ શકી નથી. જ્યારે અમેરિકા અને ઈટાલી જેવા ઓછી આબાદી ધરાવતા સુવિધા સંપન્ન દેશોમાં કોરોનાએ ઘણી તબાહી મચાવી છે. જો આ દેશોમાં નિશ્ચિત સમયના આધારે ભારતમાં કોરોનાના કેસ વધવાની અને તેનાથી મૃત્યુ પામનારા લોકોની તુલના કરવામાં આવે તો દેશને મહામારી સામે મોટી સફળતા મળી છે.
જુલાઈની 8મી તારીખે દેશમાં કોરોનાના 25724 નવા એક્ટિવ કેસ સામે આવ્યા હતા. આ આંકડો એક દિવસમાં મળેલા દર્દીઓની સંખ્યાના આધારે અત્યારસુધીનો સૌથી મોટો આંકડો છે. પૂરા દેશમાં કોરોનાના પ્રસારના સમયથી લઈને અત્યારસુધીમાં 21 હજારથી વધારે લોકો જીવ ગુમાવી ચૂક્યા છે.  કોરોના વાયરસના કારણે થયેલા મૃત્યુ ઉપર નજર કરવામાં આવે તો મૃતકોમાં 45 વર્ષથી ઉપરની વયના દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આધારે મૃતકોની કુલ સંખ્યામાં 85 ટકા દર્દી 45 વર્ષથી વધુ વયના છે. જો કે સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને આ બીમારી અને ભારતની સ્થિતિ ઉપર પ્રકાશ પાડતા કહ્યું હતું કે, દેશની આબાદી અને સંસાધનોની ઉપલબ્ધતાને ધ્યાને લઈએ તો દુનિયાના અન્ય દેશો કરતા ભારતને કોરોના સામે વધારે સફળતા મળી છે. રાહત આપનારી વાત એ પણ છે કે દેશમાં સંક્રમિત લોકોની તુલનાએ મૃત્યુદર ઘણો ઓછો રહ્યો છે. ભારતમાં પ્રતિ એક લાખની આબાદીએ 538 એક્ટિવ કેસ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer