સમગ્ર પૂર્વ લદ્દાખમાંથી ચીન સૈનિકો હટાવવા સહમત

સમગ્ર પૂર્વ લદ્દાખમાંથી ચીન સૈનિકો હટાવવા સહમત
ભારતની ઘેરાબંધીથી ચીન ઘૂંટણીયે પડયું: શાંતિનાં રાગ છેડવા માંડયા
નવીદિલ્હી,તા.10: લદ્દાખમાં વાસ્તવિક અંકુશરેખા (એલએસી) ઉપર ભારત સાથે ઘર્ષણમાં ઉતરવાની ગુસ્તાખી પછી ભારતે અપનાવેલી રણનીતિ સામે હવે ચીન ઘૂંટણીયે પડતું દેખાવા લાગ્યું છે. સમગ્ર વિશ્વમાંથી ચીન વિરોધી ઉઠવા લાગેલા સૂર વચ્ચે ઘેરાયેલા ચીને હવે શાંતિનાં રાગ આલાપવા માંડયા છે અને ભારત ઉપર ધોંસ નહીં ચાલતા હવે ચીને એલએસી ઉપર શાંતિની બહાલી માટે સમગ્ર પૂર્વી લદ્દાખ ક્ષેત્રમાંથી પોતાનાં સૈનિકોને હટાવવા માટે સહમતી દેખાડી દીધી છે. ભારતીય વિદેશ મંત્રાલયે આની જાણકારી આપતાં કહ્યું હતું કે, ભારત-ચીન સીમા બાબતે પરામર્શ અને સમન્વય કાર્યપ્રણાલીની રૂપરેખા હેઠળ યોજાયેલી વાટાઘાટમાં ચીન સંમત થયું છે.  એલએસી (લાઈન ઓફ એક્ચૂઅલ કન્ટ્રોલ )એ તનાવ ધીમે ધીમે ઘટી રહ્યો છે. ગલવાન ઘાટી બાદ ચીની સેના પેંગોંન્ગ ત્સોના ફિંગર -4 થી પણ પાછળ હટી ગઈ છે. સૌથી પહેલા 5-6 મેના બન્ને દેશોની સેના ફિંગર-4 ઉપર જ સામે આવી હતી. હવે ચીને ફિંગર-4થી પોતાની બોટ, ગાડીઓ અને બુલડોઝર હટાવી લીધા છે. 
 
ચીન હવે કરે છે ડાહી-ડાહી વાતો
લદ્દાખ સીમાએ તનાવ પછી ભારતે વધારેલી ભીંસ બાદ હવે ચીન ડાહી-ડાહી વાતો કરવાં લાગ્યું છે. ચીનનાં રાજદૂત સુન વેઈડોંગે આજે કહ્યું હતું કે, ભારત અને ચીને પરસ્પર આદર ઉભો કરવો જોઈએ અને એકબીજાને સમાનતાથી જોવા જોઈએ. તેમણે આગળ કહ્યું હતું કે, બન્ને દેશોને ઘર્ષણને બદલે શાંતિની જરૂર છે અને બન્ને દેશ મતભેદોને સંભાળીને કોઈ ઘર્ષણની જાળમાં ફસાઈ ન જાય તેટલું ડહાપણ અને ક્ષમતા બન્ને ધરાવે છે. બન્ને દેશની સેનાઓ લદ્દાખનાં ગલવાનમાં ઘર્ષણનાં સ્થળેથી પરત ખસવા લાગ્યા બાદ ચીન તરફથી આ નિવેદન આવ્યું છે.
 
રક્ષામંત્રીએ કરી સ્થિતિની સમીક્ષા
પૂર્વી લદ્દાખમાં વિવાદિત સ્થળોએથી ચીનની પીછેહટ વચ્ચે રક્ષામંત્રી રાજનાથ સિંહે સરહદની સ્થિતિની સમીક્ષા કરી હતી. રક્ષામંત્રીએ સીઓડી જનરલ બિપિન રાવત, સેના પ્રમુખ જનરલ એમએમ નરવણે, નેવી ચીફ એડમિરલ કરમબીર સિંહ અને એર ચીફ માર્શલ આરકેએસ ભદોરીયા સાથે સમીક્ષા બેઠક કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer