પૂરમાં તણાયેલી કાર મળી : અન્ય બે યુવાનોની શોધખોળ

પૂરમાં તણાયેલી કાર મળી : અન્ય બે યુવાનોની શોધખોળ
આનંદનગરના રિક્ષાચાલકનો મૃતદેહ મળ્યો
રાજકોટ, તા.8 : પડધરીના બોડીઘોડી-સરપદડ પાસેના પુલ પરથી પસાર થતી કાર પાણીના પૂરમાં તણાય ગઈ હતી અને કારમાં બેઠેલા રાજકોટના રિક્ષાચાલકનો મૃતદેહ મળ્યો હતો. જ્યારે કાર અને બે યુવાન લાપતા બની ગયા હતા. દરમિયાન પૂરમાં તણાયેલી કાર મળી આવી હતી. જ્યારે લાપતા બનેલા બન્ને યુવાનોની શોધખોળ ચાલુ રાખવામાં આવી છે.
આ બનાવ અંગેની વિગત એવી છે કે, લક્ષ્મીવાડી કાળા પથ્થર કવાર્ટરમાં રહેતા અને ટ્રાવેલ્સ તથા જમીન-મકાનના ધંધાર્થી  મૂળ વાંકાનેરના ખેરવા ગામના વતની રાજભા બળવંતસિહ ઝાલા અને કાલાવડના મછલીવડ ગામના વતની અને હાલમાં કોઠારિયા કોલોનીમાં રહેતા બળવંતસિહ ઉર્ફે બળુભા દીલુભા જાડેજા અને આનંદનગર કોલોનીમાં રહેતા રિક્ષાચાલક સંજયભાઈ જગદીશભાઈ ટાંક નામના ત્રણેય મિત્રો રાજભા ઝાલાની ક્રેટા કાર લઈને રાત્રીના રાજકોટ આવવા નીકળ્યા હતા ત્યારે રસ્તામાં બોડીઘોડી-સરપદડના પુલ પરથી પસાર થતી વખતે પાણીના ધસમસતા પ્રવાહમાં કાર તણાય ગઈ હતી. આ અંગેની જાણ થતાં રાજકોટથી ફાયર બ્રિગેડનો સ્ટાફ તેમજ પડધરી પોલીસ દોડી ગઈ હતી અને ત્રણેયની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન સંજય જગદીશ ટાંક નામના યુવાનનો મૃતદેહ મળી આવતા પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.
દરમિયાન લાપતા બનેલા બન્ને યુવાનો કારમાં હોવાની આશંકા વ્યકત કરવામાં આવી હતી અને રાતભર શોધખોળ શરૂ કરી હતી પરંતુ સવારે પાણીમાં તણાયેલી કાર મળી આવી હતી. જ્યારે બન્ને યુવાનો હજુ પણ લાપતા હોય શોધખોળ ચાલુ રાખવામાં
આવી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer