સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આજ-કાલમાં જાહેર કરશે પરીક્ષાની તારીખ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આજ-કાલમાં  જાહેર કરશે પરીક્ષાની તારીખ
 
ર4 અભ્યાસક્રમ, 1ર હજાર વિદ્યાર્થી, 40 કેન્દ્રમાં પાંચ જ દિવસમાં પરીક્ષા આટોપી લેવા સુધીની તૈયારી
 
રાજકોટ, તા. 8: (ફૂલછાબ ન્યુઝ) સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની માસ્ટર્સ ડિગ્રીની પરીક્ષા કોરોનાને કારણે અટકી પડી છે. જોકે તાજેતરમાં  યુજીસીએ પરીક્ષા યોજવા માટે આગેકૂચ કરવા સંસ્થાઓને નિર્દેશ આપ્યા છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષાનું આયોજન કરવા ફુલપ્રુફ તૈયારી છે, બુધવારે રાત્રે જ રાજ્ય સરકારના શિક્ષણ  વિભાગે પરીક્ષા યોજવા સંદર્ભે પરિપત્ર પણ જાહેર કર્યો છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આજ-કાલમાં જ પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કરશે.
કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર 30 સુધીમાં પરીક્ષાઓ પુરી થઈ જવા સબબ આયોજન કરવા નિર્દેશ આપ્યા છે. પરંતુ ત્યાં સુધીમાં તો પરિણામ સુધ્ધાં જાહેર કરવાની યુનિવર્સિટીની તૈયારી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ર4 અભ્યાસક્રમ, 1ર હજાર વિદ્યાર્થી માટે 40 કેન્દ્રો તૈયાર છે. અત્યાર સુધી જિલ્લા કક્ષાએ જ પરીક્ષા કેન્દ્રો ગોઠવાતા. પરંતુ સ્થિતિ જોતા તાલુકા સ્તરે પણ પરીક્ષા કેન્દ્રો તૈયાર કરાયા છે. જેનાથી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા છાત્રોને અનુકુળતા રહેશે.
 વિદ્યાર્થીઓને ક્યા કેન્દ્ર અનુકુળ પડે છે તે બાબતના ફોર્મ પણ ભરાઈને આવી ગયા છે. અપડાઉન કરતા, હોસ્ટેલમાં રહીને ભણતા વિદ્યાર્થીઓને કેન્દ્ર નક્કી કરવાની ચોઈસ અપાઈ છે. રાજ્ય સરકાર તરફથી લીલીઝંડી મળે એટલે પાંચ જ દિવસમાં પરીક્ષા આટોપી લેવાશે. પ્રશ્નપત્ર છાપવા સિવાયની તમામ તૈયારીઓ થઈ ચુકી હોવાનો દાવો કરાયો છે. 
 
રાજ્ય સરકારનો પરિપત્ર આવી ગયો
બુધવાર તા. 8ની રાત્રે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે યુનિવર્સિટીઓની બાકી પરીક્ષા યોજવા સંદર્ભે પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં જણાવ્યું છે કે પરીક્ષા ઓનલાઈન અને ઓફલાઈન અને બ્લેન્ડેડ (ઓનલાઈન પ્લસ ઓફલાઈન) યોજી શકાશે. કેન્દ્ર સરકારની સૂચના પ્રમાણે પરીક્ષા 30 સપ્ટેમ્બર સુધીમાં પુરી કરવાની રહેશે. વિદેશ રહેતા અને અન્ય રાજ્યોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન જ પરીક્ષા યોજવાની રહેશે. આ ઉપરાંત તમામ વિદ્યાર્થીઓને હોલ ટિકિટ પણ ઓનલાઈન જ આપવાની રહેશે. તેમજ જે વિદ્યાર્થીઓ વિદેશ જવા માગે છે તેમની પરીક્ષા વહેલી પુરી થાય તે જરૂરી છે. આ સ્થિતિમાં તેવા વિદ્યાર્થીઓને 30 જુલાઈ સુધીમાં પરીક્ષા ઓનલાઈન આપી શકે તેની તક આપવા જણાવાયું છે.
 
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer