એશિયા કપ રદ: ગાંગુલીની ઘોષણા

એશિયા કપ રદ: ગાંગુલીની ઘોષણા
 
શાહનું આયોજન દેશમા જ થશે તેવી bcciના અધ્યક્ષને આશા
 
નવી દિલ્હી, તા.8: બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આજે બુધવારે રાત્રે એશિયા કપ-2020 રદ થયાની જાહેરાત કરી છે. આ ઘોષણા તેણે એશિયન ક્રિકેટ કાઉન્સિલની તા. 9 જુલાઇએ યોજનાર બેઠકના એક દિવસ પહેલા કરી છે. ગાંગુલીએ આ નિર્ણય પર વધુ કાંઇ બતાવ્યું ન હતું. બસ એટલું જ કહ્યંy કે એશિયા કપ કેન્સલ થયો છે. એશિયા કપનું યજમાનપદ પાકિસ્તાન પાસે હતું અને આ વખતે ટી-20 ફોર્મેટમાં તે યૂએઇમાં સપ્ટેમ્બરમાં રમાવાનો હતો. જો કે હવે કોરોનાને લીધે તે રદ થયો છે. આથી આઇપીએલના આયોજનની આશા ઉજળી બની છે તેવું કહી શકાય. અગાઉ ગાંગુલીએ એવું જણાવ્યું હતું કે તેની પહેલી પ્રાથમિકતા ભારતની ધરતી પર આઇપીએલનું આયોજન છે અને તેને આશા છે કે કોરોના વાઇરસની લીધે વધતા કેસ છતાં 2020માં આ લોકપ્રિય ટી-20 લીગનું આયોજન થશે. આઇપીએલનું આયોજન નિર્ધારિત કાર્યક્રમ અનુસાર 29 માર્ચથી હતું પણ કોરોના મહામારીને લીધે તેને અનિશ્ચિત મુદત માટે સ્થગિત કરી દેવાઇ છે.  હવે આ મામલે બીસીસીઆઇ ચેરમેન ગાંગુલીએ કહ્યું છે કે ક્રિકેટનું સામાન્ય સ્થિતિમાં પાછું ફરવું મહત્ત્વનું છે. આઇપીએલને લઇને કોઇપણ નિર્ણય ટી-20 વર્લ્ડ કપ પર આઇસીસીનો ફેસલો શું આવે છે તેના પછી લેવામાં આવશે. અમે નથી ઇચ્છતા કે વર્ષ 2020નો અંત આઇપીએલ વિના આવે. અમારી પ્રાથમિકતા તેને ભારતમાં રમાડવાની છે. આ માટે અમને 3પ-40 દિવસ મળે તો અમે આયોજન માટે તૈયાર છીએ. પણ અમને હાલ તો એ ખબર નથી કે ભવિષ્ય શું છે.
ગાંગુલીએ એમ પણ જણાવ્યું કે આઇપીએલ જો ભારતમાં સંભવ નહીં હોય તો વિદેશમાં તેના આયોજન પર વિચાર થશે. કારણ કે અમારી પાસે સીમિત સમય છે. વિદેશમાં આઇપીએલનું આયોજન કરવાથી ખર્ચ ઘણો વધી જાય છે.
અમદાવાદમાં બનેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં આઈપીએલના મેચ વિશે ગાંગુલીએ કહ્યંy કે અમે અમદાવાદ જવા ઉત્સાહિત છીએ, પણ અમને ખબર નથી કે ત્યાં શું સ્થિતિ હશે. કોરોનાને લઇને કેવા સ્થળ પસંદ કરવા તે ખાસ સમિતિ નક્કી કરશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer