રાજ્યમાં કોરોનાના નવા 783 કેસ સાથે કુલ આંક 38,000ને પાર

રાજ્યમાં કોરોનાના નવા 783 કેસ સાથે કુલ આંક 38,000ને પાર
 
વધુ 16 દરદીએ જીવ ગુમાવતા કુલ મૃત્યુઆંક 1995
ચોવીસ કલાકમાં 569 દરદી સાજા થતા ડિસ્ચાર્જ આંક 27,000ને પાર : 9111 એક્ટિવ કેસ
 
અમદાવાદ,તા. 8 : ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત નવી સપાટીએ પહોંચવાનો છેલ્લા 8 દિવસથી શરૂ થયેલો સિલસિલો અટકવાનું નામ જ નથી લેતો. છેલ્લા 24 કલાકમાં 783 કેસ સાથે ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસનો એક વખત નવોવિક્રમ નોંધાયો છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંકડો 38 હજારને પાર કરીને 38,419 થઇ ગયો છે. આ પૈકી જુલાઈના 8 દિવસમાં જ રાજ્યમાં કોરોનાના 8776 નવા કુલ કુસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 16 કોરોના દર્દીઓ મોતને ભેટયા છે જેને લઇને રાજ્યમાં કુલ મૃત્યુઆંક 2000ની નજીક અર્થાત્ 1995 થયો છે. મહત્ત્વની વાત એ છે કે આજે 569 દર્દીઓ કોરોનાને મહાત આપવામાં સફળ થયા છે જેને લઇને રાજ્યમાં કુલ ડીસ્ચાર્જ દર્દીઓનો આંક 27 હજારને વટાવીને 27313 થયો છે.
છેલ્લા 24 કલાક દરમિયાન અત્યાર સુધીમાં સૌથી વધુ 783 કોરોના કેસ નોંધાયા છે. જેમાંથી સુરતમાં 273, અમદાવાદમાં 156, વડોદરામાં 67, રાજકોટમાં 39, વલસાડમાં 27, ભાવનગર અને ગાંધીનગરમાં 19-19, દાહોદમાં 18, ભરૂચ અને સુરેન્દ્રનગરમાં 16-16, મહેસાણા અને બનાસકાંઠામાં 15-15, નવસારીમાં 14, ખેડામાં 11, કચ્છમાં 10, જામનગરમાં 9, સાબરકાંઠામાં 8, જૂનાગઢમાં 11, અમરેલીમાં 7, આણંદમાં 5, પાટણ, મહીસાગર અને નર્મદામાં 4-4, ગીર સોમનાથ-4, મોરબી-3, ડાંગ-3, અરવલ્લી-2, પંચમહાલ, છોટાઉદેપુર, બોટાદ અને તાપીમાં 1-1 કેસ નોંધાવા પામ્યો છે. અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંક 22418 થયો છે જ્યારે સુરતમાં કુલ આંક 6731 થયો છે. જ્યારે અમદાવાદ અને સુરતમાં 5-5, રાજકોટમાં 3, જ્યારે અરવલ્લી, જામનગર અને મોરબીમાં 1-1કોરોનાના દરદીના મૃત્યુ નિપજ્યા હતા. અમદાવાદમાં કુલ મૃત્યુઆંક 1500ને પાર કરીને 1501 થયો છે, જ્યારે સુરતમાં 196 થયો છે. રાજ્યમાં હાલ 9111 એક્ટિવ કેસ છે, જેમાંથી 67 વેન્ટીલેટર પર અને 9044 સ્ટેબલ છે.
 
રાજ્યસરકારના પ્રધાન રમણલાલ પાટકરને થયો કોરોના
અમદાવાદ, તા. 8: કોરોના સચિવાલયમાં તો આવી ગયો હતો પરંતુ હવે રાજ્યના પ્રધાનોમાં પણ કોરોનાનો પ્રથમ કિસ્સો સામે આવ્યે છે. રાજ્યકક્ષાના પ્રધાન રમણલાલ પાટકર પણ કોરોનાથી સંક્રમિત થયા છે. હાલ યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલે આ બાબતની પુષ્ટિ આપી છે. સ્વર્ણિમ સંકુલ 2 ખાતે આવેલી રમણલાલ પાટકરની ઓફિસના તમામ સ્ટાફને પણ કોરન્ટાઇન કરવાની સૂચના આપવામાં આવી છે.
 
કેન્દ્રીય પ્રધાન રૂપાલાના માતાને કોરોના
અમદાવાદ, તા. 8:  કેન્દ્રીય પ્રધાન પરશોતમ રૂપાલાના માતાને કોરોના પોઝિટિવ આવતા તેમને ગાંધીનગર ખાતે હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. આજરોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ફોન દ્વારા રૂપાલાજી સાથે વાત કરી તેમના માતાની તબિયત અંગે ખબરઅંતર પૂછ્યા હતા તેમજ તેમના સ્વાસ્થ્ય માટે શુભેચ્છા આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યકક્ષાના કેન્દ્રિય કૃષિ પ્રધાન પરશોતમ રૂપાલાના 92 વર્ષીય માતૃશ્રી અમરેલી ખાતે દીકરા સાથે રહેતા હતા જો કે પડી જવાથી ફેક્ચર થયું હોવાથી ઓપરેશન માટે ગાંધીનગરની હાઇટેક હોસ્પિટલમાં લાવ્યા હતા. ઓપરેશન પહેલા કોવિડનો ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો.
 
ભરતસિંહ સોલંકીની તબિયત નાજૂક
અમદાવાદ, તા. 8: ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીની તબિયત નાજૂક છે. ભરતસિંહ સોલંકીને વેન્ટિલેટર પર રખાયાનો આજે બીજો દિવસ છે. હાલ 90 ટકા ઓક્સિજન વેન્ટિલેટર થકી અપાઈ રહ્યો છે. ભરતસિંહના હાર્ટ, કીડની સહિતના અન્ય અંગો સામાન્ય રીતે કાર્ય કરી રહ્યા છે પણ ફેફસા વધારે પડતાં નબળાં હોવાથી ઉપરનાં ઓક્સિજનની જરૂરિયાત વધી છે. ભરતસિંહ સોલંકીની સ્થિતિ હાલ ક્રિટિકલ પણ સ્ટેબલ હોવાનું કહેવાય છે.
 
મણિનગર ગાદી સંસ્થાનના આચાર્ય વેન્ટિલેટર પર
અમદાવાદ, તા. 8: છેલ્લા દસ દિવસથી ખાનગી હોસ્પિટલમાં દાખલ અમદાવાદના મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન આચાર્ય પુરુષોત્તમ પ્રિય દાસજી સ્વામી ફેફસામાં તકલીફ થઈ રહી છે જેને કારણે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. સમાચાર મળતા જ તમામ ગાદી સંસ્થાનના સંતો અને ભક્તો દ્વારા પ્રાર્થના ધૂન બોલાવાની શરૂ કરી દેવામાં આવી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer