ગાંધી પરિવારનાં ત્રણ ટ્રસ્ટની તપાસનો આદેશ

ગાંધી પરિવારનાં ત્રણ ટ્રસ્ટની તપાસનો આદેશ
 
રાજીવ ગાંધી ફાઉન્ડેશન, રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ, ઇંદિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટ સામે આર્થિક ગેરરીતિના આરોપોની તપાસ કરાવશે મોદી સરકાર
 
આનંદ કે. વ્યાસ
નવી દિલ્હી, તા. 8 : ભાજપે રાજીવ ગાંધી ફાઉન્ડેશન પર ભ્રષ્ટાચારનો આરોપ મૂકયાના થોડાક સપ્તાહો બાદ કેન્દ્ર સરકારે બુધવારે કથિત નાણાંકીય ગેરરીતિઓ બદલ ગાંધી પરિવાર સાથે જેડાયેલાં ત્રણ ટ્રસ્ટ વિરૂદ્ધ તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.
કેન્દ્રનાં ગૃહ મંત્રાલયે એક ખાસ આંતર મંત્રાલય સમિતિની રચના કરી છે. આ સમિતિ રાજીવ ગાંધી ફાઉન્ડેશન, રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ અને ઇંદિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટના કથિતપણે આવકવેરા તેમજ વિદેશી દાનોના નિયમોના ભંગની તપાસ પર નજર રાખશે.
એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટ (ઇડી)ના વિશેષ નિર્દેશક આ સમિતિનું સુકાન સંભાળશે. રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીને ભંડોળ આપ્યું હતું, તેવા ભાજપના આરોપો બાદ આ ફેંસલો કરાયો છે.
સત્તારૂઢ ભાજપે એવો આક્ષેપ પણ કર્યો છે કે, ગાંધી પરિવારના આ ટ્રસ્ટે 2005માં ચીની દૂતાવાસ પાસેથી ભંડોળ મેળવ્યું હતું. શું એ વાત સાચી નથી કે, આ દાન મેળવ્યા પછી ફાઉન્ડેશને ચીન સાથે મુક્ત વ્યાપાર કરારની ભલામણ કરી હતી, તેવો સવાલ કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે ઉઠાવ્યો હતો.
કોંગ્રેસ અને કમ્યૂનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના વચ્ચે 2008માં થયેલા સમજૂતી કરારની તપાસની માંગ કરતી એક અરજી પણ સુપ્રીમ કોર્ટમાં કરાઇ છે.
રાજીવ ગાંધી ફાઉન્ડેશન જૂન-1991માં રચાયું હતું, તો રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના 2002માં થઇ હતી, બન્ને ટ્રસ્ટનું સુકાન સોનિયા ગાંધી સંભાળે છે. સોનિયા સાથે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મનમોહનસિંહ અને પી. ચિદમ્બરમ પણ આ બન્ને ટ્રસ્ટનાં બોર્ડમાં સામેલ છે. બીજી તરફ, કોંગ્રેસે કોઇપણ જાતની અનિયમિતતાના આરોપો નકારી દેતાં કહ્યું હતું કે, તમામ ટ્રસ્ટનાં ખાતાંનું ઓડિટ થઇ ચૂક્યું છે. કેંગ્રેસે આ તપાસનું પગલું ‘રાજકીય વેરવૃત્તિ’થી પ્રેરિત ગણાવ્યું છે.
 
સત્ય માટે લડનારાને ધમકાવી ન શકાય : રાહુલના પ્રહાર
નવી દિલ્હી, તા. 8 : ગાંધી પરિવારનાં ત્રણ ટ્રસ્ટની  તપાસના કેન્દ્રની મોદી સરકારના ફેંસલા બાદ નારાજ થઇ ગયેલા પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે વડાપ્રધાન પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, જે સત્ય માટે લડે છે, તેને ધમકાવી નથી શકાતા, તેવું મિસ્ટર મોદી કદી નહીં સમજે. મિસ્ટર મોદી માને છે કે, દુનિયા તેમના જેવી જ છે, તેમને લાગે છે કે, હરકોઇની કોઇ કિંમત હોય છે અથવા તેને ધમકાવી શકાય છે, પરંતુ તે વાત ખોટી છે, તેવા પ્રહારો રાહુલે કર્યા હતા.
કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પણ આ મામલે ‘મોદી રાજ’ પર નિશાન સાધતાં કહ્યું હતું કે, કોંગ્રેસ અને તેનું નેતૃત્વ કેન્દ્ર સરકારની ધમકીવાળી  કોશિશોથી ડરવાનું નથી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer