આવાસ યોજનાનાં મકાન પ્રવાસી શ્રમિકોને ભાડે મળશે

આવાસ યોજનાનાં મકાન પ્રવાસી શ્રમિકોને ભાડે મળશે
 
ઊઙિ અંશદાન, ગરીબ કલ્યાણ અને ઉજ્જવલા યોજનાની રાહતો વધુ સમય માટે લંબાવાઈ: કૃષિને એક લાખ કરોડ : ત્રણ સરકારી વિમા કંપનીમાં મૂડી ઠલવાશે ા કેબિનેટના મહત્ત્વના નિર્ણય
નવીદિલ્હી, તા.8: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવ્યા હતા. જેમાં ઈપીએફ, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અને પ્રવાસી શ્રમિકો માટે આવાસ યોજનાનાં ભાડાનાં ઘર સંબંધિત નિર્ણયોને મંજૂરી આપવામાં આવી હતી.
આજની આ બેઠક બાદ સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, ગરીબ કલ્યાણ અન્ન યોજનાને નવેમ્બર માસ સુધી વધારવા સાથે 100થી ઓછા કર્મચારી ધરાવતાં એકમોનાં કર્મચારી અને માલિકોનાં ભવિષ્ય નિધિનાં અંશદાન વધુ ત્રણ માસ માટે સરકાર તરફથી ચૂકવવામાં આવશે. જે કંપનીમાં 100થી ઓછા કર્મચારી હોય અને 90 ટકાના પગાર 1પ હજારથી ઓછા હોય તેવા કર્મચારીનાં વેતનના 12 ટકા પીએફમાં જાય છે. તે નવેમ્બર સુધી સરકાર તરફથી ચૂકવાશે. અત્યાર સુધીમાં 3 લાખ 66 ઉદ્યોગોને આનો લાભ મળ્યો છે.
જાવડેકરે આગળ જણાવ્યું હતું કે, વડાપ્રધાન દ્વારા ગરીબ કલ્યાણ યોજનાને નવેમ્બર માસ સુધી લંબાવવાની જાહેરાત કરવામાં આવી હતી જેને હવે કેબિનેટે અમલમાં મૂક્યું છે. જુલાઈથી માંડીને નવેમ્બર સુધી, કુલ પાંચ માસ માટે આ યોજના લાગુ રહેશે. જેમાં 81 કરોડ લોકોને પ્રતિ વ્યક્તિ પાંચ કિલો અનાજ અને એક કિલો ચણા મફત આપવામાં આવશે.
કેબિનેટે ઉજ્જવલા યોજના લાભાર્થીઓને મળનાર મફત રાંધણગેસના બાટલાની યોજનાનો વિસ્તાર પણ કર્યો છે. જેમાં તેમને સપ્ટેમ્બર સુધી વિનામૂલ્યે ગેસના બાટલા મળતા રહેશે. આમાં 7 કરોડ 40 લાખ ગરીબ મહિલાઓને 3 સિલિન્ડર મફત મળશે. કેન્દ્રીય મંત્રીએ આગળ જણાવ્યું હતું કે, દેશનાં વિભિન્ન શહેરોમાં પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના હેઠળ બનેલા નાના ફ્લેટને પ્રવાસી શ્રમિકોને ભાડા ઉપર આપવાની વ્યવસ્થાને પણ કેબિનેટે બહાલી આપી દીધી છે. આવાસ યોજના હેઠળ 107 શહેરોમાં 1 લાખ 8 હજાર નાના આવાસ બનીને તૈયાર થઈ ગયા છે. જે હવે પ્રવાસી શ્રમિકોને સસ્તા ભાડે ઉપલબ્ધ બનશે. કૃષિ ક્ષેત્ર માટે લેવામાં આવેલા નિર્ણયોની જાણકારી આપતા કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું હતું કે, કૃષિમાં માળખાગત સવલતોને બહેતર કરવાં માટે એક લાખ કરોડ રૂપિયાના કોષને મંત્રીમંડળની મંજૂરી મળી છે.
આ ઉપરાંત દેશની ત્રણ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીમાં સરકાર 12 હજાર 7પ0 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer