ફર્જી બાબાઓના આશ્રમ ઉપર થાય કાર્યવાહી : સુપ્રીમ સુનાવણી માટે તૈયાર

ફર્જી બાબાઓના આશ્રમ ઉપર થાય કાર્યવાહી : સુપ્રીમ સુનાવણી માટે તૈયાર
 -સોલિસિટર જનરલને મામલો જોવા નિર્દેશ : બે અઠવાડિયા બાદ સુનાવણી
 
 નવી દિલ્હી, તા. 8 : દેશભરમાં ફર્જી બાબાઓ દ્વારા ઘણા આશ્રમો ચલાવવામાં આવી રહ્યા છે અને ત્યાં સેંકડો મહિલાઓ ફસાયેલી હોવા અંગેની અરજી ઉપર સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ તૈયાર થઈ છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, કોરોનાને ધ્યાને લઈને નિર્દેશ આપવો જોઈએ કે આશ્રમ ખાલી કરાવવામાં આવે અને ફર્જી બાબાઓના આશ્રમનું વેરિફિકેશન કરાવવામાં આવે. વધુમાં જેના સંચાલકો સામે અપરાધિક કેસ નોંધાયા હોય તેવા આશ્રમોને બંધ કરી દેવા જોઈએ. સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલે સમગ્ર મામલાને જોવા માટે કહ્યું હતું. હવે આ અરજી મુદ્દે બે અઠવાડિયા બાદ સુનાવણી કરવામાં આવશે. ફર્જી બાબાઓ મામલે દાખલ અરજીની સુનાવણી માટે સહમતિ આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આ મામલે શું થઈ શકે છે તે જોવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં અરજકર્તાએ કહ્યું હતું કે, તેની પુત્રી અમેરિકાથી અભ્યાસ કરીને આવી છે અને સ્કોલર છે પણ 2015થી રોહિણીના એક આશ્રમમાં ફસાયેલી છે. દિલ્હી અને દેશભરમાં એવા આશ્રમ છે જેમાં ફર્જી બાબાઓ રહે છે અને તેમાં સેંકડો, હજારો મહિલાઓ પણ છે. આ મહિલાઓ ભોળી છે અને નકલી બાબાઓની ઝાળમાં ફસાયેલી છે. સુપ્રીમ કોર્ટે 23 માર્ચના કોરોનાના કેસ વધ્યા બાદ જેલમાં બંધ કેદીઓ માટે સંજ્ઞાન લીધું હતું અને જેલમાં ભીડ કેમ ઓછી થાય તે માટે નિર્દેશો જારી કર્યા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer