પાક.નો નવો ખેલ : કુલભૂષણ જાધવે ફાંસી સામે અરજી કરવા ઈન્કાર કર્યાનો દાવો

પાક.નો નવો ખેલ : કુલભૂષણ જાધવે ફાંસી સામે અરજી કરવા ઈન્કાર કર્યાનો દાવો
 -કુલભૂષણને ફરી રાજદ્વારી મુલાકાતની ઓફર
ઈસ્લામાબાદ, તા. 8: કથિત જાસૂસીના આરોપસર ધરપકડ કરી જેલમાં બંદી બનાવાયેલા ભારતીય નેવીના નિવૃત્ત અફસર કુલભૂષણ જાધવે તેમની ફાંસી સજા અને કસૂરવાનીની સમીક્ષા માટેની અરજી નોંધાવવાનું નકાર્યાનો પાકિસ્તાને આજે એકતરફી દાવો કર્યો હતો. ઉલટું જાધવે તેમની પડતર દયાઅરજીનું ફોલોઅપ(આનુષંગિક પગલું)પસંદ કર્યાનું સરકારી સૂત્રોને ટાંકી પાક મીડિયા જણાવે છે. પાકે જાધવને દ્વિતીય કોન્સ્યુલર એક્સેસ (દૂતાવાસના અધિકારીને જાધવને મળવાની છૂટ) ભારતને ઓફર કરી છે. ‘પ્રથમ રાઉન્ડમાં જાધવ તેમનાં માતા અને બહેનને મળી શકયા હતા અને હવે તેમને તેમના પિતા અને પત્નીને મળવા દેવા ઓફર કરીએ      છીએ’ એમ અતિરિક્ત એટર્ની જનરલ અહમદ ઈરફાને પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

મેમાં પાકે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ રીવ્યુ એન્ડ રીકન્સીડરેશન ઓર્ડિનન્સ, 2020 ઘડયો હતો, જે અન્વયે ચોક્કસ સમયમાં રીવ્યુ અરજીની છૂટ છે. આ કેસમાં ખુદ જાધવ, તેમના નિયુકત પ્રતિનિધિ કે ભારતીય દૂતાવાસના કોન્સ્યુલર અધિકારી અરજી નોંધાવી શકે છે એમ જણાવી ઈરફાને ઉમેર્યુ હતું કે અમે જાધવને તેમની કસૂરવાનીના ફેરવિચાર થાય તે માટેની અરજી નોંધાવવા 17 જુને આમંત્રિત કર્યા હતા, પરંતુ તેમણે ઓફર નકારી હતી. બલુચિસ્તાનમાં જાસૂસી કરવાના આરોપસર ’16ના માર્ચમાં પાક દ્વારા ધરપકડ કરાયેલા  જાધવને 1 વર્ષ બાદ મિલિટરી કોર્ટે ફાંસીસજા ફરમાવી હતી.જાધવ જાસુસીમાં કે ભાંગફોડિયા પ્રવૃત્તિઓમાં સંડોવાયાના પાકના આક્ષેપો ભારત સ્પષ્ટપણે નકારી દીધા હતા અને જણાવ્યું હતું કે ઉલટું ઈરાનના ચાબહાર પોર્ટમાં બિઝનેસ કરતા જાધવનું ત્યાંથી અપહરણ કરાયું હતું. વિદેશ ખાતાના પ્રવકતાએ દાવો કર્યો હતો કે, કેસમાં રિવ્યૂ અરજી નકારવા જાધવ ઉપર બળજબરી થઈ છે. ભારત આ મામલે ગંભીર ચિંતા વ્યકત કરી ચૂક્યું છે અને આઈસીજેના ચૂકાદાનું ઉલ્લઘન થાય છે તે પણ જણાવ્યું છે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer