ભારતમાં દરરોજના 2.87 લાખ કોરોનાનાં કેસની ભીતિ

ભારતમાં દરરોજના 2.87 લાખ કોરોનાનાં કેસની ભીતિ
  2021ની શરૂઆત સુધીમાં સ્થિતિ ગંભીર બનવાનો એમઆઈટીના સંશોધકોના અભ્યાસમાં મૂકાયેલો અંદાજ
નવી દિલ્હી, તા. 8: : દેશમાં અત્યારે કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં જો રસીની શોધ ન થાય તો ભારત બેહદ ખરાબ દોરમાંથી પસાર થઈ શકે છે એવી ચેતવણી એક અભ્યાસમાં આપવામાં આવી છે.  મેસાચુસેટસ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી (એમઆઈટી)ના શોધકર્તાઓ અનુસાર જો કોરોના રસી આવતા વર્ષ સુધી હાથમાં ન આવે તો ફેબ્રુઆરી-2021થી ભારતમાં કોરોના વાયરસના દરરોજ 2.87 લાખ જેટલા કેસ સામે આવી શકે છે. આ અભ્યાસ એ 84 દેશના ટેસ્ટિંગ અને કેસ ડેટા પર આધારિત છે જે વિશ્વની કુલ વસ્તીના 60 ટકા હિસ્સો છે. એમઆઈટીના શોધકર્તા હાજહિર રહમનદાદ, ટીવાય સ્ટરમૈનને આ નિષ્કર્ષ પર પહોંચવા માટે એસઈઆઈઆર મોડેલ (સ્ટાન્ડર્ડ મેથમેટિકલ મોડલ)નો ઉપયોગ કર્યો છે. સંક્રામક રોગની શોધ કરવા માટે એપિડેમિયોલોજિસ્ટ આ જ મોડેલનો ઉપયોગ કરતા હોય છે.
શોધકર્તાઓએ દાવો કર્યો હતો કે ઈલાજ ન મળવાને કારણે દુનિયાભરમાં કુલ મામલાની સંખ્યા 2021માં માર્ચથી મે વચ્ચે 20થી 60 કરોડ વચ્ચે હોઈ શકે છે. આવતા વર્ષની શરૂઆત સુધી કોરોના સંક્રમણની દૃષ્ટિએ ભારતમાં સૌથી બદતર સ્થિતિ હશે. ભારત બાદ ફેબ્રુઆરી 2021ના અંત સુધી અમેરિકા (95 હજાર કેસ પ્રતિદિન), દક્ષિણ આફ્રિકા (21 હજાર કેસ પ્રતિદિન) અને ઈરાન (17 હજાર કેસ પ્રતિદિન)ની સ્થિતિ સૌથી ખરાબ હશે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer