જૂનાગઢમાં ફોજદારને કાર હેઠળ કચડી નાંખવાનો બુટલેગરનો પ્રયાસ : ઈજા


બાઈકમાં નુકસાન: હત્યાના પ્રયાસનો નોંધાતો ગુનો: શોધખોળ
જૂનાગઢ, તા.8 : જૂનાગઢમાં બુટલેગરો સહિતના બેફામ બનેલા અસામાજિક તત્વો દ્વારા છાસવારે કારનામાં કરવામાં આવતા હોવાના કિસ્સા પોલીસમાં નોંધાતા હોય છે ત્યારે ગતરાત્રીના બુટલેગરે પેટ્રોલિંગમાં રહેલા ફોજદારને કાર હેડળ કચડી નાંખવાનો પ્રયાસ કર્યાનો બનાવ બન્યો હતો. ઘવાયેલા ફોજદારને ઈજા થવાથી હોસ્પિટલમાં ખસેડાયા હતા તેમજ બાઈકમાં પણ નુકસાન થયું હતું. પોલીસે બુટલેગર વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી. આ બનાવ અંગેની વિગત એવી છે કે, જૂનાઢમાં ગતરાત્રીના પ્રોહિબિશનની ડ્રાઈવ રાખવામાં આવી હોય ફોજદાર વી.કે.ઉજિયા તથા સ્ટાફ પંચેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે ગાંધીગ્રામમાં રહેતો સંદિપ ઉર્ફે સંજય કરમણ મકવાણા નામનો બુટલેગર કાર લઈને નીકળતા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો અને કારને રોકવા માટેથી ફોજદાર ઉજિયાએ બાઈક આડુ નાંખતા બુટલેગર સંદિપ મકવાણાએ બાઈકને અડફેટે લઈ ફોજદાર ઉજિયા પર કાર ચડાવી દઈ કચડી નાંખવાનો પ્રયાસ કરી નાસી છૂટયો હતો અને ઘવાયેલા ફોજદાર ઉજિયાને હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે પોલીસે નાસી છુટેલા બુટલેગર સંદિપ ઉર્ફે સંજય મકવાણા વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને ફરજમાં રૂકાવટ કર્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer