કોડીનારના દેવડી ગામે સશત્ર ધિંગાણામાં વધુ એકનું મૃત્યુ

 બનાવ ડબલ મર્ડરમાં પલટાયા સામ-સામો નોંધાતો ગુનો
કોડીનાર, તા.8 : કોડીનાર તાબેના દેવળી ગામે જમીનના બાંધકામ મામલે ખેલાયેલા સશત્ર ધિંગાણામાં કોડીનાર યુનિયન બેંકના નિવૃત્ત કર્મચારીની હત્યા કરવામાં આવી હતી. આ ધિંગાણામાં ઘવાયેલા વધુ એક આધેડનું મૃત્યુ નિપજતા બનાવ ડબલ મર્ડરમાં પલટાયો હતો. પોલીસે બન્ને પક્ષો સામે ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. આ અંગેની વિગત એવી છે કે દેવળી ગામે પડતર જમીનમાં બાંધકામ કરવાના મામલે બે પરિવાર વચ્ચે માથાકૂટ ચાલતી હતી. દરમિયાન ગત તા.30/6 ના ફરી મામલો બીચકયો હતો અને યુનિયન બેંકના નિવૃત્ત કર્મચારી બાબુભાઈ અરસીભાઈ બારડની હત્યા કરવામાં આવી હતી. આ અંગે પોલીસે મૃતકના પુત્રએ ભુપત લખમણ બારડ, અનિલ હરી બારડ, પ્રવીણ હરી બારડ, રવિ ભુપત બારડ, ગીતાબેન ભુપત બારડ, દુધીબેન બાલુ બારડ, સમજુબેન હરી બારડ સહિતના વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો.
જ્યારે ધિંગાણામાં સામાપક્ષે ઘવાયેલા બાલુભાઈ લખમણભાઈ બારડને જૂનાગઢ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે આ મામલે મૃતકના ભાઈ કાદુ લખમણ બારડની ફરિયાદ પરથી અનિરૂધ્ધ બાબુ, રાહુલ બાબુ, સંજય બાબુ, ધવલ અશ્વિન, પ્રતિક્ષાબેન રાહુલ અને સંધ્યાબેન સંજય સહિતના વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં કાદુ બારડના ઘર પાસે પડતર ખુલ્લી જગ્યામાં ભુપતભાઈ બાથરૂમનું બાંધકામ કરતા હોય તેનું મનદુ:ખ રાખીને બન્ને પરિવાર વચ્ચે ધિંગાણું ખેલાયું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
 
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer