સુરેન્દ્રનગર ખનીજ ચોરી પ્રકરણડમ્પર ચાલકોના વોટ્સએપ ગ્રુપમાં દરોડા પહેલા જ જાણ થઈ જાય છે

ખનીજ માફિયાઓ સામે કલેકટર-પોલીસ અને ખાણખનીજ તંત્રનું મૌન
લીંબડી, તા.8 : ખાણખનીજ માટે પીઠું ગણાતા સુરેન્દ્રનગર પંથકમાં કલેકટર-પોલીસ અને ખાણખનીજ તંત્રની રહેમ નજર અને રોકડિયા વ્યવહારના કારણે બેફામ ખનીજ ચોરી, કોલસા, કંપચી અને સફેદ માટીની બેફામ હેરાફેરી થતી હોવાના કિસ્સા સમયાંતરે પોલીસમાં નોંધાતા હોય છે. ત્રણેય તંત્રના કારણે ખનીફ માફિયાઓ બેલગામ બન્યા છે. ડમ્પરચાલકો દ્વારા એક વોટ્સએપ ગ્રુપ ચલાવવામાં આવી રહ્યાની વિગતો પ્રકાશમાં આવી છે. જેમાં પોલીસ-ખાણખનીજ તંત્રના દરોડા પહેલાં જ જાણ થઈ જતાં ખનીજ માફિયાઓ દ્વારા સમગ્ર કામગીરી સંકેલી લેવામાં આવે છે. વઢવાણના કેરાળા અને લીંબડીના પાણશીણા પંથકમાં ગેરકાયદે રેતીના વોશ પ્લાન્ટ ધમધમી રહ્યાં છે. દર મહિને હપ્તાનું સુવ્યવસ્થિતિ નેટવર્ક ચાલી રહ્યું છે.
સુરેન્દ્રનગરના હાઈ-વે પર બેફામગતિએ ઓવરલોડ વાહનો દોડી રહ્યા છે અને ગોઝારા અકસ્માતો સર્જતા હોવાના કિસ્સા પણ પોલીસમાં નોંધાતા રહેતા હોવા છતા પોલીસ-આરટીઓ દ્વારા સબસલામતનું રટ્ટણ કરવામાં આવી રહ્યું છે. આરટીઓ તંત્ર દ્વારા સમયાંતરે કામગીરી બતાવવાના ભાગરૂપે વાહનચાલકો પાસેથી દંડની વસૂલાત કરી લેતા હોય છે. જ્યારે પોલીસે દારૂ-જુગારના મલાઈદાર દરોડા પાડી ઉપરી અધિકારીઓની વાહવાહ મેળવવા કામગીરી કર્યાનો સંતોષ માણતા હોય છે. ખાણખનીજ-કલેકટર તંત્રની આવી ખનન પ્રવૃત્તિ અટકાવવા અને કાયદેસરની કાર્યવાહી કરવાની જરૂર છે ત્યારે રાજકોટ રેન્જ આઈ.જી.ના આર.આર.સેલ દ્વારા ગેરકાયદે ખનીજ પ્રવૃત્તિઓમાં દરોડા પાડી કામગીરી કરવામાં આવતી હોય ત્રણેય તંત્ર સામે અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે.
 
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer