ક્રિકેટની વાપસીમાં વરસાદનું વિઘ્ન: ઇંગ્લેન્ડનો નબળો પ્રારંભ

ક્રિકેટની વાપસીમાં વરસાદનું વિઘ્ન: ઇંગ્લેન્ડનો નબળો પ્રારંભ
લંચ બાદ શરૂ થયેલ રમત ફરી અટકી: ઇંગ્લેન્ડના 1/35
સાઉથમ્પટન તા.8: કોરોના મહામારીને લીધે 116 દિવસ બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટની વાપસી વરસાદના વિધ્ન વચ્ચે થઇ હતી. આજથી શરૂ થયેલા ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેના ત્રણ મેચની શ્રેણીના પહેલા ટેસ્ટમાં વરસાદને લીધે લંચ બાદ રમત શરૂ થઇ હતી.  જો કે આ પછી ફરી વરસાદ શરૂ થયો હતો. આથી ફકત 4.1 ઓવરની રમત જ શકય બની હતી. આ દરમિયાન ઇંગ્લેન્ડે 3 રનમાં 1 વિકેટ ગુમાવી દીધી હતી. બાદમાં ફરી રમત શરૂ થઇ હતી અને ઇંગ્લેન્ડના 1 વિકેટે 3પ રન થયા હતા ત્યારે ફરી વરસાદ વેરી બન્યો હતો. મેચના પ્રારંભ પૂર્વે મેદાન પર હાજર તમામ કેરેબિયન ખેલાડી, અમ્પાયર અને ઇંગ્લેન્ડના બન્ને ઓપનરે બ્લેક લાઇવ્સ મેટરના સમર્થનમાં ઘૂંટણ ટેકાવ્યા હતા. કેરેબિયન ખેલાડીઓ રંગભેદ વિરોધી લોગોવાળા ટી-શર્ટ પણ પહેર્યાં હતા. કોરોનાને લીધે લગભગ ત્રણ મહિનાથી ઇન્ટરનેશનલ ક્રિકેટ ઠપ્પ હતું. આથી દુનિયાભરના ક્રિકેટ ચાહકોની નજર ઇંગ્લેન્ડ-િવન્ડિઝના પહેલા ટેસ્ટ પર હતી. જો કે રમતના પહેલા દિવસે વરસાદ વિલન બન્યો હતો. આઇસીસીની નવી ગાઇડ લાઇન્સ સાથે ખાલી સ્ટેડિયમમાં પહેલીવાર ટેસ્ટ ક્રિકેટનો પ્રારંભ થયો હતો. ટોસ જીતીને પ્રથમ દાવ પસંદ કરનાર ઇંગ્લેન્ડની શરૂઆત નબળી રહી હતી. લંચ બાદ શરૂ થયેલ રમતમાં ઇનિંગની બીજી જ ઓવરમાં ડોમ સિબલે ઝીરોમાં શેન ગેબ્રિયલના દડામાં કલીન બોલ્ડ થયો હતો. વરસાદના વિધ્નને લીધે ફરી રમત અટકી ત્યારે રોરી બર્ન્સ 20 અને જો ડેન્લી 14 રને ક્રિઝ પર હતા. ઇંગ્લેન્ડના 1 વિકેટના ભોગે 3પ રન થયા હતા. ઇંગ્લેન્ડે આજે તેની ઇલેવનમાં અનુભવી ઝડપી બોલર સ્ટૂઅર્ટ બ્રોડને પડતો મુકીને માર્ક વૂડને તક આપી હતી. નિયમિત સુકાની જો રૂટ પુત્રીનો પિતા બન્યો છે. તે પહેલેથી જ વિશ્રામ પર હતો. આથી ઇંગ્લેન્ડનું સુકાન બેન સ્ટોકસ સંભાળી  રહ્યો છે.
 
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer