બરવાળાના નાવડા પાસેની નર્મદા કેનાલમાંથી બે યુવાનની લાશ મળી

બરવાળાના  સેન્ટીંગનું કામ કરતાં બન્ને યુવાન બાઇક પર માતાજીના મંદિરે દર્શન કરવા ગયા પછી બેપતા હતા
બોટાદ, તા. 6: બરવાળાના નાવડા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી બરવાળાના આંબેડકરનગરમાં રહેતાં અને સેન્ટીંગનું કામ કરતાં 33 વર્ષના હર્ષદભાઇ મગનભાઇ ચાવડા અને 28 વર્ષના  પ્રકાશભાઇ વાલજીભાઇ પરમાર નામના બે યુવાનની લાશ મળી આવી હતી. આ બન્ને બાઇક પર મુંગલપુર મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા ગયા પછી બેપતા બની ગયા હતાં.  નાવડા ગામ પાસેથી પસાર થતી લીંબડી વલભીપુર નર્મદા કેનાલના સમ્પ પાસેથી સવારે દસ વાગ્યાના સુમારે બે યુવાનની લાશ મળી આવી હતી. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો અને નાવડા ગામના આગેવાનો અને ખેડૂતો સ્થળે પહોંચી ગયા હતાં. બન્ને યુવાનની લાશને બહાર કઢાવીને તપાસ કરાતા એ લાશ બરવાળાના આંબેડકરનગરમાં રહેતાં અને સેન્ટીંગનું કામ કરતાં હર્ષદભાઇ મગનભાઇ ચાવડા અને પ્રકાશભાઇ વાલજીભાઇ પરમારની હોવાનું ખુલ્યું હતું. આ ઉપરાંત એવી વિગત બહાર આવી હતી કે, એ બન્ને યુવાન ગઇકાલે સવારે દસેક વાગ્યાની આસપાસ બાઇક પર મુંગલપુર મેલડીમાતાજીના દર્શન કરવા માટે  જાય છે તેમ કહીને ઘેરથી નિકળ્યા હતાં. બાદમાં બન્ને  અંકેવાળિયા ગામે તેના સંબંધીને ત્યાં ગયા હતાં. ત્યાંથી પરત ઘર તરફ જવા નિકળ્યા બાદ બેપતા બની ગયાનું ખુલ્યું હતું. એ પછી આજે નાવડા પાસેની નર્મદા કેનાલમાંથી બન્નેની લાશ મળી આવી હતી. આ બે યુવાનના મૃત્યુના કારણે બરવાળાના  આંબેડકરનગરમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer