ભાવનગરમાં 38, રાજકોટમાં 20 સહિત સૌરાષ્ટ્રમાં વધુ 85 કેસ

ભાવનગરમાં 38, રાજકોટમાં 20 સહિત સૌરાષ્ટ્રમાં વધુ 85 કેસ
 
- જામનગરમાં 8, જૂનાગઢ, અમરેલીમાં 5-5, મોરબીમાં 4, ગીર સોમનાથ અને પોરબંદરમાં 1-1 નવા કેસ
 
 રાજકોટ,તા.6 : અનલોક-2માં સૌરાષ્ટ્રમાં કોરોના વાયરસ તીવ્ર ગતિએ પ્રસરી રહ્યો છે. અન્ય જિલ્લાઓમાંથી આવતા લોકો અને ટ્રાવેલીંગ કરતા લોકો દ્વારા કોરોના પોઝિટિવ આવી રહ્યા છે. બીજી તરફ હજુ જિલ્લાઓમાં તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે છેલ્લા ચોવિસ કલાકમાં વધુ 85 કેસ નોંધાયા હતા. જેમાંથી એકલા ભાવનગરમાં કોરોના વિસ્ફોટ થયો હોય તેમ 38, રાજકોટમાં 20, જામનગરમાં 8, જૂનાગઢ, અમરેલીમાં 5-5, મોરબીમાં 4 તેમજ ગીર સોમનાથ અને પોરબંદરમાં 1-1 કેસ નવા નોંધાયા હતા.
રાજકોટ શહેરમાં આજે એકસાથે તેર પોઝિટિવ કેસ આવ્યા હતા. સંત કબીર રોડ પર શક્તિ સોસાયટીમાં રહેતા એકજ પરિવારના 6 સભ્યોને કોરોના આવ્યો હતો. જેમાં એક 3 વર્ષની બાળકી, નવ વર્ષનું બાળક, 11 વર્ષની સગીરા, 35 વર્ષીય યુવતી, તેમજ 43 અને 45 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મોરબી રોડ પર ગણેશનગરમાં રહેતા 35 વર્ષીય યુવાન, અંબિકા ટાઉનશીપમાં રહેતા 56 વર્ષીય આધેડ, સહકાર સોસાયટીમાં રહેતા 38 વર્ષીય યુવાન, 150 ફૂટ રોડ પર માધવ ગેઈટમાં 65 વર્ષીય વૃદ્ધ તેમજ વાણિયાવાડી-9માં 55 વર્ષીય આધેડ અને તેના 50 વર્ષીય પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે રાજકોટ શહેરમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 245 થવા પામી હતી. જેમાંથી હાલ 85 દરદી સારવારમાં છે. રાજકોટ શહેર ઉપરાંત ધોરાજીમાં સરદાર ચોક પાસે રહેતા 69 વર્ષીય વૃદ્ધા અને જમનાવડ રોડ પર માતાવાડીમાં રહેતા 62 વર્ષીય વૃદ્ધા, જેતપુરમાં દેશાઈ વાડી વિસ્તારમાં 53 વર્ષીય આધેડ તથા રેલવે સ્ટેશન નવાગઢ વિસ્તારમાં 71 વર્ષીય વૃદ્ધાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે જામકંડોરણા તાલુકાના રાયડી ગામે 50 વર્ષીય મહિલા અને ઉપલેટાના રાજપરા ગામના 28 વર્ષીય યુવાનનો રિપોર્ટ પોરબંદરમાં અને અન્ય એક વ્યક્તિનો રિપોર્ટ રાજકોટમાં પોઝિટિવ આવ્યો હતો. આમ આજે જિલ્લામાં વધુ 20 કેસ આવતા કુલ પોઝિટિવ આંક 462 પર પહોંચ્યો છે.
મોરબી શહેરના દરબારગઢ સંઘવી શેરીમાં 60 વર્ષીય વૃદ્ધ, ગઈકાલે આજ વિસ્તારમાંથી પોઝિટિવ આવેલા આધેડના 48 વર્ષીય પત્નીનો રિપોર્ટ પણ આજે પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત જાની શેરીમાંથી પોઝિટિવ આવેલી યુવતીના 31 વર્ષીય પતિ અને આ પરિવારને સંલગ્ન પરિવારના એક બાળકનો રિપોર્ટ પણ આજે પોઝિટિવ આવ્યો હતો.
જામનગર શહેરમાં ગુલાબનગરમાં મોહનનગર શેરીમાં 37 વર્ષીય યુવાન, ગુજરાતી વાડમાં 24 વર્ષીય યુવતી, સર્વોદય સોસાયટીમાં 36 વર્ષીય ડોક્ટર તેમજ જિલ્લાના કાલાવડ તાલુકાના નવાગામમાં એક પુરુષ તથા રાજડા ગામે 40 વર્ષીય મહિલા અને ધ્રોલમાં એક પુરુષ, 58 વર્ષીય આધેડ અને તાલુકાના ખારવા ગામે 21 વર્ષીય યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
જૂનાગઢ શહેરમાં આજે નવા આવેલા કેસોમાં દોલતપરાનો 28 વર્ષીય યુવાન, ખ્વાજા નગરના 65 વર્ષીય વૃદ્ધ, દિપાલી પાર્ક સોસાયટીનો 35 વર્ષીય યુવાન, ઓધડનગરનો 16 વર્ષીય તરૂણ તથા જૂનાગઢ તાલુકાના ચકોલીના 45 વર્ષીય પુરૂષનો સમાવેશ થાય છે. જિલ્લામાં કોરોનાનો આંક 170 થયો છે. જેમાંથી 86 દર્દી સારવાર હેઠળ છે.
અમરેલી શહેરના ગજેરાપરામાં 55 વર્ષીય વૃદ્ધા, સાવરકુંડલાના 74 વર્ષીય વૃદ્ધ, સાવરકુંડલાના વણોટ ગામના 60 વર્ષીય પુરૂષ, બગસરાના 75 વર્ષીય પુરૂષ અને બાબરાના 57 વર્ષીય પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
બોટાદ શહેરના હિફલી વિસ્તારમાં 48 વર્ષના પુરૂષનો તેમજ સોની જ્ઞાતિની વાડી વિસ્તારમાં 48 વર્ષના પુરૂષ તેમજ ઉગામેડી ગામે 38 વર્ષની યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. શહેરના બન્ને પુરૂષ બહારગામથી આવેલ મહેમાનના કારણે સંક્રમીત થયા છે. જ્યારે ઉગામેડી ગામે મહિલાની સુરત ટ્રાવેલિંગ હિસ્ટ્રી છે. જિલ્લામાં કુલ 34 કેસ એક્ટિવ છે.
ગીર સોમનાથના તાલાલા તાલુકાના બોરવાવ ગામે 27 વર્ષનો યુવાન કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેની સુરતની ટ્રાવેલ હિસ્ટ્રી હોવાનું બહાર આવ્યું છે. બીજી તરફ સુત્રાપાડાના પીપળવા ગામના 18 વર્ષના યુવાને કોરોનાને મહાત આપી સ્વસ્થ થઈ ગયો હોવાથી આજે રજા અપાઈ હતી. જિલ્લામાં કોરોનાના કુલ 97 કેસો સામે આવ્યા છે. જેમાંથી 23 એક્ટિવ કેસ છે.
પોરબંદરની લેબમાં 45 સેમ્પલો લેવામાં આવ્યા હતા. જેમાંથી 43 નેગેટિવ આવ્યા હતા જ્યારે બે સેમ્પલો શંકાસ્પદ પોઝિટિવ આવ્યા છે. જેમાં રાણાવાવનો 12 વર્ષનો કિશોર કોરોના પોઝિટિવ જાહેર થયો છે. આ યુવાનના સેમ્પલને રિકન્ફર્મેશન માટે જામનગર મોકલવામાં આવ્યા છે.
ભાવનગર જિલ્લામાં આજે 38 નવા પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં  કેસોની સંખ્યા 382 થવા પામી છે. ભાવનગરના કરચલીયા પરાનો 24 વર્ષીય યુવક, મેમણ કોલોનીમાં 32 વર્ષીય યુવતી, નવજીવન સોસાયટીમાં 42 વર્ષીય પુરૂષ, કુંભારવાડાનો 19 વર્ષીય યુવાન, તિલકનગરમાં 26 વર્ષીય ડો. જુલી મહેતા, નવા કુંભારવાડામાં 58 વર્ષીય આધેડ, પી.જી. હોસ્ટેલ, સર ટી. હોસ્પિટલના 29 વર્ષીય ડો. નીતિન ચૌધરી, નવા કુંભારવાડામાં 65 વર્ષીય વૃધ્ધ, ઠાકર દ્વારા શેરીમાં 17 વર્ષીય તરૂણી, 48 વર્ષીય મહિલા, 27 વર્ષીય યુવક, 24 વર્ષીય યુવક, કણબીવાડમાં 60 વર્ષીય વૃધ્ધ, કાળીયાબીડમાં 36 વર્ષીય યુવક, કરચલીયા પરામાં 42 વર્ષીય મહિલા, કાળીયાબીડમાં 39 વર્ષીય યુવક, જુનુ ગામ, સિદસર ખાતે 41 વર્ષીય પુરૂષ, ગીતાનગર, બોરતળાવ ખાતે 32 વર્ષીય યુવક, 65 વર્ષીય વૃધ્ધ, કાળીયાબીડમાં 42 વર્ષીય પુરૂષ, બોરતળાવમાં 28 વર્ષીય યુવક, આઝાદનગરની 24 વર્ષીય યુવતી, હિલ ડ્રાઇવના 58 વર્ષીય આધેડ, બ્રહ્મ પાર્કમાં  56 વર્ષીય આધેડ, વિજયનગરના 54 વર્ષીય મહિલા, અનંતવાડીની 12 વર્ષીય સગીરા, ઉમરાળાના સમઢિયાળા ગામે 40 વર્ષીય પુરૂષ, ગારિયાધારના નાની વાવડી ગામે 42 વર્ષીય પુરૂષ, સિહોરના ઉખરલા ગામે 50 વર્ષીય મહિલા, વલભીપુરના કાનપર ગામે 21 વર્ષીય યુવક, ગારિયાધારના  સુખનાથ પ્લોટના 80 વર્ષીય વૃધ્ધ, ગારિયાધારના પરવડીના 55 વર્ષીય મહિલા, જેસરના સરેરા ગામે 80 વર્ષીય વૃધ્ધ, ગારિયાધારનો 26 વર્ષીય યુવક, મહુવાના 70 વર્ષીય વૃધ્ધ, સિહોરના રામધરીના 41 વર્ષીય પુરૂષ, મહુવાના ગુંદારણી ગામે પુરૂષ અને જેસરના રાણીગામના 26 વર્ષીય યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
જિલ્લામાં નોંધાયેલા કુલ 382 કેસ પૈકી હાલ 184 દર્દીઓ સારવાર હેઠળ છે.
---------------
જામનગર, કોડિનારમાં 2-2, મોરબીમાં એક દર્દીનું મૃત્યુ
રાજકોટ, તા.6 : સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસ ચિંતાજનક સ્થિતિએ વધી રહ્યાં છે તો બીજી તરફ કોરોનાગ્રસ્ત દર્દીઓનો ભોગ પણ લેવાઈ રહ્યો છે. આજે સૌરાષ્ટ્રમાં વધુ પાંચ દર્દીના કોરોનાથી મૃત્યુ નિપજ્યાં હતા. જેમાં જામનગર જિલ્લામાં બે, ગીર સોમનાથ જિલ્લામાં બે અને મોરબી જિલ્લાના એક દર્દીનો સમાવેશ થાય છે.
જામનગરના ન્યુ જેલ રોડ પર કુંવરબાઈ ધર્મશાળા નજીક રહેતા 64 વર્ષીય અને અન્ય એક 70 વર્ષીય વૃદ્ધનું સરકારી હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.
ગીર સોમનાથ જિલ્લાના કોડિનારના વિરાટનગરના 55 વર્ષીય મહિલાનો બે દિવસ પહેલાં રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ મહિલાનું આજે સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે રબારીવાડામાં રહેતા 77 વર્ષીય વૃદ્ધને કોરોના શંકાસ્પદ જણાતા આજે સારવારમાં ખસેડાયા હતા. જો કે, બાદમાં તેનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો.
મોરબી જિલ્લાના વાંકાનેરની અમરનાથ સોસાયટીના 55 વર્ષીય વૃદ્ધાનો કોરોના પોઝિટિવ આવ્યો હતો અને રાજકોટ સિવિલમાં સારવારમાં હતા. આ વૃદ્ધાને કોરોના સાથે હાઈપર ટેન્શન અને હૃદયની પણ તકલીફ હોવાથી આજે સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. આ વૃદ્ધાના પુત્રવધુનો રિપોર્ટ ગઈકાલે પોઝિટિવ આવ્યો હતો.
-------------------
જૂનાગઢમાં ડાયમંડ માર્કેટ બંધ કરવા માગ
જૂનાગઢ, તા. 6 : જૂનાગઢ વોર્ડ નં. 4ના કોર્પોરેટર હરેશ પરસાણાએ જિલ્લા કલેક્ટર મ્યુ. કમિશનર અને પોલીસવડાને એક પત્ર પાઠવી જોશીપરામાં આવેલી ડાયમંડ માર્કેટ કોરોનાની સુપર પ્રેડર હોવાનું જણાવી કારખાના બંધ કરાવવા માંગ કરી છે. જોશીપરાના આંબાવાડી ડાયમંડ માર્કેટમાં 45 થી 50 ગામોમાંથી કારીગરો પેટીયુ રળવા આવે છે. તેના કારણે જોશીપરામાં કોરોનાના કેસ વધી રહ્યા છે. આ વોર્ડ 2 અને 6ને  જોડતો છે. તેથી કોરોના સંક્રમણ ફેલાવાની પુરી સંભાવના હોવાથી હીરાના કારખાના બંધ કરાવવા માંગણી કરી છે. આ અંગે જૂનાગઢ ડાયમંડ એસો.ના પ્રમુખ ધીરૂભાઈ ઝાલાવાડીયાએ જણાવ્યું છે કે, જૂનાગઢમાં સવાસો જેટલાં કારખાનામાંથી અત્યારે 10 થી 12 કારખાના જ ચાલુ છે. તેમાં મર્યાદીત કારીગરો કામ કરે છે. ત્યારે આ કારખાના બંધ કરાવવા માંગણી ઉઠતા આ અંગે એસો. વિચારણા કરી રહી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer