ખંભાળિયામાં બારે મેઘ ખાંગા થયા પછી દ્વારકા, ઓખા, મીઠાપુરમાં 11 ઇંચ

ખંભાળિયામાં બારે મેઘ ખાંગા થયા પછી દ્વારકા, ઓખા, મીઠાપુરમાં 11 ઇંચ
 
- ખંભાળિયામાં રવિવારે 18 ઈંચ પછી વધુ 3 ઈંચ વરસ્યો: નીચાણવાળા વિસ્તારમાં માથાબોળ પાણી, ગાડીઓ ગરકાવ
ખંભાળિયા, દ્વારકા, તા. 6 : દેવભૂમિ દ્વારકા પંથકમાં વરૂણ દેવે રૌદ્ર સ્વરૂપ દેખાડયું છે. ખંભાળિયામાં રવિવારે રાત સુધીમાં 18 ઈંચ વરસ્યા બાદ સોમવાર સાંજ સુધીમાં વધુ 3 ઈંચ જળવર્ષા કરી સમગ્ર પંથકને જળતરબોળ  કરી મૂક્યું છે. આ સાથે દ્વારકા, ઓખા, મીઠાપુર પંથકમાં પણ ચોવીસ કલાકમાં 11 ઈંચ જેટલો વ્યાપક વરસાદ વરસી ગયો છે. સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ છે. સીઝનના પ્રથમ રાઉન્ડમાં જ મેઘરાજાએ દ્વારકા જિલ્લામાં નોંધપાત્ર વર્ષા કરી છે. જિલ્લાના પાટનગર ખંભાળિયામાં રવિવારે સાંજે બે કલાકમાં 1ર ઈંચ અને રાત સુધીમાં 18 ઈંચ વરસાદ વરસાવ્યા બાદ સોમવાર સાંજ સુધીમાં વધુ 3 ઈંચ મળી કુલ ર1 ઈંચ વરસાદ વરસાવી દીધો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં માથાબોળ પાણી ભરાયા હતા. મોંઘીદાટ ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ હતી. કાચા મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. નદી-નાળા અને ચેકડેમો છલકાઈ ગયા હતા તેમજ ઠેકઠેકાણે વીજળી ગુલ થવાના અને મોબાઈલ નેટવર્ક જામ થવાના અહેવાલો મળ્યા હતા.
ખંભાળિયાને પગલે દ્વારકા, ઓખા અને મીઠાપુરમાં પણ 11 ઈંચ જેટલી વ્યાપક વર્ષા થતા સમગ્ર પંથકમાં પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. સ્થાનિક વિસ્તારવાસીઓએ આ સ્થિતિમાં ઘરમાં જ રહેવાનું પસંદ કર્યું હતું. ભાણવડ અને આસપાસના વિસ્તારમાં અનરાધાર સાત ઈંચ વરસાદના વાવડ છે. આ વરસાદથી જગતાત ખુશખુશાલ થઈ ગયા છે. ભારે વરસાદને પગલે તંત્ર એલર્ટ પર છે. જિલ્લા પ્રભારી મંત્રી જવાહર ચાવડાએ ખંભાળિયાની મુલાકાત લઈ જિલ્લા તંત્ર સાથે બેઠક કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
ભાટિયા: જામ કલ્યાણપુર તાલુકામાં શનિવાર રાત્રીથી મેઘરાજાની સવારી રવિવાર અને આજે સોમવારે પણ અવિરત રહી હતી. છેલ્લા 36 કલાકમાં કલ્યાણપુર તાલુકાના ગામોમાં 7 ઈંચથી 15 ઈંચ જેટલો વરસાદ પડી જતાં ઠેર-ઠેર પાણી પાણી થઈ ગયું હતું. તાલુકાના લાંબા કેનેડી, નંદાણા, રાણ સહિત અનેક ગામોમાં 15 ઈંચ જેટલા ભારે વરસાદ નોંધાયો હતો. જ્યારે ભાટિયા સહિતના અન્ય ગામોમાં 5થી 7 ઈંચ જેટલો હતો. દ્વારકા, કલ્યાણપુર બન્ને તાલુકાની જીવાદોરી સમાન સાની ડેમ રિપેર કરવાનો હોવાથી ડેડવોટર સુધી જ પાણી ભરાશે.
---------------
દાંતા ગામે 25 ઘેટાં-બકરા તણાયા
ખંભાળિયા, તા. 6 : ખંભાળિયા સહિત દ્વારકા પંથકમાં 14 કલાકમાં 18 ઈંચ જેટલો ભારે વરસાદ વરસી જતા અનેક નદીઓમાં પુર આવ્યા હતા. ખેતરો જળમાં તરબોળ થયા હતા. ખંભાળિયામાં ચારબારા, કનકપર, માળી, પીપળિયા, માધુપર, ખજૂરિયા, નવી-જૂની મોવાણ, સીદપુરમાં વીજપોલ ધરાશાયી થતા11 ગામોમાં વીજળી ગૂલ થઈ હતી. દાંતા ગામે નદીમાં પુર આવતા રપ જેટલા ઘેટાં-બકરા તણાઈ જવાથી મૃત્યુ પામ્યા છે. લાલપરડા રોડ, નગડિયા રોડ, જામપર, ધુમથર, સિધ્ધપુર રોડ કોઝવેમાં પાણી ભરાતા હાલ બંધ થઈ ગયા છે. જેના કારણે ખીજદળ, જામપર, ધુમથર, નગડિયા, ખીરસરા, સિધ્ધપુર ગામની અવરજવર બંધ થઈ છે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer