ચીની ધાક પણ તકલાદી પુરવાર

સીમા પર ચરમસીમાએ પહોંચેલી તાણ વચ્ચે વિશેષ પ્રતિનિધિઓ ડોભાલ-વાંગની ચર્ચામાં
શાંતિ માટે સહમતી : હિંસક ઘટના ટાળવા સાથે કામ કરવા સહમત : LACનું સન્માન કરાશે
બીજિંગ, તા. 6 : તાણગ્રસ્ત લદ્દાખમાં ગલવાન ખીણ ક્ષેત્રમાં પ્રાણઘાતક સંઘર્ષ બાદ ભારત અને ચીનમાં સીમા પર ચરમસીમાએ પહોંચેલી તાણ વચ્ચે ભારતના ચોમેરથી વધેલાં દબાણને તાબે થઇ જતાં ચીને આખરે લદ્દાખની ગલવાન ખીણમાં સંઘર્ષ થયો હતો તે જગ્યા પરથી દોઢ કિલોમીટર સુધી પોતાની સેનાને પાછી હટાવી લીધી છે.
ભારતના વિશેષ પ્રતિનિધિ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ તેમજ ચીનના વિદેશમંત્રી વાંગ યી વચ્ચે સીમા પર શાંતિ સ્થાપવા સંદર્ભે વિડીયો કોન્ફરન્સમાં આસરે બે કલાક થયેલી ચર્ચા બાદ બંને દેશના સૈનિક પાછા હટવા માટે સહમત થઇ ગયા હતા. બંને દેશની સેનાના કમાન્ડરો વચ્ચે પણ વાતચીત થઇ હતી અને ત્યારબાદ સીમાએ અગ્રિમ મોરચા પર તૈનાત સૈનિકો વચ્ચે તાણ ઘટાડવા માટે અસરકારક પગલાં લેવાઇ રહ્યા છે તેવું ચીની વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું.
એવું જાણવા મળે છે કે ગલવાન ખીણને હવે બફર ઝોન બનાવી દેવાયો છે, જેથી ભવિષ્યમાં ફરી કોઇ હિંસક ઘટના ન બને.
ગલવાન ઉપરાંત ગોગરા અને હોટસ્પ્રિંગ ક્ષેત્રોમાં પણ ચીની સૈન્યના ભારે વાહનો પાછળ હટાવી લેવાયાં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
સીમા વિવાદ પર બંને દેશના વિશેષ પ્રતિનિધિઓ ડોભાલ અને વાંગ યી વચ્ચે વીડિયો કોલના માધ્યમથી થયેલી ચર્ચામાં સીમા પર શાંતિ પુન: સ્થાપવા માટે સેનાઓ પાછી ખેંચવા સહિતના પગલાં લેવા પર સહમતી સધાઇ હતી.
ભારત અને ચીનના વિશેષ પ્રતિનિધિઓ આ મહત્ત્વપૂર્ણ ચર્ચા દરમ્યાન બંને પક્ષ માટે નુકસાનકર્તા ગલવાન ખીણ સંઘર્ષ જેવી હિંસક ઘટના ભવિષ્યમાં ન થાય તે માટે સાથે મળીને કામ કરવા પણ સહમત થયા હતા તેવું ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું.
બંને દેશ મતભેદને વિવાદ બનવા નહીં દે અને દ્વિપક્ષી સંબંધોના વધુ વિકાસ માટે ભારત-ચીન સીમા પર શાંતિ જાળવી રાખવી અનિવાર્ય છે, તે મુદ્દે નેતાઓના સર્વાનુમતમાંથી બંને પક્ષ માર્ગદર્શન લેશે તે અંગે ડોભાલ અને વાંગ સહમત થયા હતા.
બંને વિશેષ પ્રતિનિધિઓ વચ્ચે ચર્ચા બાદ ચીની સેના દ્વારા મડાગાંઠવાળી જગ્યા પરથી પીછેહઠ વચ્ચે ચીની વિદેશમંત્રી વાંગ યીએ વિસ્તૃત નિવેદન જારી કરીને એવી ખાતરી આપી હતી કે સીમા પર વિવાદ અને તાણ વધે તેવું કંઇ જ નહીં કરીએ. સાથોસાથ વિવાદ વધે તેવું બંને પક્ષ નહીં કરે તેવી આશા પણ તેમણે દર્શાવી હતી.
ડોભાલ અને વાંગે એવી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર પણ કર્યો હતો કે બંને દેશ હવેથી વાસ્તવિક નિયંત્રણરેખાનું ચુસ્તપણે સન્માન કરશે અને એ સ્થિતિને નુકસાન કરે તેવું કોઇ પણ એકપક્ષીય પગલું ભરશે નહીં.
-------------
સેના પાછી હટયાની પુષ્ટિ આપતી ચીન સરકાર
- તનાવ વધારનાર ચીન હવે કહે છે કે, વિવાદ વધે એવું કંઈ થવું ન જોઈએ
નવીદિલ્હી, તા.6 : લદ્દાખની ગલવાન ઘાટીમાંથી ચીની સૈનિકોએ પાછળ હટવાની શરૂઆત કરી દીધી છે. ત્યારે ચીનની સેનાનાં આ પગલાંની પુષ્ટિ આપતું નિવેદન ચીનનાં વિદેશ મંત્રાલય તરફથી આવ્યું છે. મંત્રાલયે કહ્યું છે કે, 30 જૂને બન્ને પક્ષો વચ્ચે કમાન્ડર સ્તરીય બેઠકમાં સધાયેલી સહમતીનાં અનુસંધાનમાં ચીનનાં સૈનિકો પાછળ હટવા લાગ્યા છે. સીમાએ તનાવ ભડકાવનાર ચીનનાં વિદેશમંત્રી વાંગ યીનાં વિસ્તૃત નિવેદન અનુસાર બન્ને પક્ષો હવે એવા કોઈ પગલાં નહીં ઉઠાવે જેનાથી વિવાદ વધે. ચીનનાં ગ્લોબલ ટાઈમ્સ અખબારે ચીનનાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા ઝાઓ લિઝાનનાં હવાલેથી લખ્યું છે કે, ભારત અને ચીનની સેનાઓ વચ્ચે 30મી જૂને કમાન્ડર સ્તરની વાટાઘાટોમાં સીમા વિવાદ અને જવાનોને પાછળ ખસેડવા માટે સંમતિ બની હતી. જેમાં હવે બન્ને દેશોએ પ્રભાવી ઉપાયો સાથે પ્રગતિ સાધી છે. વાંગ યીનાં નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, થોડા દિવસ પહેલા ગલવાન ઘાટીમાં જે બન્યું તેમાં સ્પષ્ટ છે કે ચીન પોતાની સંપ્રભુતા અને સીમાડાનાં ક્ષેત્રોની શાંતિપૂર્વક રક્ષા કરતું રહેશે. વિકાસ અને જીર્ણોદ્ધાર ભારત અને ચીનની પહેલી પ્રાથમિકતા છે. લાંબા સમયથી બન્ને દેશ રણનીતિક હિતોનાં પણ સહયોગી રહ્યા છે. એવું કોઈ પગલું ભરવામાં નહીં આવે જેનાથી તનાવ વધે કે વિવાદ વકરે. બન્ને દેશ મળીને સંબંધોની સુરક્ષા કરશે. ઉલ્લેખનીય છે કે, ગલવાનમાં ચીનની સેના પાછળ હટવા લાગતા ભારતીય સેનાએ પણ પોતાનું સ્થાન પાછળ ખસેડયું છે. 48 કલાક સુધી ચાલેલી ગહન કૂટનીતિક ચર્ચા, સૈન્ય સંપર્ક પછી ચીનની સેના પાછળ હટવા માટે તૈયાર થઈ છે.