સૌરાષ્ટ્રમાં અષાઢ પૂર બહારમાં

સૌરાષ્ટ્રમાં અષાઢ પૂર બહારમાં
 
દ્વારકામાં 11, રાજકોટમાં 8, જામનગરમાં 13, જૂનાગઢમાં 6, ગીર સોમનાથમાં
પ ઈંચ સુધી વરસાદ: નાના ગામો સંપર્ક વિહોણા, ખેતરો બેટમાં ફેરવાયા
 
રાજકોટ, તા. 6 : સીઝનના પહેલાં જ રાઉન્ડમાં મેઘરાજાએ સમગ્ર સૌરાષ્ટ્ર પર હેત વરસાવ્યું છે. છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર પ્રદેશ પર શ્રીકાર વર્ષા થઈ રહી છે. દ્વારકાના જામખંભાળિયામાં વધુ 3 ઈંચ સાથે ર1 ઈંચ ઉપરાંત દ્વારકા, ઓખા, મીઠાપુરમાં 11 ઈંચ, રાજકોટ જિલ્લામાં ર4 કલાકમાં 3થી 8 ઈંચ, ગીર સોમનાથમાં 1થી પ ઈંચ, મોરબી જિલ્લામાં 3થી પ ઈંચ, જૂનાગઢ જિલ્લામાં રથી 6 ઈંચ અને પોરબંદરમાં ર4 કલાકમાં 1ર ઈંચ વરસાદ વરસ્યો હતો. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં 13ા ઈંચ વર્ષા થઈ હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના પાટનગર ખંભાળિયામાં રવિવારે સાંજે બે કલાકમાં 1ર ઈંચ અને રાત સુધીમાં 18 ઈંચ બાદ સોમવારે વધુ 3 ઈંચ જળવર્ષા થઈ હતી. આ ઉપરાંત દ્વારકા, ઓખા અને મીઠાપુરમાં ચોવીસ કલાકમાં 11 ઈંચ વરસાદ થતા સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ થઈ હતી. ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. 11 ગામમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. દાંતા ગામે નદીમાં પુરથી રપ જેટલા ઘેટાં-બકરા તણાઈ જતા મૃત્યુ પામ્યા હતા તેમજ કોઝ વે પર પાણી ભરાતા લાલપરા રોડ, નગડિયા રોડ, જામપર, ધુમથર, સિધ્ધપુર રોડ બંધ થઈ ગયા છે. જેના કારણે ખીજદળ, જામપર, ધુમથર, નગડિયા, ખીરસરા, સિધ્ધપુર ગામમાં અવર-જવર બંધ થઈ ગઈ છે.
રાજકોટ જિલ્લામાં ધોરાજીમાં વધુ 3 ઈંચ, જામકંડોરણામાં બે, ઉપલેટામાં 3 અને ગામડામાં 7 ઈંચ જેટલો વરસાદ થતા ઉભી મોલાત મ્હોરી ઉઠી હતી.
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં 13ા ઈંચ વરસાદ થયો હતો. આ ઉપરાંત ધ્રોળમાં 7, લાલપુરમાં 3ા, જોડિયા તાલુકામાં સાડા પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદથી રૂપારેલ નદી ગાંડીતુર બનવાના કારણે ખીમરાણા ગામ સંપર્ક વિહોણું બન્યું હતું.
સોરઠ પ્રદેશ તરીકે ઓળખાતા જૂનાગઢ જિલ્લામાં મેઘમલ્હાર છેડાયો હતો અને બેથી 6 ઈંચ વરસાદ વરસી ગયો હતો. કેશોદમાં 6 ઈંચ, વિસાવદર, માળિયા અને મેંદરડામાં 4-4 ઈંચ, માંગરોળમાં 3, જૂનાગઢ, ભેસાણ અને વંથલીમાં ર-ર ઈંચ વરસાદ થયો હતો. શાપુર ખાતે પાંચ ઈંચ વરસાદથી ઓઝત અને કાળવા નદીમાં પુર આવ્યું હતું. ઓઝતવિયર ડેમ છલકાતા નીચાણવાળા ગામોને સાવચેત કરાયા હતા. માણાવદર તાલુકામાં 8થી 1ર ઈંચ વરસાદને કારણે કોડવાવ, એકલેરા સહિત 6 ગામો વિખૂટા પડયા છે.
ગીર સોમનાથ જિલ્લામાં 1થી પ ઈંચ વરસાદ વરસી ગયો હતો. આ સાથે ભગવાન સોમનાથ મહાદેવના સાન્નિધ્યે હિરણ, કપીલા અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમ સ્થાન સંગમ ઘાટ જળમાં ગરકાવ થઈ ગયો હતો. સુત્રાપાડા પંથકમાંથી પસાર થતી મઠ નદીમાં પુરના પગલે આ વિસ્તારના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા. 1ર ઈંચ વરસાદને પગલે પોરબંદરના બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું હતું. એક જર્જરીત મકાન ધરાશાયી થયું હતું.
અમરેલી જિલ્લામાં 1થી રા ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. ધારીનો લાખાપાદર ડેમ છલકાતા નીચાણવાળા વિસ્તારને એલર્ટ અપાયું છે. ભાવનગર શહેર-જિલ્લામાં છુટોછવાયો એક ઈંચ જેટલો વરસાદ થયો હતો. સુરતમાં ર ઈંચ વરસાદ થયો હતો.
સૌરાષ્ટ્રમાં સચરાચર વરસાદના પગલે 4ર ડેમોમાં નવા નીરની આવક થઈ હતી.
--------------
48 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદની વકી
NDRFની 7 ટીમ તૈનાત
 અમદાવાદ, તા. 6: આગામી 48 કલાક રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતાને લઇને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે જ્યારે દરિયાકાંઠા વિસ્તારના લોકોને પણ એલર્ટ કરાયા છે. 8 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ થશે. પવન સાથે ભારે વરસાદની શક્યતાને લઈ તંત્ર એલર્ટ મોડ પર છે.
હવામાન વિભાગની આગાહીને લઇ રાજ્યમાં એનડીઆરએફની 7 ટીમ તૈનાત કરાઈ છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં એનડીઆરએફની ટીમ મોકલાઈ છે. વલસાડ, નવસારી, સુરતમાં એનડીઆરએફની ટીમ પહોંચી ગઈ છે. તો પોરબંદર, દ્વારકા, રાજકોટમાં પણ એનડીઆરએફના જવાનો ખડેપગે છે. કચ્છમાં પણ ભારે પવનની શક્યતાને લઈ એનડીઆરએફની ટીમ પહોંચી છે. આ ઉપરાંત સુરતમાં એનડીઆરએફની 3 ટીમ સ્ટેન્ડ ટુ રખાઈ છે. બીજી તરફ પોરબંદર, દ્વારકા અને અમરેલીના બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે.  સુરત, નવસારી, વલસાડ, દમણ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને નર્મદા,પંચમહાલ, ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  કચ્છ પર વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે. સાયક્લોનીક સર્ક્યૂલેશન પણ સક્રિય થયું છે. બે સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 
 
 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer