દક્ષિણ ચીન સાગરમાં અમેરિકાએ ચીનને ઘેર્યુ

દક્ષિણ ચીન સાગરમાં અમેરિકાએ ચીનને ઘેર્યુ
પરમાણુ શત્રોથી સજ્જ 11  યુદ્ધવિમાન ઊડતા ચીન  સ્તબ્ધ
નવી દિલ્હી, તા. 6 : પરમાણુ શત્રોથી સજ્જ અમેરિકાના 11 યુદ્ધવિમાનોએ દક્ષિણ ચીન સાગરને ઘેરી લેતાં ચીની સેના માત્ર જોતી જ રહી ગઇ હતી.
વિવાદાસ્પદ સમુદ્રી ક્ષેત્રમાં જારી યુદ્ધ અભ્યાસમાં અમેરિકી નૌકાદળ જોરદાર શક્તિ પ્રદર્શન કરી રહ્યું છે. ચીનની ધમકી પછી પણ અમેરિકાના 11 યુદ્ધવિમાને આ ક્ષેત્રમાં એકસાથે ઊડાન ભરી હતી.
અમેરિકાની આક્રમક કાર્યવાહીથી ભડકેલા ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સના અહેવાલમાં આ કવાયતને શક્તિનું ખુલ્લું પ્રદર્શન ગણાવીને ટીકા કરાઇ હતી.
પરમાણુ બોમ્બ લઇ જવામાં સક્ષમ અમેરિકાના બી-52 એચ બોમ્બવર્ષક વિમાન સાથે અન્ય 10 યુદ્ધવિમાનોએ ચીનને ઘેર્યું હતું. આ તમામ ફાઇટર જેટ દ્વારા અમેરિકાની એરક્રાફટ કેરિયર નિમિત્સ મારફતે ઊડાન ભરાઇ હતી. સાથોસાથ યુએસ રોનાલ્ડ રિગન એરક્રાફટ કેરિયર પણ આ યુદ્ધ અભ્યાસમાં ભાગ લઇ રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
અમેરિકી સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોન દ્વારા પરમાણુ સક્ષમ યુદ્ધવિમાન ગુઆમમાં તૈનાત કરીને અમેરિકા ચીનને પોતાની તાકાત બતાવી રહ્યું છે તેવું ગ્લોબલ ટાઇમ્સે નોંધ્યું હતું.
 
ચીને અમેરિકા અને દુનિયાનું ઘણું નુકસાન કર્યું : ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વખત ચીન ઉપર ભડક્યા છે. કોરોના વાયરસની મહામારી દુનિયામાં ફેલાવાને લઈને ચીન ઉપર આરોપ ઘડતા ટ્રમ્પે સોમવારે કહ્યું હતું કે, ચીને અમેરિકા અને દુનિયાનું ઘણુ નુકસાન કર્યું છે. આ અગાઉ અમેરિકાના સ્વતંત્રતા દિવસે કહ્યું હતું કે, જ્યારે અમુક દેશોમાંથી અમેરિકી ખજાનામાં અબજો ડોલર આવી રહ્યા હતા તેવા સમયે જ દેશ ચીનથી આવેલા વાયરસથી પ્રભાવિત થયો છે. ટ્રમ્પે ટ્વીટ કરીને ચીને અમેરિકા અને દુનિયાનું નુકસાન કર્યાની વાત કરી હતી. જો કે ક્યા સંદર્ભમાં આરોપ મુકવામાં આવ્યો તે હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer