...યે બતા કાફિલા કૈસે લૂંટા ? : રાહુલનું નિશાન

...યે બતા કાફિલા કૈસે લૂંટા ? : રાહુલનું નિશાન
 -મોદીના સંબોધનમાં ચીનનો ઉલ્લેખ  ન થતાંરાહુલ અને કોંગ્રેસના પ્રહાર; પીએમ ડરી રહ્યા છે:
ચીનને બદલે ચણા પર બોલ્યા : ઓવૈસી
  
નવી દિલ્હી, તા.30 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશની જનતાને સંબોધન દરમિયાન કોરોના વાયરસ અને લોકડાઉનમાં છૂટ અંગે વિસ્તારથી વાત કરી હતી. જોકે એવી અટકળો લગાવવામાં આવતી હતી કે વડાપ્રધાન ચીન વિશે કંઈક કહેશે પરંતુ એવું થયું ન હતું. ચીનનો ઉલ્લેખ ન થવા અંગે કોંગ્રેસે વડાપ્રધાન પર નિશાન સાધીને જણાવ્યું હતું કે પીએમ ચીનની આલોચના કરવાનું ભૂલી ગયા. રાહુલ ગાંધીએ પણ એક શેર ટાંકીને મોદી પર વ્યંગ્યબાણ છોડયાં હતાં.
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ)ના નેતા અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પીએમ પર પ્રહાર કરતાં કહ્યું કે આજે ‘ચીન’ પર બોલવાનું હતું પણ ‘ચણા’ પર બોલી ગયા. અનેક તહેવારોના નામ લીધા પણ ‘ઈદ’ ભૂલી ગયા હતા.
મોદીના સંબોધન અગાઉ રાહુલે ટ્વિટર પર સવાલ કર્યો હતો કે તમે દેશને જણાવશા કે ચીનની ફોજ હિન્દુસ્તાનમાંથી ક્યારે અને કેવી રીતે બહાર નીકળશે? જોકે સંબોધનમાં પીએમે ચીનનો ઉલ્લેખ ન કરતાં રાહુલ ગાંધીએ શહાબ જાફરીના શેર ટાંકીને પ્રહાર કરતાં કહ્યું કે ‘તૂ ઈધર-ઉધર કી બાત ન કર, યે બતા કી કાફિલા કૈસે લૂંટા, મુઝે રહજનો સે ગિલા તો હૈ પર તેરી રાહબરી કા સવાલ હૈ..’
કોંગ્રેસે જણાવ્યું હતું કે  પોતાના રાષ્ટ્રીય સંબોધનમાં પણ પીએમ ચીનનો ઉલ્લેખ કરતાં ડરી રહ્યા છે. કોંગ્રેસે એમ પણ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન કોઈ સરકારી પરિપત્ર હોઈ શકતું હતું.
કોંગ્રેસે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક તસવીર મૂકી હતી જેમાં ચીન વિશે લખવામાં આવ્યું હતું. તસવીર પર જણાવવામાં આવ્યુ હતું કે ચીન ભારતની સીમામાં 423 મીટર સુધી ઘૂસી આવ્યું છે. કોંગ્રેસ અનુસાર પચ્ચીસમી જૂન સુધી ભારતીય સીમામાં ચીનના 16 તંબૂ અને ટરપોલિન છે. ચીનનું એક મોટું શેલ્ટર છે. આશરે 14 ગાડી છે. શું પીએમ તેને નકારી શકશે એવો સવાલ કોંગ્રેસે કર્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer