રાજ્યમાં કોરોનાના વધુ 620 સાથે કુલ કેસ 32743

રાજ્યમાં કોરોનાના વધુ 620 સાથે કુલ કેસ 32743

-20 દર્દીએ દમ તોડયો: પ્રથમ વખત અમદાવાદ કરતાં સુરતમાં કેસ વધ્યા
 
 અમદાવાદ, તા.30: ગુજરાતમાં આજે લોકડાઉન સહિત અનલોક-1ને આજે 104 દિવસ થયા છે તેમ છતાં પણ કોરોનાનો કહેર યથાવત રહેવા પામ્યો છે. આજે સતત ચોથા દિવસે ગુજરાતમાં કોરોનાના 620 કેસ આવ્યા છે. આ સાથે ગુજરાતમાં કુલ કોરોનાના પોઝિટિવ કેસનો આંક 32743 થયો છે. વિતેલા 24 કલાક દરમિયાન ગુજરાતમાં કુલ 20 દર્દીઓ કોરોના સામે જંગ હારી જતા તેમના મૃત્યુ થયા છે. આ સાથે ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 1848 થયો છે અને 104 દિવસ પછી રાજ્યનો કુલ મૃત્યુઆંક 5.48 % થયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં 422 દર્દીઓ કોરાનાને મહાત આપવામાં સફળ થયા છે. પ્રથમવાર બન્યું છે કે અમદાવાદ કરતાં સુરતમાં પોઝિટિવના કેસ વધુ આવ્યા છે. ગુજરાતમાં વિતેલા 24 કલાક દરમિયાન કોરોનના કુલ 620 કેસ નોંધાવા પામ્યા છે. જેમાં અન્ય રાજ્યના 1 દર્દીનો સમાવેશ થાય છે. અમદાવાદમાં 197, સુરતમાં 199, વડોદરામાં 52, વલસાડમાં 20, જામનગરમાં 18, આણંદમાં 14, ગાંધીનગરમાં 15, પાટણમાં 11, કચ્છમાં 9, ભરૂચમાં 8, મહેસાણામાં 7, જૂનાગઢમાં 8, ખેડામાં 6, ભાવનગરમાં 8, રાજકોટમાં 6, અરવલ્લી અને પંચમહાલમાં 5-5, સાબરકાંઠામાં 4, બોટાદમાં 4, સુરેન્દ્રનગરમાં 4, ગીર સોમનાથમાં 3, પોરબંદરમાં 3, અમરેલીમાં 3, મહાસાગરમાં 2, જૂનાગઢમાં 2, નવસારીમાં 2, મોરબીમાં 2, બનાસકાંઠા, નર્મદા અને દેવભૂમિ દ્વારકામાં 1-1 કેસ નોંધાવા પામ્યો છે.
--------------
લોકડાઉન કરતાં અનલોક-1માં મૃત્યુની ટકાવારી વધુ
અનલોક-1 પહેલાના પ્રથમ 70 દિવસ રાજ્યમાં મૃત્યુઆંક 6.14 ટકા હતો. આજે અનલોક-1ના 30 દિવસ પૂર્ણ થયા છે. વિતેલા અનલોક-1ના 30 દિવસ દરમિયાન ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસનો આંક 15849 થવા પામ્યો છે. જ્યારે આજ સમયગાળા દરમ્યાન મૃત્યુનો આંક 810 થવા પામ્યો છે. આમ અનલોક-1નાં પ્રથમ 30 દિવસમાં રાજ્યનો મૃત્યુઆંક 5.15 ટકાનો થયો છે.
----------------
ભારતમાં સ્વસ્થતાનો દર વધીને 59 ટકા
બે દિવસ 19 હજાર ઉપર કેસ નોંધાયા બાદ ઘટાડો : 18,522 નવા કે સામે કુલ સંખ્યા 5.66 લાખ
નવી દિલ્હી, તા. 30 : દેશમાં કોરોના વાયરસ સંક્રમણના વધતા મામલા સાથે જ દર્દીઓનાં સ્વસ્થ થવાનું પ્રમાણ સતત સુધરી રહ્યું છે. અત્યાર સુધીમાં 5.50 લાખ ચેપગ્રસ્તોમાંથી 3.34 લાખ સ્વસ્થ થઇ ગયા છે. આ રીતે દર્દીઓનો સ્વસ્થ થવાનો દર વધીને 59.07 ટકા થયો છે. જો કે મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં ચેપનો પ્રસાર જારી છે.
ભારતમાં કોવિડ-19નાં એક દિવસમાં 18,522 નવા કેસો સામે આવ્યા છે. દેશમાં ચેપના મામલા મંગળવારે વધીને 5,66,840 થઇ ગયા છે. જેમાં 418 વધુ લોકોનો જીવ ગયા બાદ મૃતકોની સંખ્યા વધીને 16,893 થઇ ગઇ છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સવારે 8 વાગ્યે જારી કરવામાં આવેલા આંકડા મુજબ, દેશમાં 2,15,125 લોકોની સારવાર જારી છે, જ્યારે 3,34,831 લોકો સ્વસ્થ થઇ ગયા છે. દરમ્યાન, કોરોના વાયરસના કેસમાં દેશમાં સતત બીજા દિવસે ઘટાડો પણ જોવા મળ્યો છે.
 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer