કોરોનાની દવાના દાવામાં પતંજલિનું શીર્ષાસન

કોરોનાની દવાના દાવામાં પતંજલિનું શીર્ષાસન
 
-ઉત્તરાખંડ આયુષ વિભાગની નોટિસના જવાબમાં કહ્યું, ‘કોરોનાની દવા બનાવ્યાનો દાવો કર્યો નથી’
નવી દિલ્હી, તા.30 : પતંજલિ યોગપીઠ કોરોનાની દવા બનાવવાના તેના પહેલાના દાવામાંથી પલટી ગઈ છે. ઉત્તરાખંડ રાજ્યના આયુષ વિભાગ દ્વારા આપવામાં આવેલી નોટિસના જવાબમાં પતંજલિએ કહ્યું છે કે તેમણે ક્યારેય કોરોના દવાઓ બનાવવાનો દાવો કર્યો નથી, પરંતુ તેણે બનાવેલી દવાથી કોરોના દર્દીઓનો ઈલાજ કર્યો છે. જે હેતુ માટે વિભાગ દ્વારા લાઇસન્સ આપવામાં આવ્યું હતું તે મુજબ ઈમ્યુનિટી બૂસ્ટર, ખાંસી અને તાવની દવાઓ બનાવવામાં આવી હતી. પતંજલિ હજી પણ તેમનો દાવો અને દવા બંને જાળવી રાખે છે.
સ્વામી રામદેવની પતંજલિ આયુર્વેદ આયુષ મંત્રાલયની નોટિસથી ઘેરાયા પછી કોરોના દવા બનાવવાનો દાવો પલટાવ્યો છે. ઉત્તરાખંડના આયુષ વિભાગને મોકલવામાં આવેલા નોટિસના જવાબમાં પતંજલિએ કહ્યું કે તેમણે ક્યારેય કોરોના માટેની દવા બનાવવાનો દાવો કર્યો નથી. ઊલટાનું, તેણે એક દવા બનાવી છે જે કોરોના દર્દીઓની સારવાર કરે છે.
પતંજલિએ એમ પણ જણાવ્યું હતું કે અમે કોઈ ‘કોરોના કિટ’ બનાવી નથી. અમે તો માત્ર દિવ્ય શ્વાસારિ વટી, દિવ્ય કોરોનિલ ટીકડી અને દિવ્ય અણુ તેલને શિપિંગ/પેકેજિંગ ઉદ્દેશ્યથી એક પેકમાં રાખ્યા હતા. અમે કોઈ પણ કિટનું કોરોના કિટના નામે વ્યાવસાયિક વેચાણ કર્યું નથી કે અમે કોરોના (કોવિડ-19)ની સારવાર માટે તેનો પ્રચાર કર્યો નથી.
પતંજલિ આયુર્વેદના વડા આચાર્ય બાલકૃષ્ણે કહ્યું હતું કે પતંજલિ આયુર્વેદ હજી પણ તેનો દાવો અને દવા ધરાવે છે. અમે ક્યારેય કોરોના દવાઓ બનાવવાનો દાવો કર્યો નથી. સરકારની માર્ગદર્શિકા મુજબ પરવાનગી લઇને બનાવેલી દવાઓ કોરોના દર્દીઓ દ્વારા મટાડવામાં આવી છે. આયુષ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી નોટિસનો જવાબ આપવામાં આવ્યો છે.
--------------
પતંજલિને કોરોનિલ દવાના પેકમાંથી કોરોનાનું ચિત્ર હટાવવા આદેશ
દેહરાદૂન, તા.30: કોરોનાના ઈલાજની આયુર્વેદિક દાવો કરનારી બાબા રામદેવની પતંજલિએ પોતાના દાવામાં યુ-ટર્ન લીધા પછી હવે ઉત્તરાખંડ આયુર્વેદ વિભાગે વધુ એક ઝટકો આપ્યો છે. હવે કોરોનિલ દવા ઉપર છાપવામાં આવેલા કોરોના વાયરસનાં ચિત્રને હટાવવા માટેનો આદેશ પતંજલિને આપવામાં આવ્યો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer