નેપાળની બોર્ડરથી હથિયારો ઘૂસાડવાનું કારસ્તાન

નેપાળની બોર્ડરથી હથિયારો ઘૂસાડવાનું કારસ્તાન
એટીએસે વધુ 50 હથિયાર સાથે સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ અને કચ્છના દસ શખસને ઝડપી લીધા: એક કરોડના હથિયાર કબજે
 (ફૂલછાબ ન્યૂઝ)
અમદાવાદ, તા. 30: નેપાળની બોર્ડરથી હથિયારો ઘૂસાડવાનું કારસ્તાન પકડાયું છે. ગુજરાત એટીએસની ટીમે  સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ અને કચ્છના દસ શખસને ઝડપી પાડીને રૂ. એક કરોડના 50 વિદેશી હથિયાર કબજે કર્યા છે. વધુ હથિયારો મળવાની શકયતા હોવાનું જણાવાય છે.
ગુજરાત એટીએસની જુદી  જુદી ટીમે રાજયના સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ અને કચ્છ વિસ્તારોમાં નવ સ્થળે દરોડા પાડીને રૂ. એક કરોડથી વધુ કિમતના 50 જેટલા વિદેશી હથિયાર પકડી પાડયા હતાં અને દસ શખસની ધરપકડ કરી હતી.આ હથિયારો દાણચોરીથી ગુજરાતમાં લાવવા માટે નેપાળ બોર્ડરનો ઉપયોગ થતો હોવાનું ખુલ્યું છે. તેના પરથી હથિયારની હેરાફેરીનું નેપાળ બોર્ડર કેન્દ્ર બન્યું છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે આ હથિયારો મામલે ગુપ્તા ગન હાઉસના માલિકની ભૂમિકા ખૂબ જ મહત્વની રહી છે. ગુપ્તા ગન  હાઉસના માલિક આ હથિયારો મંગાવીને પોતાના ગન હાઉસમાં ચોપડે ખોટી રીતે  બતાવી તેને અન્ય ગન હાઉસને વેચી નાખ્યા છે તેવું દર્શાવ્યું છે.આ હથિયારો કેટલાક નામચીન શખસોએ પણ ખરીદ કર્યા છે.આ તમામ પાસાને ધ્યાનમાં રાખીને એટીએસ કાર્યવાહી કરી રહી છે.કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં દરોડા પાડીને અંદાજે રૂ. એક કરોડની કિમતના હથિયાર જપ્ત કરી ગેરકાયદેસર હથિયારોની હેરાફેરીનો મોટો પર્દાફાશ કર્યો છે. હજુ પણ ઓપરેશન ચાલુ છે અને હજુ પણ આરોપીઓ અને હથિયારો પકડાય તેવી શકયતા છે. અત્રે ઉલ્લેખનિય છે કે,થોડા દિવસ પહેલા એટીએસની ટીમે 54  વિદેશી અને દેશી હથિયાર સાથે નવ લોકોને ઝડપી લીધા હતાં.
 
અમદાવાદથી સૌરાષ્ટ્ર-કચ્છ હથિયાર પહોંચાડવામાં ચાવાળાની વરવી ભૂમિકા
 ભાર્ગવ પરીખ
અમદાવાદ, તા. 30:  ગેરકાયદે વિદેશી હથિયારોની હેરાફેરી અને વેચાણમાં માત્ર બંદૂકનો દુકાનદાર જ નહીં પણ બોપલ વિસ્તારમાં જય દ્વારકાધીસ ટી સ્ટોલ ચલાવનાર ગૌરવ ઉર્ફે ચંદ્રપાલ ચૌધરીની વરવી ભૂમિકા હોવાનું બહાર આવ્યું છે.
અમદાવાદના ગુપ્તા ગન હાઉસના સંચાલક તરૂણ ગુપ્તા સાથે ચાવાળા ગૌરવ ઉર્ફે ચંદ્રપાલ ચૌધરીએ હથિયારો વેચવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ગૌરવ ઉર્ફે ચંદ્રપાલ ચૌધરીએ તરૂણ ગુપ્તા સાથે અમદાવાદના ગાંગડના જમીનદાર વાહીદખાન પઠાણની મુલાકાત કરાવી હતી. બાદમાં તરૂણ ગુપ્તાએ મોરબી, સુરેન્દ્રનગરના જમીનદારોને હથિયાર વેચ્યા હતાં. હળવદના દિગ્વિજયસિંહ ઝાલા હથિયારો વેચવામાં નહીં પણ વિદેશથી હથિયાર લાવવામાં પણ મદદ કરતો હતો. નેપાળની બોર્ડરથી વિદેશી હથિયારના સ્પેરપાર્ટ ગેરકાયદે ભારત અને ગુજરાતમાં લાવીને એસેમ્બલ કરીને ગેરકાયદે વિદેશી હથિયાર બનાવીને વેચવામાં આવતા હતાં. હથિયારની ગેંગમાં રાણીપનો ભાવિનસિંહ વાઘેલા પણ જોડાયો હતો. તેણે  કચ્છ અને સુરેન્દ્રનગરના મુકેશ બુટિયાને સામેલ કર્યો હતો. કચ્છના અબડાસાના કાસમ પઢિયાર, ભુજના ગફુર ઉર્ફે ગુલ્લા પઢિયાર, ભચાઉના મનીહારસિંહ જાડેજા, ભચાઉના રાજકારણી મુકેશ કારિયા, હકુમતસિંહ જાડેજા, રાપરના અરવિંદસિંહ જાડેજા અને અંજારના ગીરીશ ઠક્કરને હથિયાર વેચ્યા હોવાનું બહાર આવ્યું છે. આ રીતે ચાવાળો ગૌરવ ઉર્ફે ચંદ્રપાલ ચૌધરી અમદાવાદથી કચ્છ, સૌરાષ્ટ્ર હથિયાર પહોંચાડવામાં મીડિયટર થયો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer