કાચું સોનું વરસ્યું: સૌરાષ્ટ્રમાં કડાકા-ભડાકા સાથે ઝાપટાથી 3 ઈંચ

કાચું સોનું વરસ્યું: સૌરાષ્ટ્રમાં કડાકા-ભડાકા સાથે ઝાપટાથી 3 ઈંચ
 
કેટલાક સ્થળે ઓછા સમયમાં વધુ પાણી ખાબકી જતાં પાણી-પાણી થઈ ગયું: અમુક રસ્તા થોડો સમય અવરોધાયા: લોકોએ વરસાદમાં નાહવાની મોજ માણી: બફારામાંથી છૂટકારો મળતાં આનંદ
 (ફૂલછાબ ન્યૂઝ)
રાજકોટ, તા.30: સૌરાષ્ટ્રમાં આજે કડાકા-ભડાકાના જોરદાર અવાજ સાથે સર્વત્ર ઝાપટાથી ત્રણ ઈંચ જેટલો વરસાદ પડયો હતો. આજના વરસાદમાં ભયાનક ગાજવીજ સાથે વીજળી ત્રાટકવાના અનેક બનાવ અને જાનહાનીના કિસ્સા નોંધાઈ ગયા હતા. લોકો સાથે ઢોર પણ વીજળી પડવાની ઘટનામાં મૃત્યુને શરણ થયા હતા. આજના વરસાદમાં કેટલાય સ્થળે ઓછા સમયમાં અઢળક પાણી ઠલવાઈ ગયું હતું. અસહ્ય બફારા બાદ સવાર પછી સૌરાષ્ટ્રમાં મેઘસવારી આવી પહોંચી હતી. સાથે વીજળી પડવાના અનેક બનાવે ખાનાખરાબી પણ સર્જી દીધી હતી. આજના વરસાદથી વાવણીને ખુબ ફાયદો થયો છે અને જાણકારોએ તો કાચું સોનુ વરસ્યાનું જ કહ્યું હતું. દ્વારકાના દરિયામાં પ્રથમવાર ચોમાસાનો કરન્ટ  અનુભવાયો હતો. ભારે વરસાદના કારણે ક્યાંક થોડીવાર માટે રસ્તા અવરોધાયા હતા. લોકોએ ઠેર-ઠેર વરસાદમાં પલળવાનો લ્હાવો લીધો હતો.
રાજકોટ શહેરમાં આજે મોસમનો પ્રથમ ધોધમાર વરસાદ પડયો હતો, માત્ર એક કલાકમાં જ સવા ઈચં જેટલો વરસાદ પડયો હતો. શહેરના નાથદ્વારા પાર્કમાં બે મકાનોમાં વીજળી પડતા વીજ ઉપકરણો તેમજ સોલારને નુકસાન પહોંચ્યું હતું. શહેરમાં મોસમનો કુલ 4 ઈંચ વરસાદ નોંધાયો છે.
જામનગર : શહેર સહિત ત્રણ તાલુકાઓમાં પોણાથી સવા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. જામનગર શહેરમાં બપોરે એક ઇંચ વરસાદ નોંધાયો હતો. જોડિયામાં પોણો ઇંચ, કાલાવડમાં સવા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. લાલપુરમાં હળવા ઝાપટા પડયા હતાં.
વેરાવળ : ગીર સોમનાથ જિલ્લાના તમામ છ તાલુકામાં એકથી બે ઇંચ જેટલો વરસાદ હતો. વેરાવળ અને સુત્રાપાડામાં સવારે 9 થી 10-30 સુધીમાં બે ઇંચ, તાલાલા, ગીરગઢડા, ઉના અને કોડીનાર તાલુકામાં પણ મેઘરાજાએ હેત વરસાવ્યું હતું. તાલાલામાં 23 મીમી, ગીરગઢડામાં 42 મીમી, કોડીનારમાં 19 મીમી, ઉનામાં 20 મીમી વરસાદ હતો. વેરાવળ-સોમનાથમાં દોઢ કલાકમાં પડેલ બે ઇંચ વરસાદથી માર્ગો અને શેરીઓમાં નદીઓ વહેવા લાગી હતી. બે ઇંચ જેટલા વરસાદે જ પાલિકાની પ્રિમોન્સુનની કામગીરીની પોલ ખોલી નાંખી હોય તેવા દ્રશ્યો હતાં.
ભાવનગર : જિલ્લામાં અડધાથી પોણા બે ઇંચ વરસાદ હતો. ઘોઘા અને જેસરમાં પોણા બે ઇંચ, પાલિતાણા અને ભાવનગર શહેરમાં એક-એક, તળાજા, પડવા અને ગારિયાધારમાં અર્ધો-અર્ધો ઇંચ વરસાદ હતો. સિહોરમાં 8 મીમી, વલભીપુરમાં 6 મીમી પડયો હતો.
જૂનાગઢ : મેંદરડામાં બે, માંગરોળ અને વિસાવદરમાં એક-એક ઇંચ, કેશોદમાં અડધો તથા જિલ્લામાં ઝાપટા પડયા હતા. મેંદરડામાં દોઢ કલાકમાં બે ઇંચ પાણી પડયું તું. જૂનાગઢ, ભેંસાણ, માણાવદર અને વંથલીમાં હળવાથી ભારે ઝાપટા પડયા હતાં.
પોરબંદર : બપોરે 12 થી 2 વાગ્યા સુધીમાં પોણો ઇંચ વરસાદ પડયો હતો. કુતિયાણા અને રાણાવાવમાં ઝાપટા હતાં. પોરબંદરમાં મોસમનો કુલ વરસાદ 8ાા, કુતિયાણામાં 9ાાા અને રાણાવાવમાં 9ાા ઇંચ નોંધાયો છે.
સાવરકુંડલા : સવારે દોઢ કલાક ધીમી ધારે વરસ્યો હતો. એકધારા ધીમા વરસાદથી કિસાનો રાજીના રેડ થઇ ગયા હતા.
બાબરા : બાબરા તાલુકામાં સવાર પછી અડધો ઇંચ વરસાદ હતો. પરંતુ ધરાઈ ગામમાં એક કલાકમાં અઢી ઇંચ વરસાદ વરસી ગયો હતો. ધરાઈની બાલમુકુંદજી નદીમાં ઘોડાપુર આવ્યા હતાં. ધરાઈમાં આ વખતનો આ બીજીવારનો જોરદાર વરસાદ હતો.
ચોટીલા : બપોરે વાતાવરણમાં પલટા પછી એકથી ત્રણ ઇંચ વરસાદ પડયો હતો. ચોટીલા પંથકમાં 11.30 વાગ્યાથી શરૂઆત થઇ હતી. સણોસરા ઉપરના ઠાંગા વિસ્તાર, પીપળિયા, ઘાયલ વગેરે ગામોની નદી બે કાંઠે વહી હતી. ગામડાઓમાં 1 થી 3 ઇંચ વરસાદ હતો. પીપળિયાના તૂટેલા કોઝ વેના કારણે ચોટીલાનો સંપર્ક ખોરવાઈ ગયો હતો. આ કોઝ વે પાંચ વરસથી તૂટેલી હાલતમાં છે. દર વરસે પાણી વહે એટલીવાર રસ્તો બંધ થઇ જાય છે.
બોટાદ : બોટાદ અને પંથકમાં ઝાપટા પડયા હતા. બોટાદ, ગઢડા, રાગિપુર, બરવાળા, લાઠીદડ વગેરે ગામોમાં ઝાપટાથી ઠંડક પ્રસરી હતી.
ધ્રોળ : ધ્રોળમાં દોઢ ઇંચ એટલે કે, 40 મીમી વરસાદ પડયો હતો. તાલુકામાં પણ દોઢથી બે ઇંચ જેટલું પાણી પડયું હતું.
ધારી : તાલુકાના કુબડા, ગોવિંદપુર, સરસિયા, સુખપુર, દલખાણિયા ગામોમાં વરસાદ હતો. શેત્રુંજી નદી વહી હતી.
અમરેલી : અમરેલી જિલ્લામાં સર્વત્ર અડધાથી દોઢ ઇંચ પાણી વરસી ગયું હતું. જાફરાબાદના નાગેશ્રીમાં બે ઇંચ હતો. નદીનાળા છલકાઈ ગયા હતા. અમરેલીમાં પોણો ઇંચ, ખાંભા-લીલિયામાં સવા, બગસરા-લાઠી 1, સાવરકુંડલા-જાફરાબાદ પોણો, ધારી-બાબરામાં અડધો ઇંચ વરસાદ હતો.
મોરબી : મોરબી અને જિલ્લાના ગામોમાં ઝાપટા વરસ્યા હતા. જૂના ઘાંટીલા ગામે રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા.
કાલાવડ : બપોરે બારથી એક વાગ્યા સુધીમાં બે ઇંચ પાણી પડી ગયું હતું. ફલકુ નદીમાં પૂર આવ્યું હતું. કાલાવડ તાલુકાના ગામોમાં 1થી 4 ઇંચ વરસાદ હતો.
ફલ્લા : એક કલાકમાં પોણા બે ઇંચથી વધુ એટલે કે 45 મીમી વરસાદ પડી ગયો હતો.
મતિરાળા : લાઠી તાલુકાના મતિરાળા ગામે સવારે 10 થી 10-30 એમ અડધો કલાક મુશળધાર વરસ્યો હતો. 30 મીનીટમાં અઢી ઇંચ પાણી વરસી જતાં સર્વત્ર પાણી-પાણી થઇ ગયું હતું. સીમના માર્ગો ઉપર પાણી ફરી વળતાં લોકો પરેશાન થઇ ગયા હતાં. મતિરાળા મેઘરાજાનું વહાલુ બન્યું હોય અત્યાર સુધીમાં સાડા સોળ ઇંચ પાણી પડી ગયું છે.
માળિયા હાટીના : સવારે એક કલાકમાં સવા ઇંચ પાણી પડી ગયું હતું. મોસમનો કુલ વરસાદ સાડા પંદર ઇંચ થયો છે.
દ્વારકા : દ્વારકામાં બપોરે 12.30 વાગ્યે વરસાદનું આગમન થયું હતું. એ પછી ગાજવીજ સાથે ઝાપટા પડયા હતા. દરિયામાં વરસાદી માહોલનો કરન્ટ અને મોજા જોવા મળતાં જાણકારોએ હવે બરાબર ચોમાસું આવ્યાનું તારણ કાઢ્યું હતું.
ખાંભા : ખાંભા, ભાવરડી, દાઢીયાળી, ખડાધાર, પીપળવા ગામોમાં વરસાદ હતો.
જસદણ : જસદણના સાણથલીમાં 20 મીનીટમાં દોઢ ઇંચ વરસાદ પડયો હતો. ગામનું તળાવ ભરાઈ ગયું હતું. પ્રતાપપુર, ડોડિયાળામાં સારો વરસાદ હતો.
ઉના: ધોકડવા, સામતેર, કાણકબરડા, રામેશ્વર, સનખડા, ગાંગડા, સીમાસી સહિતના ગામોમાં અડધાથી એક ઈંચ વરસાદ હતો. ગીર ગઢડામાં 2 અને ઉનામાં 1 ઈંચ પડયો હતો.
ભાટિયા: એક કલાકમાં એક ઈંચ વરસાદથી આનંદ છવાયો હતો. ગામડાઓમાં દોઢ ઈંચ સુધી વરસાદ હતો.
વડોદરા જિલ્લામાં વરસાદ
વહેલી સવારે છૂટાછવાયા ઝાપટા પડયા હતાં. વરસાદ બંધ થયા બાદ વધી ગયેલા ઉકળાટથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા હતાં. દરમિયાન સાંજે મેઘરાજાની સવારી વાજતે ગાજતે આવી પહોંચી હતી. ધમાકેદાર મેઘસવારીને માણવા લોકો માર્ગો ઉપર નીકળી ગયા હતાં. વડોદરા શહેરની સાથે જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો.
અરવલ્લી જિલ્લામાં ઝાપટાથી બે ઇંચ, બે પશુના મૃત્યુ
મોડાસા : અરવલ્લી જિલ્લાનાં મોડાસા, મેઘરજ, માલપુર, ધનસુરા તાલુકામાં વરસાદી માહોલ સર્જાયો હતો. મોડાસા શહેરમાં દોઢ ઇંચ પડયો હતો. પહેલા જ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાતા તંત્રની નબળી કામગીરી છતી થઇ હતી. મોડાસા શહેરમાં ભારે પવન સાથે વરસેલા વરસાદને કારણે વૃક્ષ ધરાશાયી થવાની ઘટનાઓ પણ બની હતી. બસ સ્ટેન્ડ પાછળ વીજડીપીમાં કરંટ ઉતરતા રખડતા પશુનું મૃત્યુ નીપજ્યું હતું. વહેલી સવારનો સમય હોવાથી જાનહાની ટળી હતી. અન્ય એક સ્થળે પણ વીજડીપીમાંથી કરંટ ઉતરતા ગાયનું મૃત્યુ નીપજ્યું હતું. માલપુરમાં 1 ઇંચ, મેઘરજમાં અડધો,ધનસુરામાં 9 એમએમ વરસ્યો હતો. મેઘરજના ઓઢા ગામે ઝાડ ઉપર વીજળી પડતાં ભડભડ સળગ્યું હતું.
 ગોંડલમાં વરસાદની વિગત આપવામાં તંત્રની ખો !
ચોમાસું સક્રિય બન્યું છે અને ખાસ કરીને છેલ્લા બે દિવસથી ગોંડલ પંથકમાં વરસાદ  ગામડાંમાં વરસાદ અંગેની વિગતો માટે મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી વચ્ચે ફેંકાફેંકી થતી હોય આખરે ડેપ્યુટી કલેકટરને દરમિયાનગીરી કરવી પડી હતી અને  ફ્લડ કંટ્રોલ રૂમ કાર્યરત બન્યો હતો.
ચોર્યાસી ગામડાં ધરાવતાં ગોંડલ તાલુકામાં  રોજીંદા વરસાદની વિગતો માટે મામલતદાર કચેરીમાં કન્ટ્રોલ રુમ છે.તાલુકા પંચાયત કચેરી તથા નગરપાલિકાના કેટલાક કર્મચારીઓને પણ ડયુટી સોંપાતી હોય છે.
ગામડામાં પડેલાં વરસાદ અંગે મામલતદાર કચેરીમાં પૂછપરછ કરાતાં મામલતદાર ચુડાસમાએ ગામડાંની માહિતી તાલુકા પંચાયત કચેરીમાં હોવાનું જણાવતાં તાલુકા વિકાસ અધિકારી ગોહેલને પૂછતાં તેમણે કહ્યું કે સમગ્ર માહિતી માટે મામલતદાર કચેરીમાં કન્ટ્રોલ રુમ  છે. તાલુકા પંચાયતની કોઈ જવાબદારી રહેતી નથી. ફરી મામલતદાર ચુડાસમાનો સંપર્ક કરાતાં તેમણે જણાવ્યું કે અમારાં કંન્ટ્રોલરુમની જવાબદારી ફકત શહેરી વિસ્તાર પૂરતી છે.ગ્રામ્ય વિસ્તાર નહીં.
વાસ્તવમાં તલાટીમંત્રી દ્વારા મામલતદારને વિગતો અપાતી હોય જે કલેકટર કચેરી સુધી પહોંચતી હોય છે પણ  મામલતદાર ચુડાસમાએ ગામડાં અંગે જવાબદારી ખંખેરી હતી.ખૂબી તો એ ગણાય કે નાયબ મામલતદાર મનિષ જોશી અને કોરાટે પણ મામલતદાર ચુડાસમાનાં સુરમાં સુર પુરાવ્યો હતો.આ બન્ને અધિકારીઓ વરસોથી ગોંડલ કચેરીમાં ફરજ બજાવી રહ્યા છે.  આખરે ડેપ્યુટી કલેકટર રાજેશ આલને વાકેફ કરાતાં તાકીદે ગામડાંમાં વરસાદ અંગેની માહિતી અંગે સુચના આપી વ્યવસ્થા કરી હતી. શહેરી વિસ્તાર માટે નગરપાલિકામાં પણ કન્ટ્રોલ રુમ ચાલું હોય મામલતદારનો જવાબ આશ્વર્યજનક બનવાં પામ્યો હતો.
 
સૌરાષ્ટ્ર અને કચ્છના જળાશયોમાં નવા નીરની આવક
અમદાવાદ, તા.30: ગુજરાતમાં સત્તાવાર રીતે ચાલુ થયેલાં ચોમાસા પૂર્વે જ શરૂ થઈ ગયેલા વરસાદને કારણે ગુજરાતના કુલ 205 જળાશયોમાં નવા નીરને લીધે હાલનો જથ્થો 220738.53 મીટર ઘન ફૂટ પર પહોંચ્યો છે. સૌરાષ્ટ્રમાં 140 જળાશયોમાં 26.91 ટકા અને કચ્છમાં 20 જળાશયોમાં 26.22 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 15 જળાશયોમાં પાણીના સંગ્રહાયેલ જથ્થાની ટકાવારી 27.37 ટકા, મધ્ય ગુજરાતમાં 17 જળાશયોમાં 47.55 ટકા, દક્ષિણ ગુજરાતમાં 13 જળાશયોમાં 44.50 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં રવિવારે અને સોમવારે પડેલા ભારે વરસાદને કારણે ભાદરમાં 0.50, ન્યારી-1માં 0.53, ફોફળ ડેમમાં 0.59, છાપરવાડી-2માં 0.66, મોરબીના બ્રાહ્મણી-2માં 0.33, જામનગરના ડાયમીણાસારમાં 0.75 અને સુરેન્દ્રનગરના વાસણામાં 0.49 ફૂટ નવા નીરની આવક થઈ હતી. 24 ફૂટની ઉંડાઈ ધરાવતા ભાદર-1ની સપાટી નવા નીરને લીધે. 19.70 ફૂટે પહોંચી ગઈ હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer