ભારતની એપ સ્ટ્રાઈકથી ચીન થયું રઘવાયું

ભારતની એપ સ્ટ્રાઈકથી ચીન થયું રઘવાયું
59 એપ પર પાબંદીથી ચિંતા દર્શાવી : ટિકટોકના ભારતીય વડાએ કહ્યું
‘આ વચગાળાનો આદેશ’
નવી દિલ્હી, તા. 30 : દેશભરમાં ટિકટોક પર પ્રતિબંધની ચર્ચા વચ્ચે ટિકટોકના ભારત ખાતેના વડા નિખિલ ગાંધીએ જણાવ્યું છે કે, ભારત સરકારે આ વચગાળાનો આદેશ આપ્યો છે અને અમે સરકારના આદેશના અમલની પ્રક્રિયામાં છીએ. સરકારના  સંબંધિત વિભાગ તરફથી અમને ખુલાસા માટે, જવાબ આપવા માટે બોલાવાયા છે. કંપની યુઝર્સની પ્રાઇવસી અને સુરક્ષા માટે  પ્રતિબદ્ધ છે.  દરમ્યાન ચીની એપ્લિકેશનો સામે ભારતની કાર્યવાહીથી રઘવાયા બનેલા ચીને કહ્યું છે કે, અમે ચિંતિત છીએ અને પરિસ્થિતિ ચકાસી રહ્યા છીએ.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા ઝાઓ લિજિયને જણાવ્યું હતું કે, ચીન બહુ ચિંતીત છે. ચીની ઉદ્યોગપતિઓના અધિકારો જાળવી રાખવાની જવાબદારી ભારતની છે. ટિકટોકના  ઇન્ડિયા હેડ ગાંધીએ કહ્યું હતું કે, સરકારના સંબંધિત વિભાગે અમને ખુલાસો કરવા બોલાવ્યો છે. આ વચગાળાનો આદેશ છે. ટિકટોક 14 ભારતીય ભાષામાં ઉપલબ્ધ છે. યુઝર્સનો ડેટા ચીન કે અન્ય કોઇ દેશ સાથે શેયર કરવામાં આવતો નથી.
દરમ્યાન ટિકટોક પર પ્રતિબંધના  હેવાલ બાદ ભારતીય એપ ચિંગારીની બોલબાલા વધી છે. 72 કલાકમાં આ એપ પાંચ લાખ વાર ડાઉનલોડ કરાઇ હોવાના હેવાલ છે. ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા અને કેન્દ્ર સરકારના  અગ્ર આર્થિક સલાહકાર સંજીવ  સાન્યાલ સહિતના લોકો ચિંગારી એપને ઉત્તેજન આપી રહ્યા છે. ચિંગારીના કુલ ડાઉનલોડ 25 લાખને પાર થઇ ગયા છે.
 
ચીનમાં ભારતીય અખબારો અને વેબસાઈટ્સ પર પાબંદી
બીજિંગ, તા. 30: ગઈ તા. 1પમીના કારમા ઘર્ષણ બાદ ચીન અને ભારત વચ્ચે હાલ ચાલી રહેલા સરહદી તનાવ વચાળે ચીનમાં ભારતીય અખબારો અને વેબસાઈટ્સ સુલભ નહીઁ બને. ભારતમાં ચીની અખબારો અને વેબસાઈટ્સ ભારતમાં સુલભ છે તેમ છતાં ચીનમાંના લોકો  વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક (વીપીએન) સર્વર સાથે ભારતીય મીડિયા વેબસાઈટ્સ સુલભ કરી લઈ શકે છે.
હાલ તરત ઈન્ડિયન ટીવી ચેનલ્સ આઈપી ટીવી મારફત સુલભ થતી રહી છે અને એક્ષપ્રેસવીપીએન આ સામ્યવાદી દેશમાં છેલ્લા બે દિવસથી આઈફોન તેમ જ ડેસ્કટોપ્સ પર કાર્યરત નથી. (વીપીએન એવું શક્તિશાળી ટુલ છે જે જાહેર ઈન્ટરનેટ કનેકશનમાંથી  યુઝર્સને ઓનલાઈન પ્રાયવસી અને અનામીપણું આપે છે) પણ ચીને તકનિકી રીતે એવી અત્યાધુનિક ફાયરવોલ સર્જી છે જે વીપીએનને સુધ્ધાં અવરોધે છે. ચીનનું પગલું ભારતીય સરકારે પ9 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂકયા પહેલાં લેવાયું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer