સૌરાષ્ટ્રમાં વીજળી ‘વેરણ’: 10નાં મૃત્યુ

સૌરાષ્ટ્રમાં વીજળી ‘વેરણ’: 10નાં મૃત્યુ
કેશોદના રાણીંગપરામાં વીજળી પડતા હેબતાઈ ગયેલા 20 લોકોને ત્વરિત સારવાર અર્થે ખસેડાયા
લાલપુર તાલુકાના રક્કા ગામે માતા-પુત્ર અને ખંભાળિયાના વિરમદડ ગામે કાકી-ભત્રીજીનો ભોગ લેવાયો : 18 પશુના પણ મોત
રાજકોટ, તા.30 : સૌરાષ્ટ્રમાં આજે મન મૂકીને ગાજવીજ સાથે મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું અનેક સ્થળોએ વીજળી પડવાની ઘટનાઓ ઘટી હતી જેમાં લાલપુર તાલુકાના રક્કા ગામે માતા-પુત્ર તથા ખંભાળિયાના વિરમદડ ગામે કાકી-ભત્રીજીનો ભોગ લેવાયો હતો. આ ઉપરાંત બોટાદ જિલ્લામાં 3, કાલાવડના નાનાવડલા, વડિયા અને કોટડા સાંગાણી તાલુકાના જૂની મેંગણી ગામે એક-એક મળી કુલ 10 વ્યક્તિના વીજળી પડતા મૃત્યુ નિપજ્યાં હતાં આ ઉપરાંત 18 અબોલ જીવોનો પણ ભોગ લેવાયો હતો. કેશોદ તાલુકાના રાણીંગપરામાં વીજળી પડતા હેબતાઈ ગયેલા 20 લોકોને ત્વરિત સારવાર અર્થે ખસેડાયા હતાં
બોટાદ : બોટાદ જિલ્લાના લાઠીદડ ગામે આજરોજ 11.30 કલાકે વીજળી પડતા ઘનશ્યામભાઈ નાનજીભાઈ ચૌહાણ (ઉ.વ.55) તથા જાનવીબેન વિજયભાઈ ચૌહાણ (ઉ.વ.5)નું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે સરવઈ ગામે ભાટવાસિયા ગુડીબેન જીવરાજભાઈ (ઉ.વ.18)નું વીજળી પડતા મૃત્યુ થયું છે. ઉપરોક્ત ત્રણેય ખેતરમાં નિંદામણ કરતાં હતાં. નાના પાળિયાદમાં વીજળી પડતા એક બળદ અને એક ભેંસનું મૃત્યુ નિપજ્યું છે.
જામખંભાળિયા, દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લા વડામથક ખંભાળિયાના વિરમદડ ગામે ખેતરમાં કામ કરતાં એક જ પરિવારના ચાર લોકો પર વીજળી પડતા પમીબેન સાગા ડાંગર (ઉ.વ.35) તથા કોમલ કરસન ડાંગર (ઉ.વ.20) કાકી-ભત્રીજીનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે મંજુબેન કરસન ડાંગર (ઉ.વ.20) તથા કંચન કરસન ડાંગર (ઉ.વ.17)ને વીજળી પડવાથી ઈજાઓ પહોંચતા બન્નેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. ખંભાળિયા પંથકમાં વીજળી પડતા 9 પશુઓના પણ મૃત્યુ નિપજ્યાં હતાં.
જામનગર : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રક્કા ગામે આજે બપોરે વીજળી ત્રાટકતા નીતાબેન જયેશભાઈ સીતાપરા (ઉ.વ.35) અને તેમનો પુત્ર વિશાલ જયેશભાઈ સિતાપરા (ઉ.વ.12)ના મૃત્યુ નિપજ્યાં હતાં. આ ઉપરાંત કાલાવડ તાલુકાના નાના વડલા ગામે પણ આજે પંકજ મગનભાઈ ભાંભર નામના 40 વર્ષના યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે લાલપુર તાલુકાના ચોરબેડી ગામે કેસુર ખીમાભાઈ કરંગિયાની એક ભેસનું પણ વીજળી પડતા મૃત્યુ નિપજ્યું છે.
વડિયા : વડિયાથી કુંકાવાવ રોડ પર આવેલા સૂર્યપ્રતાપગઢ ગામે ખેતીકામ કરતાં સુમિત્રાબેન સુરેશભાઈ ઠુંમર નામના મહિલા પર વીજળી પડતા આ મહિલાને 108મારફત તાત્લાલિક સારવાર માટે કુંકાવાવ આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
કોટડાસાંગાણી : કોટડાસાંગાણી તાલુકાના જૂની મેંગણી ગામે વીજળી પડવાથી દિનેશભાઈ પીપળિયાની વાડીમાં બાંધેલી ભેંસનું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું.
ચોટીલા : ચોટીલા પંથકના ખેરાણા અને ખેરડી ગામે વીજળી પડવાના બે બનાવ બન્યાં છે જેમાં ખેરાણા ગામે ખેડૂત પશુપાલ ગાબુ વલ્લભભાઈની બે ભેંસ અને ખેરડી ગામે કાળાસરના લગધીરભાઈ ખટાણાના બળદનું મૃત્યુ નિપજ્યું હતું.
કેશોદ, જૂનાગઢ : કેશોદ તાલુકાના અજાબ ગામે મકાનમાં વીજળી પડતા મકાનના સ્લેપમાં તિરાડ પડી હતી. જ્યારે રાણીંગપરા ગામે ખેતરમાં વીજળી પડી હતી તે સમયે દિનેશભાઈ મહીડાના ખેતરમાં ખેતમજૂરી કરતાં આશરે 20 જેટલા લોકોને વીજળી પડવાથી બેભાન અવસ્થા જેવી સ્થિતિ સર્જાતા તાત્કાલિક કેશોદની સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડાયા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. તમામને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી છે.
ભાવનગર : ભાવનગરના ટાડમ ગામે ભરતભાઈ નરશીભાઈ શિયાળની વાડીમાં વીજળી પડતા એક ભેંસનું મૃત્યુ નિપજ્યું હતું. જિલ્લાના વાળુકડ ગામે રામદેવપીરના મંદિર પર વીજળી પડતા મંદિરનું શિખર તૂટી ગયું હતું.
જસદણ : સાણથલી ગામના આટકોટ રોડ પર આવેલા પેટ્રોલ પમ્પ નજીક રહેતા ગભરૂભાઈ પાનસુરિયાના મકાનની બાજુમાં વીજળી પડતા તેમના ઘરના વીજઉપકરણોને નુકશાન થયું હતું અહી બાજુમાં ઉભેલા ભરતભાઈને પણ હળવો ઝાટકો લાગ્યો હતો. આ ઉપરાંત ડોડીયાળા ગામમાં રમેશભાઈ દેવીપૂજક વરસાદ આવતા ઝાડ નીચે બેઠા હતાં ત્યારે ઝાડ પર વીજળી પડતા તેમને બેશુદ્ધ હાલતમાં ગોંડલ ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં જ્યા પ્રાથમિક સારવાર આપીને રજા આપવામાં આવી હતી.
ધારી : ધારી શહેરના બાયપાસ રોડ પર કંસારા ફર્નિચરની બિલ્ડીંગ પર એકા-એક વીજળી પડતા બે ખૂટિયાના મોત નિપજ્યાં હતાં. ઘટના અંગેની જાણ થતા લોકોની સાથે પીજીવીસીએલના કર્મચારીઓ પણ દોડી આવ્યાં હતાં અને વીજપુરવઠો બંધ કરી દીધો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer