ગરીબોની દિવાળી સુધરી: નવેમ્બર સુધી મફત અનાજ

ગરીબોની દિવાળી સુધરી: નવેમ્બર સુધી મફત અનાજ
     દેશજોગ સંબોધનમાં નરેન્દ્ર મોદીનું એલાન, સરકારની તિજોરી પર વધુ $ 90,000 કરોડનું ભારણ આવશે , અનલોકમાં બેદરકારી વધી હોવાની ટકોર
નિયમોથી કોઈપણ ઉપર નથી, તેનું કડક પાલન થાય
અન્નદાતા (કિસાન) અને કરદાતાનો આભાર માન્યો
આનંદ કે. વ્યાસ
નવી દિલ્હી, તા. 30 : ભારતમાં કોરોના સામેની લડત હજી જારી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાંજે ટેલિવિઝન પર કરેલાં રાષ્ટ્રજોગ સંબોધનમાં દેશભરના 80 કરોડ જણને આવરી લેતી મફત રાશનની યોજના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમજીકેએવાય) નવેમ્બરના અંત સુધી લંબાવવાની મહત્ત્વની ઘોષણા કરી હતી. વડાપ્રધાને એક દેશ (બલ્ગેરિયા)ના વડાપ્રધાન પર માસ્ક નહીં પહેરવા બદલ થયેલા રૂા. 13,000ના દંડનો દાખલો આપીને કહ્યું હતું કે, નિયમોનું કડકપણે પાલન થવું જોઈએ. ગામના પ્રધાન હોય કે વડાપ્રધાન હોય, કોઈપણ નિયમથી ઉપર નથી. અનલોકના સમયગાળામાં બેદરકારીનું પ્રમાણ વધ્યું છે, જે ચિંતાજનક છે. શરદી- ઉધરસની બીમારી ચોમાસાંના ગાળામાં વિશેષ થાય છે ત્યારે આપણે વધુ સાવચેત રહેવાની જરૂર છે.
કોરોના વાયરસને પગલે લાગુ કરાયેલાં લોકડાઉન બાદ છઠ્ઠીવાર દેશને કરેલાં સંબોધનમાં મોદીએ કહ્યું  હતું કે પીએમજીકેએવાયને લંબાવવાને લીધે સરકાર પર રૂા. 90,000 કરોડનો બોજ આવશે. વડાપ્રધાનના સંબોધનમાં ચીનનો ઉલ્લેખ નહોતો. મોદીએ દેશના અન્નદાતા (કિસાનો) અને કરદાતાઓની પ્રશંસા કરી હતી.
મોદીએ કહ્યું હતું કે, સરકાર એક દેશ, એક રાશનકાર્ડની દિશામાં આગળ વધી રહી છે. લોકડાઉન દરમ્યાન કોઈપણ ગરીબ ભૂખ્યો ન રહે એ દેશની સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે. કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકારો હોય કે નાગરિકો - સંસ્થાઓ હોય, દરેકે એ દિશામાં પૂરા પ્રયાસ કર્યા હતા.
વડાપ્રધાને જણાવ્યું હતું કે ભારતમાં 80 કરોડથી વધુ લોકોને ત્રણ મહિનાનું રાશન મફત કરાયું છે. 20 કરોડ ગરીબ પરિવારોના જન ધન ખાતાંમાં રૂા. 31 હજાર કરોડ જમા કરાવાયા છે. 9 કરોડથી વધુ કિસાનોના બેન્ક ખાતાંમાં 18 હજાર કરોડ જમા થયા છે. અમેરિકાની કુલ વસ્તીથી અઢી ગણા વધુ લોકોને, બ્રિટનની વસ્તીથી 12 ગણા વધુ લોકોને અને યુરોપીય સંઘની કુલ વસ્તીથી લગભગ બમણા લોકોને મફત અનાજ અપાયું છે. હવે તહેવારોના દિવસો આવી રહ્યા છે. ગુરુપૂર્ણિમાંથી લઈને છઠ્ઠ પૂજા સુધીના આ દિવસોમાં લોકોનાં જરૂરિયાતો અને ખર્ચ વધી જશે માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના નવેમ્બરના અંત સુધી લંબાવવામાં આવે છે. સરકાર જરૂરિયાતમંદોને અનાજ આપી શકે છે. તેનું શ્રેય અન્નદાતાઓ અને ઈમાનદાર કરદાતાઓને જાય છે. મોદીએ કહ્યું હતું કે, આપણે સાવચેતી સાથે આર્થિક ગતિવિધિ વધારશું આત્મર્નિભર ભારત માટે દિવસ-રાત એક કરશું. લોકલ માટે વોકલ થશું.
 
રાહતનું રાજકારણ: મમતાની જૂન 2021 સુધી મફત રાશનની જાહેરાત
કોલકાતા, તા.30 : કોરોનાનાં કપરા કાળમાં સરકાર ગરીબોને મફત અનાજ આપી રહી છે. હવે આ સહાય થકી રાજકીય હિતો સાધવાની કોશિશો પણ શરૂ થઈ ગઈ છે. પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નવેમ્બર સુધી મફત અનાજની જાહેરાત બાદ પોતાનાં રાજ્યમાં વર્ષ 2021 સુધી મફત અનાજ આપવાની ઘોષણા કરવામાં આવી છે.  વડાપ્રધાન મોદીએ બિહારમાં છઠ્ઠ સુધી રાશન મળવાનો ઉલ્લેખ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે બિહારમાં આ વર્ષે જ ચૂંટણી પણ યોજાનારી છે. જ્યારે 2021માં પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી થશે. જેથી આ જાહેરાતો આપોઆપ ચૂંટણી સાથે જોડીને જોવાઈ રહી છે. મોદી બાદ થોડા વખતમાં જ મમતા બેનરજીએ આજે પત્રકાર પરિષદ યોજી હતી અને તેમણે જાહેરાત કરતાં કહ્યું હતું કે, તેઓ ગરીબોને મફત રાશનની યોજનાને જૂન 2021 સુધી વધારી રહ્યા છે.
 
 
ગુજરાતમાં દુકાનો રાત્રે 8 અને
રેસ્ટોરન્ટ્સ 9 સુધી ખુલ્લા રહેશે
અનલોક-2 ા ગૃહમંત્રાલયના નિર્દેશ અનુસાર માર્ગદર્શિકા આપતી ગુજરાત સરકાર
દુકાનોને રાત્રે 8 વાગ્યા સુધીની છૂટ
હોટલ અને રેસ્ટોરન્ટને રાત્રે 9 સુધીની છૂટ
રાત્રે 10થી સવારે 5 સુધી કફર્યૂ
એક દુકાને પાંચથી વધુ લોકોને ઉભા રહેવાની મંજૂરી
સ્કૂલ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ 31 જુલાઈ સુધી બંધ રહેશે
આંતરરાષ્ટ્રીય ઉડાનો પર 31 જુલાઇ સુધી પ્રતિબંધ રહેશે
મર્યાદિત સંખ્યામાં ડોમેસ્ટિક ફ્લાઇટસ ને પેસેન્જર ટ્રેનોને મંજૂરી
અમદાવાદ, તા.30: ગુજરાતમાં 1 જુલાઇથી અનલોક-2નો પ્રારંભ થઇ રહ્યો છે જેને પગલે મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ આવતીકાલ એટલે કે, તા.1 જુલાઇથી ગુજરાતમાં દુકાનોને રાત્રે 8 વાગ્યા સુધી કામકાજ ચાલુ રાખવા દેવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત હોટલ અને રેસ્ટોરન્ટ પણ રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.
મુખ્યપ્રધાને જણાવ્યું છે કે, ભારત સરકારના દિશા-નિર્દેશો અનુસાર સમગ્ર રાજ્યમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂનો અમલ કરવાનો રહેશે. કેન્દ્ર સરકારે 1 જુલાઇથી અનલોક-2 અંતર્ગત જે નવા દિશા-નિર્દેશો આપેલા છે તેને પગલે મુખ્યપ્રધાને ગુજરાતમાં દુકાનો અને હોટલ રેસ્ટેરન્ટ માટે આ બે મહત્ત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. મહત્ત્વનું છે કે, આ પહેલાં અનલોક-1માં સાંજના 7 વાગ્યા સુધી જ વ્યાપાર-ધંધા અને રેસ્ટોરન્ટ ખુલ્લા રાખવાની છૂટ આપવામાં આવી હતી. જ્યારે રાત્રીના 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કફર્યૂ લાદવામાં આવ્યો હતો.
આમ હવે અનલોક-2માં દુકાનધારકોને એક કલાકની અને રેસ્ટોરન્ટ માલિકોને બે કલાકની વધુ રાહત આપવામાં આવી છે જ્યારે કફર્યૂમાં પણ એક કલાકની રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત એક દુકાને પાંચથી વધુ લોકોને ઉભા રહેવાની છૂટ આપવામાં આવી છે પણ માસ્ક પહેરવા સહિતના નિયમોનું પણ ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે.
આ ઉપરાંત કેન્દ્ર સરકારના નવા જાહેરનામા મુજબ અનલોક-2માં આંતરરાષ્ટ્રીય હવાઇ મુસાફરી, મેટ્રો રેલ, સિનેમા હોલ, જીમ, સ્વિમિંગ પુલ, એન્ટેરટેઇનમેન્ટ પાર્ક, થિયેટર્સ, બાર, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ અને ભીડ ભેગી થાય તેવી કોઇપણ જગ્યાઓ બંધ રહેશે. અનલોક-2ની ગાઇડલાઇન અનુસાર, સ્કૂલ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ અને કોચિંગ ઇન્સ્ટિટયૂશન્સ 31 જુલાઇ સુધી બંધ રહેશે. ઓનલાઇન અને ડિસ્ટન્સ લર્નિંગને પહેલાની જેમ મંજૂરી યથાવત રહેશે. સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્નમેન્ટની ટ્રેઇનિંગ ઇન્સ્ટિટયૂટ્સને 15 જુલાઇ, 2020થી શરતોને આધારે શરૂ કરવાની પરવાનગી અપાઇ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer