વેરાવળમાં પુત્રના હાથે જનેતાની હત્યા

વેરાવળમાં પુત્રના હાથે જનેતાની હત્યા
સામાન્ય બોલાચાલીમાં પુત્રે માતાને માર મારીને ચુંદડીથી ગળાટૂંપો આપીને પતાવી દીધી
વેરાવળ,તા. 30: અહીના સોમનાથ ટોકિઝ વિસ્તારની મીસ્કીન સોસાયટીમાં  પુત્ર સાજીદના હાથે જનેતા મેમુદાબહેન અલારખાભાઇ સેલતની હત્યા થયાનો બનાવ બન્યો હતો. સામાન્ય બોલાચાલીના કારણે પુત્રે માતાને માર મારી,માથુ દિવાલ સાથે અથડાવીને ચુંદડીથી ગળાટૂંપો દઇને હત્યા કરી હતી.  મીસ્કીન સોસાયટીમાં રહેતાં 55 વર્ષના  મેમુદાબહેન અલારખાભાઇ સેલત તેના બે પુત્ર સાથે રહે છે. જ્યારે તેના અન્ય ત્રણ પુત્ર અલગ રહે છે. બપોરના ઘેર જમી રહેલા મેમુદાબહેનને તેના પુત્ર સાજીદ સાથે સામાન્ય બોલાચાલી થઇ હતી. બાદમાં ઉશ્કેરાયેલા પુત્ર સાજીદે માતા મેમુદાબહેનના માથા અને મોઢા પર મુક્કા મારી દીધા હતાં અને ચુંદડી ગળામાં વિંટાળીને ગળાટૂંપો આપી દિવાલ સાથે માથુ અથડાવીને હત્યા કરી હતી. જનેતાની હત્યા કર્યા બાદ સાજીદ રૂમમાં બેસી રહ્યો હતો. થોડીવાર બાદ મૃતકનો નાનો પુત્ર ઇમરાન ઘેર આવ્યો હતો. તેણે ઘરનું દ્રશ્ય જોઇને તેના ભાઇ મુસ્તાફ અને ભાભીને જાણ કરી હતી. બાદમાં પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવ સ્થળે પહોંચેલા પીઆઇ આર.કે.પરમાર, રાઇટર જેઠાભાઇ સહિતના સ્ટાફે  મૃતદેહનો કબજો લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને મુસ્તાફની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સાજીદ  છેલ્લા થોડા સમયથી  માનસિક અસ્થિર હોવાનું અને બે-ત્રણ દિવસ પહેલા તેણે નાના ભાઇ ઇમરાનને પણ માર માર્યાનું ખુલ્યું હતું. સાજીદની પત્ની તેના માવતરે હોવાનું જાણવા મળ્યું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer