જેતપુરની એસપીસીજી સ્કૂલના મેનેજમેન્ટ સામે વાલીઓની ફરિયાદ, આંદોલનની ચીમકી

જેતપુરની એસપીસીજી સ્કૂલના મેનેજમેન્ટ સામે વાલીઓની ફરિયાદ, આંદોલનની ચીમકી
ફી ભરે તેને જ ઓનલાઇન અભ્યાસની લિંક આપવી વગેરે બાબતે હેરાનગતિ
જેતપુર, તા. 30: જેતપુર શહેરની એસપીસીજી સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓએ આજે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા જુદી જુદી બાબતે કરવામાં આવતી હેરાનગતિ તેમજ વિદ્યાર્થીઓને ચાઇનિઝ એપ ઝૂમ ફરજિયાત વાપરવાના દબાણ બંધ કરવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી આપતું આવેદનપત્ર શાસનાધિકારીને આપ્યું હતું.  સ્કૂલ મેનેજમેન્ટને જાણે વિવાદોમાં જ રહેવું પસંદ હોય તેમ લોકડાઉનમાં કામ ધંધા વગરના થઈ ગયેલ વાલીઓ પાસે યેનકેન પ્રકારે ફીની ઉઘરાણીની ડીડીઓ સુધી ફરિયાદ છતાંય મેનેજમેન્ટને સરકારનો લગીરેય ડર ન હોય તેમ નવા સત્રનો સ્કૂલમાં હજુ ફિઝિકલ અભ્યાસ શરૂ પણ થયો નથી ત્યાં ઓનલાઇન શિક્ષણમાં જે અભ્યાસક્રમ ચલાવે છે તે સિલેબસ બહારનો હોવાથી તેમનાં પુસ્તકો સ્કૂલ સિવાય ક્યાંય મળતાં નથી. જેથી પુસ્તકો પણ સ્કૂલમાંથી જ ફરજિયાત ખરીદવા પડે છે અને વાલીઓને બે બાળકો હોય અને ગેઝેટ એક જ હોય તેવી તેમજ ઓનલાઇન અભ્યાસક્રમ બાદ સ્કૂલ દ્વારા આપેલ વર્ક પણ વિદ્યાર્થીઓને પ્રિન્ટ કઢાવી ઓનલાઇન સબમીટ કરવાનું શક્ય ન હોવા છતાં તેમ કરવાનું દબાણ કરે છે.  જે વિદ્યાર્થીઓએ ફી ભરી હશે તેઓને જ ઓનલાઇન અભ્યાસની લિંક આપવામાં આવશે આવી દાદાગીરી ઉપરાંત વગેરે પ્રશ્નોએ વાલીઓએ આવેદનપત્ર પાઠવી સ્કૂલ મેનેજમેન્ટ પર તાત્કાલીક પગલાં ભરવામાં નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer