તા.4થી ચાતુર્માસનો પ્રારંભ

15મી ઓગસ્ટે પર્યુષણ પર્વનો પ્રારંભ, 22મીએ સવંત્સરી ક્ષમાપના
મુનિ ભગવંતો એક જ સ્થાનકે રહેશે
રાજકોટ:  જીવદયાના લક્ષે પ્રભુ મહાવીરની આજ્ઞા અનુસાર સ્થાનકવાસી જૈનોના સાધુ - સાધ્વીજીઓ ચાતુર્માસમાં એક જ સ્થાનકે બીરાજમાન થશે. ચાતુર્માસ પ્રારંભ ચૌમાસી પાખી 4/7/2020 શરૂ થશે. પર્વાધિરાજ પર્યુષણ પવે પ્રારંભ, 15/8/2020ના છે. સવંત્સરી ક્ષમાપના પર્વ 22/8/2020
 છે. જ્યારે ચાતુર્માસ પૂણોહુતિ 29/11/2020 છે.
આ વર્ષે અધિક માસ આવતો હોવાથી વર્ષાવાસ પાંચ મહિનાનો રહેશે. ચાતુર્માસમાં કોરોના વાઇરસને ધ્યાનમાં રાખી ચતુર્વિધ સંઘ દ્વારા સરકારની દિશા નિર્દેશોનું પૂર્ણપણે પાલન કરવામાં આવશે. પ્રભુ મહાવીરે પોતાની પ્રથમ ધર્મ દેશના શ્રી આચારાંગ સૂત્ર અધ્યયન 3 પ્રથમ ઉદ્દેશકમાં ફરમાવ્યું કે વાસાવાસં ઉવલ્લિએજ્જા. એટલે કે ચોમાસાના દિવસોમાં વરસાદને કારણે રસ્તાઓ ઉપર વનસ્પતિ - અંકુરાઓ સહિત અનેક જીવો વગેરે ઊગી નીકળે છે. ઘાસ આદિ લીલોતરીને કારણે રસ્તા ચાલવા યોગ્ય રહેતા નથી જૈન દર્શન અનુસાર વનસ્પતિ કાય પણ જીવ છે, તેના ઉપર ચાલવાથી તે જીવોની વિરાધના - હિંસા થઈ જાય છે. તેથી શ્રમણ અને શ્રમણીઓએ એક ગામથી બીજે ગામ વિહાર ન કરતાં ચાતુર્માસમાં એક સ્થાનકે રહી જવું. પ્રભુએ ઉત્તરાધ્યયન સૂત્રના 36માં અધ્યયનમાં પૃથ્વીકાયથી લઇને હાલતા- ચાલતા જીવો ત્રસ કાય સુધીનું વિસ્તૃત વર્ણન સમજાવી છકાયના  જીવોની દયા પાળવા માટે દિશા નિર્દેશ કરેલ છે.  સ્થાનકવાસી જૈન સમાજ દ્વારા ચોમાસામાં ચતુર્વિધ સંઘ જ્ઞાન, દર્શન, ચારિત્ર તથા તપની વિશેષ પ્રમાણમાં ઉપાસના અને આરાધના કરે છે. શ્રાવક - શ્રાવિકાઓ દાન, શીલ, તપ અને ભાવમાં રહે છે. જેવી રીતે ખેડૂત ચાર મહિના ખેતી કરી મબલખ પાક મેળવી બારે માસ સુખેથી જીવન પસાર કરે છે, તેવી જ રીતે ચોમાસાના દિવસો આત્માની ખેતી કરવાના શ્રેષ્ઠ દિવસો રહેલા છે. જૈન આગમોમાં તીર્થંકર પરમાત્માએ સાધુ માટે નવ કલ્પી તથા સાધ્વીજીઓ માટે પાંચ કલ્પનો ઉલ્લેખ કરેલ છે. વર્ષાકાળ સિવાય સાધુ મુનિરાજો એક જ સ્થાનકે 29 દિવસ,  સાધ્વીજીઓ 59 દિવસ રહી શકે છે. વર્ષનો બાકીનો સમય ચાતુર્માસ કલ્પ ગણાય છે.
જો કે આ વખતે કોરોના મહામારીનાં કારણે સરકારશ્રીની સૂચના અનુસાર પ્રવચન, વ્યાખ્યાન વગેરે સીમિત માત્રામાં યોજાશે. શ્રાવકોની ઉપસ્થિતિ રહેશે નહીં.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer