પોલીસ પહોંચે તે પહેલા આરોપી નાસી જાય છે?

દારૂ રેઢો મળવો: જુગારમાં આરોપીઓનું નાસી જવું જેવા કિસ્સા પોલીસ ફુટેલ હોવાને સમર્થન આપે છે?

રાજકોટ, તા. 28:  પોલીસ પહોંચે તે પહેલા આરોપી નાસી કેમ જાય છે? પોલીસ ખાતુ ફુટેલ છે? તેવા સવાલો ઉઠે છે ત્યારે ઇન્દોરના મોસ્ટ વોન્ટેડ શખસ જીતેન્દ્ર ઉર્ફે જીતુ સોનીના રાજકોટમાંથી ભાગી જવાના  કિસ્સા પરથી  એવું લાગે છે કે પોલીસ ખાતામાં અંગત હિત ધરાવતાં અનેક કર્મચારીઓ કાર્યરત છે.

ઇન્દોરનો જીતુ સોની  રાજકોટ પાસેના એક ફાર્મ હાઉસમાં  છુપાયો હતો. વાત શહેર પોલીસના કેટલાક અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ જાણતાં હતાં. ઇન્દોર પોલીસ આવી તે સાથે સામાકાંઠા વિસ્તારના નામચીન શખસના તરઘડિયા પાસેના ફાર્મ હાઉસમાં છુપાયેલ જીતુ સોની પલાયન થઇ ગયો હતો. ઇન્દોર પોલીસ ખાલી હાથે પરત જવાના બદલે જીતુના ભાઇ મહેન્દ્ર સોનીને ઉઠાવી ગઇ હતી.  જીતુ સોનીને ભગાડવામાં પોલીસ ખાતાના ફુટેલા કાર્ટીઝે મહત્વનો ભાગ ભજવ્યાની વિગતો પ્રકાશમાં આવી હતી. તેના આધારે તપાસ પણ શરૂ કરવામાં આવી હતી. તપાસના અંતે ક્રાઇમ બ્રાંચના પોલીસમેન પદુભા ઝાલાને તાકીદની અસરથી સસ્પેન્ડ કરી દેવાયો હતો. જયારે પીએસઆઇ પટેલની ક્રાઇમ બ્રાંચમાંથી ટ્રાફિક શાખામાં બદલી કરી નાખવામાં આવી હતી.

શહેરમાં ગેરકાયદે ડબ્બા ટ્રેડીંગ, ક્રિકેટનો સટ્ટો, ચોકકસ અધિકારીની મહેરબાની મેળવીને દારૂ, જુગારના ધંધા ચલાવવા જેવી પ્રવૃત્તિઓ છડે ચોક ચાલે છે. પ્રવૃત્તિઓ સાથે કોણ કોણ સંડોવાયેલ છે? તેના છેડા કયાંથી સુધીના છે? કેટલો ‘નાણાકિય વહીવટ’  થઇ શકે છે?  તે તમામ બાબત અધિકારીઓ જાણતા હોય છે પણ હોદ્દો સાચવી રાખવા માટે તમામને રાજી રાખવા પડતા હોય છે. તેના કારણે પ્રવૃત્તિઓ સાથે સંડોવાયેલા નામચીન શખસો સામે પગલાં ભરવામાં પોલીસ અચકાતી હોય છે.

સામા કાંઠા વિસ્તારમાં કેટલા માથાભારે શખસો છે? ગોળીબાર, ખંડણી વસુલવા સહિતના ગુનામાં કેટલા શખસો સામેલ છે? પ્રોટેકશન મની કોણ ઉઘરાવે છે? તેની માહિતી પોલીસ પાસે હોય છે. પોલીસ ચોપડે ચડી ચુકેલા શખસોને ઝડપી લેવામાં સરળતા રહે તે માટે પોલીસને ખાસ પોકેટ કોર્પ નામની એપ સાથેની સીસ્ટમ આપવામાં આવી છે. તેમાં આરોપીઓની તમામ વિગતો હોય છે. આમછતાં કેટલાક રાજકિય હાથાઓ તેની વગનો ઉપયોગ કરીને પોલીસ પાસેથી હથિયારના પરવાના પણ મેળવી લે છે.

દારૂ સાથેના વાહનો રેઢા  મળવા  પાછળની હકિકતની તપાસ કરવામાં આવતી નથી. તેની સઘન તપાસ કરવામાં આવે તો અનેક નીચે રેલો આવી શકે છે. પણ કમાઉ દીકરા તો માવતરને વહાલા હોય તેમ આંખ આડા કાન કરવામાં આવે છે.

મૌખિક મંજુરી આપીને શરૂ કરાયેલી જુગારની કલબ પર પોલીસ દ્વારા માંગેલી રેડ કરવામાં આવે છે. તેમાં છાપેલ કાંટલાની અટકાયત કરવામાં આવે છે. જુગારના દરોડામાં કેટલી રોકડ રકમ મળી તેનો સાચો આંક કયારેય બહાર આવતો નથી. જુગારીઓ પાસેથી રોકડિયો  વહીવટ કરવા માટે ધણા કિસ્સામાં કેટલાક શખસોને ભાગેડુ જાહેર કરવામાં આવે છે.

ગેરકાયદે ડબ્બા ટ્રેડીંગમાં સૌથી મોટા સોદા સોના, ચાંદી અને ક્રુડ વગેરેના થતાં હોય છે. તેમાં મોટી રકમ ગુમાવવાના કારણે શહેરના કેટલાય માથાઓને મોટી મિલકત ગુમાવવાનો વખત આવ્યો છે તો કેટલાકને જીવ આપવાનો સમય આવ્યાના કિસ્સા પણ નોંધાયા છે.

જમીન-મકાન લે વેચના સોદા, જમીનમાં ગેરકાયદે દબાણ, જમીનના સાચા, ખોટા સાટાખત ઉભા કરીને કિંમતી જમીનમાં વિવાદ ઉભા કરીને જમીન પચાવી કે પડાવી લેવાના કારસામાં પોલીસની સાથોસાથ રાજકારણીઓ, બિલ્ડર, માથાભારે શખસો સંડોવાયેલા હોય છે. પોલીસ માટે જમીન તો સોનાના ઇંડા આપતી મરઘી સમાન છે. પોલીસ સામે આક્ષેપ થાય કે ઉપર સુધી રજૂઆત થાય ત્યારે પોલીસ અધિકારીઓ રાજકારણીઓનું શરણુ લે છે. શહેરની અનેક જમીન સાથે રાજકારણીઓ, બિલ્ડર્સના નામ સંકળાયેલા છે. જમીનનો હવાલો લીધાના પોલીસ અધિકારીઓ સામે આક્ષેપ પણ થયા છે. જમીન-મકાનના કારણે કેટલાય રાજકિય કાર્યકર નેતા બની ગયાના દાખલ પણ શહેરમાં મોજુદ છે. પોલીસ સાથેની સાંઠગાંઠ  વગર કોઇ ગુનેગાર ઉંચો આવી શકે તે જગજાહેર વાત છે. તમામ બાબતો પરથી પોલીસની વરવી ભુમિકા ઉપસી રહી છે.પોલીસની ખરડાયેલી છબી સુધારવા કોઇ પગલાં લેવાશે કે પછી ચાલે છે તેમજ ચાલશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer