વાપીમાં જીએસટીના બોગસ બિલ કૌભાંડમાં ત્રણની ધરપકડ

અમદાવાદ, તા. 28:  રાજ્યમાં જુદી જુદી કંપનીઓ બનાવીને બોગસ બિલીંગ દ્વારા કરોડોની કરચોરી આચરવાના મામલે જીએસટી વિભાગે વાપીના સીએ સહિત ત્રણ જણાની ધરપકડ કરી છે. ત્રણેયને કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મેળવવા માટે કાર્યવાહી હાથ ધરી છે. લોકડાઉન બાદ જીએસી વિભાગે આ પ્રથમ કેસ કર્યો છે. જીએસટી વિભાગ એન્ફોર્સમેન્ટ વિભાગે બિલીંગ કૌભાંડ અન્ય આરોપીઓના સહયોગ વગર શક્ય ન હતું. આથી વિભાગે 19મી જૂન-20ના રોજ સંજયભાઈ પોપટલાલ મહેતા અને 22મી જૂને સીએ જશ્મીન શાહના પી.કે. ઈન્ટરનેશનલના માલિક પિયુષભાઈ ખુમચંદભાઈ જૈન, મુકેશ પ્રજાપતિ તથા મીતેશભાઈ જશવંતભાઈ શાહના ધંધા અને રહેઠાણના સ્થળોએ દરોડા પાડી તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન સંજયભાઈ મહેતા, સી.એ. જશ્મીનભાઈ શાહ અને પીયૂષભાઈ જૈન વગેરે સાથે મળી સમગ્ર બીલીંગ કૌભાંડને ઓપ આપેલ હોવાનું બહાર આવ્યું હતું. સમગ્ર બિલીંગ કૌભાંડમાં વાપી સ્થિત ફાર્માસ્યુટીકલ કંપનીમાં બોગસ મેનપાવર સપ્લાયના બિલો ઈસ્યુ કરી તેના નાણા આરટીજીએસ કે ચેક દ્વારા બોગસ પેઢીમાં મેળવવામાં આવતા હતા. આ બોગસ પેઢીઓ સાથે મેનપાવર સપ્લાય કરવાનો કરાર વાપી સ્થિત ફાર્માસ્યુટીકલ કંપની સાથે કરેલ છે ત્યારબાદ આ બોગસ પેઢીઓના ખાતામાંથી રોકડ નાણા ઉપાડી અથવા ઘોફનો ઉપયોગ કરી અન્ય ખાતાઓમાં રકમ ફેરવી તેમાંથી રોકડ નાણા આગડિયા પેઢીમાં પહોંચતા કરવામાં આવતા હતા. આ રોકડ નાણા વાપી સ્થિત ફાર્માસ્યુટીકલ કંપનીની સૂચના મુજબ તેમને તથા તેમણે જણાવેલ ભારતના વિવિધ સ્થળોએ વિવિધ વ્યક્તિઓને મોકલવામાં આવતા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer