વિસાવદરના ઘોડાસણની સીમમાં યુવાનનું ખૂન

જૂનાગઢ, તા.28 (ફૂલછાબ ન્યૂઝ): વિસાવદરના ઘોડાસણ ગામની સીમમાં દારૂ પીવા મામલે ડખ્ખો થતાં 35 વર્ષના યુવાનની તેના જ મિત્ર અને મિત્રના પિતાએ મળીને લાકડાના ધોકા વડે મરણતોલ ફટકા મારીને પતાવી દીધાની ઘટના પોલીસ દફતરે નોંધાઇ છે.  વિસાવદરના લાલપુર ગામે રહેતા વજુભાઈ કેશુભાઈ ચાવડાએ પોલીસમાં નાનજી બચુ ડેડાણિયા અને તેના પુત્ર વનરાજ નાનજી ડેડાણિયા નામના પિતા-પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યું છે કે, વજુભાઈના માસીયાઈ ભાઈ કુરજીભાઈ નાનજીભાઈ જારેરા ઉ.35 એ આરોપી પિતા-પુત્ર વચ્ચે મિત્રતા હતી, અને તેઓ સાથે જ રખડતા અને દારૂ પીવાની ટેવ ધરાવતા હતા. તે અરસામાં ગઈકાલે સાંજે ઘોડાસણની સીમમાં કુરજીભાઈ પર આ બન્ને પિતા-પુત્ર લાકડાના ધોકા વડે તૂટી પડીને માર મારતા હોવાની જાણ થતાં વજુભાઈ ત્યાં દોડી ગયા હતા, ત્યારે વનરાજના હાથમાં લાકડાનો ધોકો હતો, તે ધોકો મુકીને નાસી ગયો હતો અને તેના પિતા નાનાજીને હાથમાં ઈજા થતાં તે ખાટલા પર બેઠો હતો અને કુરજીભાઈ ગંભીર હાલતમાં કણસતા હતા, તેણે જણાવ્યું કે બન્નેએ દારૂ પીવા મામલે હુમલો કર્યો હતો, તે અરસામાં તબીબી સારવાર મળે તે પહેલાં કુરજીભાઈનું મોત નીપજતાં પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પરથી નાનજી ડેડાણિયાની ધરપકડ કરીને બન્ને સામે હત્યાનો ગુને નોંધ્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer