સાવકી જનેતાએ પુત્રની હત્યા કરી

ભાવનગરના કાત્રોડી ગામે જમીનનો ઝઘડો હત્યા સુધી પહોંચ્યો
ભાવનગર, તા.28: (ફૂલછાબ ન્યુઝ) જિલ્લાનાં કાત્રોડી ગામે જમીનનો ઝઘડો યુવાનની હત્યા સુધી પહોંચી ગયો હતો.  એટલું જ નહીં હત્યા પણ તેની સાવકી માતાએ જ કરી હોવાની શંકા પોલીસ ફરિયાદમાં નોંધાવાતા પોલીસ ચોંકી ઉઠી છે.
‘જર, જમીન અને જોરૂ-એ ત્રણ કજીયામાં છોરૂ’ આ કહેવત અનેક વખત સાર્થક થતી હોય છે. આવો વધુ એક બનાવ ભાવનગર પંથકમાં બનવા પામ્યો છે. જેમાં જમીન વેચાણ બાબતે મનદુ:ખ થતાં યુવાનની હત્યા થવા પામી છે.
આ બનાવ અંગે પોલીસ સુત્રો દ્વારા જાણવા મળતી વિગતો મુજબ ભાવનગર જિલ્લાનાં જેસર તાલુકાનાં કાત્રોડી ગામે રહેતાં ભીમજીભાઇ ભીખાભાઇ નાગર (ઉ.વ.46)ની તીક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં જ જેસર પોલીસનો સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. આ બનાવ અંગે મૃતક ભીમજીભાઇનાં પિતરાઇ ભાઇ મનસુખભાઇ વીરાભાઇ નાગરે જેસર પોલીસ સ્ટેશનમાં શકદાર તરીકે મૃતક યુવાન ભીમજીભાઇની  સાવકી માતા વિરૂબેન વિરૂધ્ધ ફરીયાદ નોંધી જણાવેલ કે જમીનનાં વેચાણ બાબતે ઓરમાન પુત્ર સાથે અણબનાવ બનેલ જેથી આ બનાવ બન્યો છે. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પો.સ.ઇ. કે.જે. સીસોદીયા ચલાવી રહ્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer