વડત્રા ગામે પાણી ભરેલાં ખાડામાં ડૂબી જવાથી બે માસુમ ભાઈનાં મૃત્યુ

પિતા-માતા મજૂરીએથી પરત આવ્યા તો બંને પુત્રોના મૃતદેહ પાણીના ખાડામાં મળ્યા
(ફૂલછાબ ન્યુઝ)
ખંભાળિયા, તા.28: ખંભાળિયાના વડત્રા ગામે મજૂરી અર્થે આવેલા પરપ્રાંતીય પરિવારના બે સગા ભાઈઓ પાણીના ખાડામાં ડૂબી જતા બંનેનાં મૃત્યુ થયાં છે. તાલુકાનાં વડત્રા ગામેથી વાડી વિસ્તારમાં ગોવિંદભાઈ નામના આસામીને ત્યાં મજૂરીકામ અર્થે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના વતની સુરેશ મંગાભાઈ અને તેમનાં પત્ની નંદાબેન તથા બે બાળકો વિજય (ઉ.વ.11) અને સંજય (ઉ.વ.7) સહિતના પરિવાર સાથે અહીં રહેતા ત્યારે ગઇ કાલે સુરેશભાઈ તેમના પત્ની સાથે વાડીએ મજૂરી કરવા ગયેલ હોય ત્યારે તેમનાં બાળકો તેમનાં ઝૂંપડે રાખી ગયેલ હતા ત્યારે નંદાબેન ઘરે પાણી પીવા આવતાં બાળકો ઘરે હાજર જોવા ન મળતા નંદાબેન તેમના પતિ સુરેશભાઈને જાણ કરતા વાડી માલિક સહિત શોધખોળ હાથ ધરી હતી ત્યારે જ્યાં રહેતા હોય ત્યાંથી થોડે દૂર પાણી ભરેલા ખાડામાં શોધવા જતા કાદવમાં પગના નિશાન જોવા મળતા તળાવમાં શોધખોળ હાથ ધરીને બન્ને ભાઇઓ વિજય અને સંજય બેભાન હાલતમાં મળી આવતા તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડાયા હતા પરંતુ તબીબે મૃત જાહેર કરતા ગરીબ પરિવારના બે દિવા એક સાથે ઓલવાઇ જતા દંપતી પર દુ:ખનું આભ ફાટી પડયું હતું. આ મૃત બાળકોને અંતિમ વિધિ માટે એમ્બ્યુલન્સ દ્વારા દેવગઢ બારિયાનાં વતન મોકલાયાં હતાં.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer