બેકાબૂ ટ્રકે કારને અડફેટે લેતા અમદાવાદના RTO અધિકારીનું મૃત્યુ

બ્રેક ફેઈલ થઈ જતા બે કાર-બે બાઈકને અડફેટે લીધા: ભાઇ-ભાભી ઘાયલ
રાજકોટ, તા.ર8 : ભાવનગર હાઈવે પરના ત્રંબા ગામ પાસે સાંજે ટ્રકની બ્રેક ફેઈલ થઈ જતા બેકાબૂ બનેલા ટ્રકે બે કાર અને બે બાઈકને અડફેટે લેતા રોડ પર નાસભાગ મચી ગઈ હતી અને આ અકસ્માતમાં રાજકોટમાં રહેતા અને અમદાવાદ આરટીઓમાં ફરજ બજાવતા એઆરટીઓનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજયું હતું અને ભાઈ-ભાભીને ઈજા થવાથી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયારે અન્ય વાહનચાલકોને પણ ઈજા પહોંચી હતી. આ અંગે પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.
 આ બનાવ અંગેની વિગત એવી છે કે, નાના મવા સર્કલ પાસેની રાજ રેસી.માં રહેતા અને અમદાવાદ આરટીઓમાં એઆરટીઓ તરીકે ફરજ બજાવતા નિલેષ વિનુભાઈ કોઠારી નામના અધિકારી સાંજે તેની કાર લઈને ત્રંબા ગામ પાસેથી પસાર થતા હતા ત્યારે પુરઝડપે ધસી આવેલા ટ્રકે નિલેષ કોઠારીની કારને અડફેટે લેતા  ગંભીર ઈજા થવાથી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બેકાબૂ ટ્રકે નિલેષ કોઠારીની કાર તેમજ અન્ય એક કાર અને બે બાઈકને પણ અડફેટે લેતા હાઈવે પર નાસભાગ મચી ગઈ હતી. અકસ્માત બાદ ચાલક ટ્રક રેઢો મુકી નાસી છુટયો હતો. જયારે અકસ્માતમાં ઘવાયેલા અન્ય વાહનચાલકોને પણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાનું જણાવાઇ રહ્યંy છે.અકસ્માતમાં ઘવાયેલા આરટીઓ અધિકારી નિલેષ કોઠારીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું હતું. તેમજ મૃતક નિલેષ કોઠારીના ભાઈ હિરેનભાઈ અને ભાભી શ્વેતાબેનને ગંભીર ઈજા થવાથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા અને કારમાં બેઠેલા ચાર બાળકોનો આબાદ બચાવ થયો હતો. મૃતક નિલેષ કોઠારી સહિતના પરિવારજનો ઢાંઢીયા ગામેથી પરત આવતા હતા. આ બનાવ અંગે આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને નાસી છૂટેલા ટ્રકચાલક વિરુધ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer