પેટાચૂંટણીની રણનીતિ માટે આજે ગુજરાત ભાજપની મહત્ત્વની બેઠક

મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં પ્રદેશ મહામંત્રીઓ પણ હાજર રહેશે
અમદાવાદ, તા.28:  (ફૂલછાબ ન્યુઝ) રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અને પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં આવતીકાલે ગુજરાત ભાજપની મહત્ત્વની બેઠક પ્રદેશ કાયર્લય કમલમ ખાતે યોજાનાર છે. આ બેઠકમાં આગામી પેટાચૂંટણી અંગે ચર્ચા વિચારણા કરી રણનીતિ ઘડી કાઢવામાં આવશે. આ બેઠકમાં પ્રદેશ કોર ગ્રુપના સભ્યો, પ્રદેશ મહામંત્રીઓ અને પ્રદેશ અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
મહત્ત્વનું છે કે કોરોનાનાં સંક્રમણ વચ્ચે યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના કુલ આઠ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં હતાં. જેમાંથી પાંચ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા છે. હવે આગામી સપ્ટેમ્બર મહિનામાં ખાલી પડેલી વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ શકે છે. માર્ચ મહિનામાં કોંગ્રેસના પાંચ અને જૂન મહિનામાં ત્રણ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં હતાં. ભાજપ આ પેટાચૂંટણીમાં બધી બેઠકો કબજે કરી શકે તે માટે આવતીકાલે સવારે 11-30 કલાકે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યોજાનારી અગત્યની બેઠકમાં મંથન કરશે. આ ઉપરાંત કાયદાકીય ગૂંચવણમાં અટવાયેલી દેવભૂમિ દ્વારકા અને મોરવાહડફની બેઠક પર પણ પેટાચૂંટણી યોજાઈ શકે છે, જે અંગે ચૂંટણી પંચ આગામી સમયમાં સત્તાવાર જાહેરાત કરશે. આ તમામ બેઠકોની પેટાચૂંટણીઓ અંગેની જવાબદારી જે તે જિલ્લાના પ્રભારીને જવાબદારી સોંપવામાં આવશે. બીજી તરફ ખાલી પડેલી વિધાનસભા બેઠક ઉપરાંત છ મહાનગરપાલિકા અને પંચાયતોની ચૂંટણીઓ આવી રહી છે તે અંગે પણ ચર્ચા - વિચારણા અને પરામર્શ કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીઓ પણ જીતવી ભાજપ માટે એટલી જ જરૂરી છે કેમ કે ગ્રામ્ય સ્તરે તેમજ શહેરી વિસ્તારોમાં પકડ જમાવી રાખવી હોય તો આ સંસ્થાઓ પણ ફરીથી હસ્તગત કરવી આવશ્યક છે. આમ સ્થાનિક સ્વરાજ્યની અને પેટાચૂંટણીનો સમયગાળો લગભગ સાથે જ આવે તેવી શક્યતાઓ છે. આ સંજોગોમાં ઉમેદવાર પસંદગીથી માંડી સ્થાનિક કક્ષાએ આયોજનના સંદર્ભમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer