સૌરાષ્ટ્રના 9 જિલ્લાના શહેરમાં 21 અને ગ્રામ્યમાં 37 નવા કેસ

ભાવનગરમાં ત્રણ માસના બાળક સહિત વધુ 8 કોરોનાગ્રસ્ત - સુરેન્દ્રનગરમાં વધુ એક તબીબ સહિત ચારને ચેપ, બે મૃત્યુ
રાજકોટ, તા.28 : સૌરાષ્ટ્રમાં કોરોનાએ પોતાનો વ્યાપ વધાર્યો હોય તેમ હવે જિલ્લાઓમાં મુખ્ય શહેરો કરતા ગામડાઓમાં કેસ વધી રહ્યા છે. આ પાછળ રાજ્યના હોટ સ્પોટ એવા અમદાવાદ, સુરત અને મુંબઈ તરફ લોકોનું શરૂ થયેલું આવાગમન જવાબદાર ગણી શકાય છે. જો કે, ફસાયેલા લોકો પોતાના વતન આવે તે વ્યાજબી છે પરંતુ હવે આવા હોટ સ્પોટ જિલ્લાઓમાંથી સૌરાષ્ટ્રમાં પોતાના સગા સંબંધીઓને ત્યાં લોકો આવી રહ્યા છે અને કોરોના આપી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. આજે સૌરાષ્ટ્રના 9 જિલ્લામાં વધુ 58 કેસ નોંધાયા હતા. જેમાંથી 21 કેસ મુખ્ય શહેરોમાં અને બાકીના 37 કેસ જિલ્લાઓના ગામડાઓમાં નોંધાયા હતા.
રાજકોટ શહેરના ગાંધીગ્રામના શિવમ પાર્કમાં રહેતા અને અઠવાડીયા પહેલા દિલ્હીથી આવેલા 48 વર્ષીય પુરુષ આજે કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત અગાઉના પોઝિટિવ દરદીના સગા તથા તેમના સંપર્કમાં આવેલા કાલાવડ રોડ પર આર.કે.નગરમાં 51 વર્ષીય આધેડ, 150 ફુટ રોડ પર આસ્થા રેસીડેન્સીમાં રહેતો 39 વર્ષીય યુવાન અને યુનિવર્સિટી રોડ પર જલારામ સોસાયટીમાં રહેતા 60 વર્ષીય મહિલા પણ આજે કોરોના પોઝિટિવ આવ્યા હતા. જ્યારે શહેરના પંચવટી સોસાયટી પાછળ આવેલી શ્રી કોલોનીમાં રહેતા પુરુષનો અગાઉ કોરોના પોઝિટિવ આવ્યો હતો અને આજે તેની 53 વર્ષીય પત્નીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી અનામિકા સોસાયટી-2માં રહેતા 63 વર્ષિય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત જસદણની મોહનદાદા પ્લોટ અને છત્રી બજારમાં એક-એક કેસ આવ્યા હતા તેમજ તાલુકાના આટકોટમાં પણ વધુ ત્રણ કેસ સામે આવ્યા હતા. જ્યારે જેતપુર તાલુકાના જેતલસરની 23 વર્ષીય યુવતી જે હાલ જૂનાગઢ ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવે છે તેનો આજે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જામકંડોરણા તાલુકાના વૈભવનગર ગામે અગાઉ આવેલા પોઝિટિવ પરિવારના 45 વર્ષીય મહિલા અને તેનો 21 વર્ષીય પુત્ર આજે કોરોનાગ્રસ્ત જાહેર થયા હતા. ગોંડલ શહેરના ભોજરાજપરા વિસ્તારમાં વધુ એક 32 વર્ષીય યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ યુવતીના ઘરે અમદાવાદથી આવેલા મહેમાનના કારણે ચેપ લાગ્યો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. જ્યારે કોટડાસાંગાણી તાલુકાના માંડવા ગામે રહેતા અને સુરતથી પરિવાર સાથે પરત આવેલા 74 વર્ષીય વૃદ્ધનો પણ આજે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે શહેરમાં કુલ કેસની સંખ્યા 159 થઈ છે. જ્યારે ગ્રામ્યના 103 મળીને જિલ્લામાં કુલ પોઝિટિવ આંક 262 પર પહોંચ્યો છે. જેમાંથી ગ્રામ્યના પાંચ અને શહેરના ત્રણ એમ વધુ આઠ સહિત અત્યાર સુધીમાં કુલ 183 દરદી સાજા થઈ ગયા છે. આ સિવાય અત્યાર સુધીમાં શહેરના 6 અને ગ્રામ્યના પાંચ મળીને કુલ 11 દરદીના મૃત્યુ નિપજ્યા હોવાથી હાલ 68 દરદી સારવારમાં છે. જેમાંથી સિવિલ હોસ્પિટલમાં શહેરના 16 તથા ગ્રામ્યના 31 અને ખાનગીમાં શહેરના 20 તથા ગ્રામ્યનો 1 દરદી સારવારમાં છે.
અમરેલી શહેરના જેસીંગપરાની 50 વર્ષીય મહિલા, માણેકપરાની 50 વર્ષીય મહિલા, તાલુકાના ઈશ્વરીયા ગામના 75 વર્ષીય વૃદ્ધા, ગાવડકા ગામની 55 વર્ષીય મહિલા, રંગપુર ગામનો 42 વર્ષીય યુવાન, લાઠીનો 45 વર્ષીય યુવાન, જરખીયા ગામનો 30 વર્ષીય યુવાન, સાવરકુંડલાના ગોરડકા ગામનો 40 વર્ષીય યુવાન, ધારીની 25 વર્ષીય યુવતી તેમજ રાજુલામાં 40 વર્ષીય યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આજે એકસાથે 10 નવા કેસ આવતા જિલ્લાનો કુલ આંક 70 થવા પામ્યો હતો. જેમાંથી અત્યાર સુધીમાં પાંચના મૃત્યુ નિપજ્યા છે અને 30 ડિસ્ચાર્જ થઈ ચુક્યા હોવાથી હાલ 35 એક્ટિવ કેસ છે.
ભાવનગર શહેરમાં 25 વર્ષીય યુવતી, 40 વર્ષીય યુવક, 52 વર્ષીય આધેડ, 35 વર્ષીય યુવક, મહુવા તાલુકના ભાદ્રા ગામની 30 વર્ષીય યુવતી, પાલીતાણાના 60 વર્ષીય વૃદ્ધ, વલ્લભીપુરના ઈટાળીયા ગામનો 34 વર્ષીય યુવક તથા લાખણકા ગામના ત્રણ માસના બાળકનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ સાથે જિલ્લામાં કુલ કેસની સંખ્યા 242 થવા પામી છે. જેમાંથી અત્યાર સુધીમાં 156 દરદી સાજા થઈ ગયા છે અને 13 મૃત્યુ પામ્યા હોવાથી હાલ 69 દરદી સારવારમાં છે.
સુરેન્દ્રનગરના રતનપરના 45 વર્ષીય શંકરભાઇ મોરીનો ગત તા.23ના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા આઈસોલેટ કરાયા હતા. ગઈકાલે મોડી રાત્રે શંકરભાઇનું મૃત્યુ નિપજ્યુ હતું. જ્યારે પાટડી તાલુકાના નાયબ મામલતદાર રઘુભાઇ ખાંભાણના 80 વર્ષીય માતા કુવરબેન અમદાવાદ કોરોનાની સારવારમાં હતા. પરંતુ આજે તેમનું મૃત્યુ નિપજ્યુ હતુ. આ ઉપરાંત સુરેન્દ્રનગર શહેરની સી.યુ.શાહ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં ફરજ બજાવતા 24 વર્ષીય ડોક્ટર આજે કોરોનાગ્રસ્ત જાહેર થયા હતા. આ સાથે હોસ્પિટલના ચોથા ડોક્ટર સંક્રમિત થયા હતા. જ્યારે શહેરની ભાગ્યોદય સોસાયટીમાં રહેતા અને રાજકોટથી આવેલા 27 વર્ષીય યુવાન, રતનપરની સંજીવની સોસાયટીમાં રહેતા અને મુંબઈમાં સગાઈનો પ્રસંગ પતાવીને પરત આવેલા 52 વર્ષીય આધેડ તેમજ સુરેન્દ્રનગરના વિઠ્ઠલપુર રોડ પર રહેતા અને અગાઉના પોઝિટિવ પરિવારનો 25 વર્ષીય યુવક અને અલ્કાપુરી ચોકમાં રહેતા 63 વર્ષીય વૃદ્ધા કોરોનાગ્રસ્ત જાહેર થયા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer