ઇન્દોરનો મોસ્ટ વોન્ટેડ જીતુ સોની અમરેલી પંથકમાં પકડાયો

ઇન્દોરનો મોસ્ટ વોન્ટેડ જીતુ સોની અમરેલી પંથકમાં પકડાયો
જીતુને ઝડપી લેવા 12 ટીમ કાર્યરત હતી: 56 ગુનામાં ફરાર હતો
રાજકોટ, તા. 28: (ફૂલછાબ ન્યુઝ) ઇન્દોર પંથકના માનવ તસ્કરી, અપહરણ, ધમકી, ઠગાઇ,  દુષ્કર્મ અને ખંડણી સહિતના 56 જેટલા ગુનામાં સંડોવાયેલ મૂળ ધારી પંથકના વતની જીતેન્દ્ર ઉર્ફે જીતુ જગજીવન સોનીને સાત માસના અંતે અમરેલી પંથકમાંથી ઝડપી લેવામાં ઇન્દોર પોલીસને સફળતા મળી હતી.
ઇન્દોરના સંખ્યાબંધ ગુનામાં સંડોવાયેલા જીતુ સોની પર રૂ. 1.60 લાખનું ઇનામ જાહેર થયું હતું. છેલ્લા સાત માસથી તે પોલીસને હાથતાળી આપી રહ્યો હતો. આ નામચીન શખસને ઝડપી લેવા માટે ઇન્દોર ક્રાઇમ બ્રાંચ દ્વારા જુદી જુદી 12 ટીમને કાર્યરત કરવામાં આવી હતી. પોલીસે મોબાઇલ ફોનના લોકેશનને કેન્દ્રમાં રાખી તથા બાતમીદારો મારફતે જીતુ સોની અને તેના ભાઇ મહેન્દ્રની શોધખોળ શરૂ કરી હતી. ચાર દિવસ પહેલા જીતુ સોની રાજકોટમાં હોવાની ચોક્કસ બાતમીના આધારે ઇન્દોર પોલીસની ટીમ રાજકોટ પહોંચી હતી. પરંતુ ઇન્દોર પોલીસ આવ્યાની જાણ થઇ જતાં જ જીતુ સોની નાસી ગયો હતો. જયારે તેના ભાઇ મહેન્દ્ર સોનીને અટકાયત કરી હતી. જે તે સમયે જીતુ સોની રાજકોટ પાસેના તરઘડિયા ગામે આવેલા એક ફાર્મ હાઉસમાં છુપાયો હતો.
રાજકોટથી ચકમો આપીને ભાગી ગયેલો જીતુ સોની અમરેલીના તેના વતન ધારી પંથકમાં હોવાની ચોકકસ બાતમીના આધારે ઇન્દોર પોલીસ ધારી પહોંચી હતી અને એક ફાર્મ હાઉસમાંથી જીતુને ઉઠાવી લીધો હતો. તેને ઇન્દોર લઇ જવામાં આવ્યો હતો. ત્યાં તેનો કોરોના ટેસ્ટ કરાવીને કોર્ટમાં રજુ કરીને ત્રણ જુલાઇ સુધી રિમાન્ડ પર મેળવ્યો હતો.
પોલીસના જણાવ્યા પ્રમાણે જીતુ સોનીએ ઇન્દોર પંથકમાં માનવ તસ્કરી, ઠગાઇ, અપહરણ, દુષ્કર્મ, ખંડણી સહિતના સંખ્યાબંધ ગુના આચર્યા હતાં. તેને ઝડપી લેવા ધણા સમયથી પ્રયાસ ચાલતા હતાં. તેની મિલકત જપ્તીમાં લેવાની પણ કાર્યવાહી કરવામાં આવી હતી. તેની કેટલીક મિલકતને તોડી પાડવામાં આવી હતી. આ શખસને આશરો આપનાર અને આર્થિક મદદ કરનાર શખસો સામે ગુનો નોંધીને તેની પણ અટકાયત કરાશે. હાલમાં તેને રિમાન્ડ પર મેળવવામાં આવ્યો છે. તેના મોબાઇલ ફોનને કેન્દ્રમાં રાખીને તેની સાથે કોણ કોણ સંપર્ક ધરાવતું હતું તેના સહિતની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer