વડાપ્રધાને હોમ કવોરોન્ટાઇન શંકરસિંહના ખબર અંતર પૂછયા

વડાપ્રધાને હોમ કવોરોન્ટાઇન શંકરસિંહના ખબર અંતર પૂછયા
શંકરસિંહને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં અપાઇ રહી છે સારવાર
અમદાવાદ, તા.28: (ફૂલછાબ ન્યુઝ) ગુજરાતરમાં કોરોનાની સ્થિતિ ગંભીર બની રહી છે ત્યારે આ કોરોનાની ઝપેટમાં કેટલાક રાજકીય નેતાઓ પણ આવી ચૂક્યા છે. રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરાસિંહ વાઘેલાનો શનિવારે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓ તેમનાં નિવાસસ્થાને જ હોમ ક્વોરેન્ટાઇન થયા હતા. જેની જાણ થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શંકરાસિંહ વાઘેલાને વહેલી સવારે ફોન કરીને તેમના ખબરઅંતર પૂછયા હતા. મોદીએ વાઘેલાને ઝડપથી સાજા થવાની શુભેચ્છા પણ આપી હતી અને તમામ પ્રકારની મદદની ખાતરી પણ આપી હતી. દરમિયાન તબીબોએ બાપુને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપતા આજે સવારે તેમને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
શંકરાસિંહ વાઘેલાને છેલ્લા ત્રણ - ચાર દિવસથી 102 તાવ રહેતો હોવાના કારણે તેમનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા શંકરાસિંહ બાપુને તેમના ગાંધીનગર સ્થિત આવેલાં નિવાસસ્થાન વસંત વગડામાં હોમ ક્વોરેન્ટાઇન થયા હતા. આ સાથે જ તેમનાં નિવાસસ્થાન ખાતે જ ખાનગી ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર શરૂ કરવામાં આવી હતી. જો કે કોરોના પોઝિટિવ રિપોર્ટના પગલે જિલ્લા આરોગ્ય ટીમ પણ બાપુનાં નિવાસસ્થાને પહોંચી હતી અને આરોગ્યલક્ષી કામગીરી આરંભી હતી. જો કે તબીબોની સલાહને અનુસરીને તેઓને આજે સવારે 108 એમ્બ્યુલન્સ દ્વારા અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યારે અન્ય ગાડીમાં તેમના પુત્ર મહેન્દ્રાસિંહ વાઘેલા પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.
નોંધનીય છે કે, શંકરાસિંહ વાઘેલાએ તાજેતરમાં જ નેશનલ કોંગ્રેસ પાર્ટી સાથે છેડો ફાડયો છે અને પ્રજા શક્તિ મોરચાની સ્થાપના કરી છે. શકરાસિંહે થોડા દિવસ પૂર્વે સમર્થકો સાથે બેઠક કરી હતી જ્યારે 23 તારીખે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
આથી તેમના સંપર્કમાં આવેલા આગેવાનો, પત્રકારો તેમજ શકરાસિંહ વાઘેલાની નજીકના લોકોની તપાસ થઈ રહી છે.
 
 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer