ચીન સાથે તનાવ વચ્ચે કાશ્મીરમાં LPGનો સ્ટોક કરવા આદેશ

ચીન સાથે તનાવ વચ્ચે કાશ્મીરમાં LPGનો સ્ટોક કરવા આદેશ
શ્રીનગર, તા. 28 : લદ્દાખમાં હિંસક ઘર્ષણ બાદથી ભારત અને ચીન વચ્ચે તનાવ વધી રહ્યો છે. આ દરમિયાન જમ્મુ કાશ્મીરમાં સરકાર તરફથી બે મહિનાના એલપીજી સિલિન્ડરનો સ્ટોક કરવાનો અને સુરક્ષા દળો માટે શાળાઓને ખાલી કરવાનો આદેશ આપવામાં આવતા લોકોની ચિંતામાં વધુ વધારો થયો છે. બીજી તરફ લદ્દાખમાં ચીનની હરકતોથી સતર્ક સેનાએ જવાનોની હાજરી બમણી કરી દીધી છે. લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે જારી તનાવ વચ્ચે જમ્મુ કાશ્મીર સરકારે બે અલગ અલગ આદેશ જારી કર્યા છે. જેના કારણે ચિંતા વધી છે. જેમાંથી એક આદેશમા કાશ્મીરના લોકોને ઓછામાં ઓછા બે મહિના માટે એલપીજી સિલિન્ડરનો સ્ટોક કરવામાં કહેવામાં આવ્યું છે. ઉપરાજ્યપાલે એક બેઠકમાં એલપીજીનો પર્યાપ્ત સ્ટોક સુનિશ્ચિત કરવા કહ્યું હતું. આદેશમાં કહેવામાં આવ્યું હતું કે, ભૂસ્ખલનના કારણે હાઈવે બંધ થતા આપૂર્તિ પ્રભાવિત થઈ શકે છે. જ્યારે બીજા આદેશમાં ગાંદરબલમાં સુરક્ષા દળો માટે શાળાની ઈમારતોને ખાલી કરવા કહેવાયું છે. અમરનાથ યાત્રા-2020ને ધ્યાને લઈને સીઆરપીએફ જવાનોના આવાસ માટે તેને ઉપલબ્ધ કરાવવા કહ્યું હતુ. કાશ્મીરમાં ગાંદરબલ જીલ્લો લદ્દાદના કારગિલ સાથે જોડાયેલો છે. આ આદેશોને પગલે પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, સરકારના આદેશ કાશ્મીરમાં દહેશત પેદા કરી રહ્યા છે.
 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer